એક ઝેન ગુરુ હતા. તેઓ તેમની પાસે કોઈ જ્ઞાન લેવા કે શિષ્ય બનવા આવે તો તરત એમ જ કહેતા, ‘ હું કોઈનો ગુરુ નથી. આખી દુનિયા મારી ગુરુ છે.આ દુનિયા જ્ઞાનનો ભંડાર છે. ગમે તેટલું જ્ઞાન મેળવો હજી આગળ જ્ઞાન મેળવવાનું બાકી જ રહે છે.
આ દુનિયાની દરેક સજીવ અને નિર્જીવ વસ્તુ પાસેથી હું કંઈ ને કંઈ શીખતો રહું છું અને જયારે હું હજી શીખું છું ત્યાં બીજાને કઈ રીતે શીખવાડી શકું.’ આમ કહી ઝેન ગુરુ કોઈને પોતાનો શિષ્ય બનાવતા નહિ.અમુક લોકો તેમને પાગલ સમજતા …અમુક લોકો વાત ફેલાવતા તેઓ અભિમાની છે અને પોતાનું જ્ઞાન કોઈને આપવા માંગતા નથી.
અમુક વિરોધીઓ બોલતાં તેઓ પોતે બહુ કંઈ જાણતા નથી એટલે કોઈને શું જ્ઞાન આપવાના એટલે આવી વાતો કરી પોતાનું અજ્ઞાન છુપાવે છે. ઝેન ગુરુના કાન સુધી આ બધી વાતો પહોંચતી, પણ તેમને ખરાબ લાગતું નહિ.
તેઓ હસતા અને બોલતા આ બધા લોકો પણ મને શીખવાડે છે કે, ‘દુનિયા તમારી વાત સમજશે નહિ અને તેનો પોતાની બુદ્ધિ પ્રમાણે અર્થ કાઢી તમને વગોવશે એટલે ક્યારેય દુનિયા શું બોલે છે તેની ચિંતા કરવી નહિ.’
આ ઝેન ગુરુની વાતો અને તેમના વિષે થતી વાતો રાજાના કાન સુધી પહોંચી.રાજાએ હકીકત શું છે તે જાણવા માટે ઝેન ગુરુને પોતાના દરબારમાં બોલાવ્યા અને પૂછ્યું, ‘મારા રાજ્યમાં કોઈ ઝેન ગુરુની નિંદા થાય તે મને ગમતું નથી.કૃપા કરી મને સત્ય હકીકત જણાવો કે તમે કોઈને શિષ્ય તરીકે કેમ સ્વીકારતા નથી.
’ઝેન ગુરુએ રાજાને પણ કહ્યું, ‘આ દુનિયાની દરેક સજીવ અને નિર્જીવ વસ્તુ પાસેથી હું કંઈ ને કંઈ શીખતો રહું છું અને જયારે હું હજી શીખું છું ત્યાં બીજાને કઈ રીતે શીખવાડી શકું. હું કોઈનો ગુરુ નથી. આખી દુનિયા મારી ગુરુ છે.’
રાજાએ ઝેન ગુરુની પરીક્ષા લેવાના આશય સાથે પૂછ્યું, ‘તમે દરેક સજીવ અને નિર્જીવ વસ્તુ પાસેથી કૈંક શીખો છો તો મને કહો કે શિયાળામાં સવાર અને સાંજે જામતા ગાઢ ધુમ્મસ પાસેથી તમે શું શીખી શકો?’ ઝેન ગુરુ બોલ્યા, ‘રાજન, આપણે ઈચ્છીએ તો આપણે સતત દરેક સજીવ અને નિર્જીવ વસ્તુ પાસેથી કૈંક શીખી જ શકીએ.તમે પૂછ્યું તે ગાઢ ધુમ્મસ પાસેથી હું શું શીખું છું તે કહું..
ગાઢ ધુમ્મસમાં આપણને આગળનો રસ્તો દૂર સુધીનો દેખાતો નથી, પણ હાથમાં ફાનસ લઈને આગળ વધતા રહીએ તો એક એક પગલે આગળનો રસ્તો દેખાતો જાય છે અને ધુમ્મસ વચ્ચેથી પસાર થઈ જવાય છે.તેવી જ રીતે જીવનમાં જ્યારે કોઈ માર્ગ ન દેખાય કે સમજાય ત્યારે હાથમાં જ્ઞાન અને ધીરજનું ફાનસ પકડી રાખો અને તેની સાથે એક એક ડગલું આગળ વધતા રહો.આગળ વધવાનો માર્ગ આપોઆપ મળી જશે.’ રાજાએ ઝેન ગુરુને વંદન કર્યા.
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.