વડોદરા: શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ વચ્ચે ગઈ સાંજે સતત બે કલાક ભારે વરસાદ સાથે વિતેલા 24કલાકમાં 54 મીમી નોંધાવા સહિત વડોદરામાં સીઝનનો કુલ વરસાદ 1072 મી.મી. નોંધાયો હતો જ્યારે જિલ્લામાં કરજણ ખાતે છેલ્લા 24 કલાકમાં માત્ર ચાર મીમી વરસાદ નોંધાયો છે. જોકે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવરની સપાટી 209.80 ફૂટ થવા સહિત બે કાંઠે વહેતી વિવામિત્રીનીની સપાટી 13.48 ફૂટે પહોંચતા વિશ્ર્વામિત્રી નદીની સપાટી જોવા બ્રિજ પર કુતુહલવશ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
પાલિકા ફલડ કન્ટ્રોલના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે મોડી સાંજે બે ક્લાક સતત વરસાદ પડતા વડોદરામાં મોસમના કુલ વરસાદ 1072 મી.મી. સાથે જિલ્લામાં મોખરે રહ્યો છે. આ સાથે સાવલીમાં 22મીમી (825), વાઘોડિયા 14 મીમી (743), ડભોઇ 20 મી.મી. (1006), પાદરા 52 મીમી (15), કરજણ 4 (1041), શિનોર 7 મી.મી. (738) અને ડેસર ખાતે 63 મીમી (810) વરસાદ નોંધાયો છે. કૌંસમાં જણાવેલા આંકડા મોસમના કુલ વરસાદના મી.મી.માં છે. બીજી બાજુ શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવરની સપાટી 209.80 ફૂટે પહોંચી છે અને વિશ્વામિત્રી નદીની સપાટી બે કાંઠે થતાં 13.48 ફુટ થઈ છે.