આણંદ : કડાણા તાલુકાના મોટાપડાદરા ગામે રહેતી પરિણીતાએ પતિ સહિત સાસરિયાના ત્રાસથી નદીમાં કુદી આપઘાત કરી લીધો હતો. આ અંગે તેના પિતાએ પાંચ સાસરિયા સામે ફરિયાદી આપી હતી. કડાણાના સરસડી ગામે રહેતા પુનાભાઈ ડીંડોરની દિકરી મીનાબહેનના લગ્ન મોટા પડાદરા ગામે રહેતા સુમરાભાઈ પગીના પુત્ર રૂગભાઈ સાથે દસેક વર્ષ પહેલા થયાં હતાં. આ લગ્ન સમયે મીનાબહેનને આંખો ઓછું દેખાતું હોવાનું અને ડાબા પગે ખોટ હોવાની ચોખવટ કરી હતી. તે સમયે સાસરિયાએ તેમને સારી રીતે પાલવવાનું વચન પણ આપ્યું હતું. આ લગ્ન બાદ મીનાબહેન તેના પતિ સાથે કરોડિયા ગામે રહેવા જતાં રહ્યાં હતાં. જોકે, આઠ વરસથી સારી રીતે ચાલી રહેલા લગ્નજીવનમાં તેમને કોઇ સંતાન ન થતાં સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
મીનાબહેનને વારંવાર તુ વાંઝણી છે, તેમ કહી મ્હેણાં – ટોણાં મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેમને પુરતુ અનાજ પણ આપતાં નહતા. આ ત્રાસથી કંટાળી આખરે મીનાબહેને 28મી ઓગષ્ટના રોજ ગામ પાસે આવેલા નદીની કોતરમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. જોકે, આ વાતથી અજાણ તેના પરિવારજનોએ ઘરમાં મીનાબહેનને ન જોતા તપાસ શરૂ કરી હતી. આખરે નદીની કોતરમાં તેમના ચંપલ મળતાં નદીમાં શોધખોળ કરતાં તેમની લાશ મળી આવી હતી. આ અંગે પુનાભાઈ ડીંડોરની ફરિયાદ આધારે ડીટવાસ પોલીસે રૂગાભાઈ પગી, સુમરા લાલા પગી, રતનબહેન સુમરા, શનાભાઈ પગી, બબલીબહેન સામે ગુનો નોંધ્યો હતો.