વાંકલ: માંગરોળ (Mangrol) તાલુકાના આંબાવાડી (Ambawadi) ગામે લગ્નપ્રસંગ (Wedding) લોહીયાળ બન્યો હોવાની ચોંકાવનારી ઘટના બનવા પામી છે. અહીં એક લગ્નપ્રસંગમાં કેટલાંક અજાણ્યા યુવાનો આમંત્રણ વિના જ આવી ગયા હતા અને નાચવા લાગ્યા હતા. તેથી ગામના યુવકે તે અજાણ્યા યુવાનોને ટોક્યા હતા. નાચવાની ના પાડતા અજાણ્યા યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા અને લગ્નના ગરબા ડાન્સમાં જ ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. બાદમાં આ મામલો એટલી હદે બિચક્યો હતો કે જ્યાં શરણાઈઓના સૂર વાગવા જોઈએ ત્યાં ચપ્પા ઉછળ્યા હતા અને લોહીની નદીઓ વહેવા લાગી હતી.
સમગ્ર કેસની હકીકત એવી છે કે, આંબાવાડી ગામના વિજયભાઈ ચૌધરીને ત્યાં તારીખ ૧૫મીએ પુત્રના લગ્નનો પ્રસંગ હતો. જેમાં રાત્રે ગરબા ડાન્સનો (Garba Dance) કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સમયે કોઈપણ જાતના આમંત્રણ વિના અજાણ્યા યુવકો નાચવા માટે પ્રસંગમાં આવી પહોંચ્યા હતા અને નાચવા બાબતે ગામનો યુવક અક્ષયકુમાર સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને અક્ષયને ચાર તમાચા માર્યા હતા. ત્યાં ઉભેલા અન્ય લોકોએ આ મામલો શાંત પાડવા માટે પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અક્ષયને અજાણ્યા ઈસમોએ માર માર્યો હોવાની તેના મોટાભાઈ નેહુલકુમારને જાણ કરાતા અન્ય એક યુવક સાથે લગ્ન પ્રસંગ વાળા ઘરે નેહુલ દોડી આવ્યો હતો અને માર મારનાર ઇસમોને શા માટે માર માર્યો તેવું પુછતાં આ ત્રણ ચાર ઈસમોએ ઝઘડો કરી તિક્ષણ હથિયાર ચપ્પુ વડે નેહુલના પેટમાં ત્રણ ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સુરત ખાતે સારવાર માટે લઇ જવાયો હતો.
આ ગુના સંદર્ભમાં અક્ષય અશોકભાઇ ચૌધરીએ ફરિયાદ નોંધાવતા માંગરોળ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે લગ્ન પ્રસંગના વિડીયો ચેક કર્યા હતા અને ચારે તરફ બાતમીદારોને પણ કામે લગાડયા હતા. તેમના થકી પી.આઈ.એ.ડી. ચાવડાને આરોપીઓ વિશે બાતમી મળતાં વાંકલ આઉટ પોસ્ટના કર્મચારી અને સહયોગી પોલીસ કર્મચારી સાથે સતત આઠ દિવસ સુરતના મોટા વરાછા અને ઉમરા ગામમાં ધામા નાંખ્યા હતા. ગુનાનો મુખ્ય આરોપી ચિન્ટુ દિનેશભાઈ ગામીત મૂળ માંગરોળ તાલુકાના ડુંગરી ગામનો વતની છે અને તે છેલ્લા કેટલાક વર્ષોથી ઓલપાડના ઉમરા ગામના નહેર ફળિયામાં વસવાટ કરે છે. આ આરોપીએ નેહુલ કુમાર ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, તેના તેના ગામમાંથી ઝડપી પાડ્યો હતો. બીજો આરોપી હિતેશ ઉર્ફે પોચીયો રમેશ રાઠોડ અને ત્રીજો આરોપી દેવરાજ ઉર્ફે લાલ ચેતનભાઇ રાઠોડ સુરતના મોટા વરાછા, ઉપલી કોલોનીમાં તેમના ઘરેથી ઝડપાઈ ગયા હતા. જ્યારે આ ગુનામાં નેહુલને હુમલા સમયે પકડી રાખનાર આરોપીને પોલીસ શોધી રહી છે. ઝડપાયેલા આરોપીઓની ઓળખ પરેડ અને રિમાન્ડની માગણી માટે કોર્ટમાં રજુ કરવાની તજવીજ પોલીસ કરી રહી છે.