Dakshin Gujarat

સાપુતારાથી ઉદગમ પામતી અંબિકા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યુ, 30 ગામો સંપર્ક વિહોણા

સાપુતારા: ડાંગ જિલ્લામાં શુક્રવારે મેઘાનું જોર વધી જતા સર્વત્ર પાણી પાણીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. શનિવારે દિવસ દરમ્યાન ગિરિમથક સાપુતારા, શામગહાન, માંળૂગા, સાકરપાતળ, વઘઇ, ઝાવડા, ભેંસકાતરી, કાલીબેલ, પીંપરી, આહવા, બરડીપાડા, મહાલ, સુબિર, સિંગાણા, લવચાલી, ગારખડી, પીપલાઈદેવી, ચીંચલી, ગલકુંડ બોરખલ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં વરસાદી રમઝટ જામતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લાના સાપુતારા પંથકમાં ધોધમાર વરસાદ પડતા અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યા હતા. સાપુતારા ખાતેથી ઉદગમ પામતી અંબિકા નદીએ સિઝનમાં પ્રથમ વખત રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ.

અંબિકા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોચતા નદીને સાંકળતા અને નીચાણવાળા વિસ્તારમાં આવેલા અમુક ગામડાઓનાં માર્ગો તથા ઘરોમાં પાણી ભરાયુ હતુ. તથા નદીને જોડતા ડાંગરનાં ખેતરોને ઢસડી લઈ જતા વ્યાપક નુકશાન થયું હતુ. સાથે ડાંગ જિલ્લાની પૂર્ણા, ખાપરી અને ગીરા નદી પણ ગાંડીતુર બની બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી હતી. અંબિકા નદી ભયજનક સપાટીએ વહેતા વઘઇનાં ગીરાધોધે પણ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. આહવાના નાંદનપેડા ગામનાં પશુપાલક દિલીપ ગવળીનો પાડો પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યો હતો. જ્યારે વઘઇનાં કૂકડનખી ગામે રહેતા વિધવા મહિલા ગહનુબેન મહાદુભાઈ પવારનું ઘર ધરાશાયી થયુ હતુ. જોકે આ વિધવા મહિલાનો બચાવ થયો છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 66 મીમી અર્થાત 2.64 ઈંચ, આહવા પંથકમાં 71 મીમી અર્થાત 2.84 ઈંચ, વઘઇ પંથકમાં 92 મીમી અર્થાત 3.68 ઈંચ જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 130 મીમી અર્થાત 5.2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

જિલ્લાના 15 કોઝવે પાણીમાં ગરક થઈ જતા 30 ગામડા સંપર્ક વિહોણા બન્યા
સુબિર તાલુકાના (1) હિંદળાથી ધુડા રોડ, અને (2) કાકડવિહીર થી ખેંરિન્દ્રા-ચમારપાડા રોડ, સહિત આહવા તાલુકાના (1) ચિકટીયા-ગાઢવી રોડ, અને (2) રાનપાડા-ભાપખલ-બારીપાડા રોડ, (3) ભવાનદગડ-ધુલચોંડ-આમસરવલણ રોડ, તથા વઘઇ તાલુકાના (1) ખાતળ ફાટક થી ઘોડી રોડ, (2) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૧, (3) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૨, (4) વાઝટઆંબા-કોયલીપાડા રોડ, (5) ઘોડવહળ વી.એ.રોડ, (6) આહેરડી-બોરદહાડ રોડ, (7) ચીખલદા વી.એ.રોડ, (8) સુંસરદા વી.એ.રોડ, (9) માનમોડી-બોડરમાલ-નિબારપાડા રોડ, અને (10) આંબાપાડા વી.એ.રોડ, ક્યાંક કોઝવે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે. દરમિયાન અધિકારી, કર્મચારીઓને કાર્યમથક નહીં છોડવાની પણ તાકીદ કરવામાં આવી છે.

અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા આઇસર ટેમ્પો પાણીમાં તણાયો
ડાંગ જિલ્લાની અંબિકા નદીમાં પાણીનું સ્તર વધી જતા અનેક કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સાથે અંબિકા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોચ્યુ છે. આ ભયાનક પરિસ્થિતિમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ઉગા ચિચપાડાથી આંબાપાડા જતા માર્ગ ઉપર અંબિકા નદીને જોડતા લો લેવલનાં કોઝવેકમ પુલ પરથી આઈસર ટેમ્પો અંબિકા નદીનાં ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો. આ આઈસર ટેમ્પોને ધસમસતો પ્રવાહ કિલાદ કેમ્પ સાઈટ નજીક ઘસડી ગયો હતો. જોકે, આ ઘટનામાં ટેમ્પામાં સવાર ડ્રાઇવર પ્રભુદાસ વળવી અને ક્લિનર નવીન તુર્કીયાનો આબાદ બચાવ થયો છે. કિલાદ ગામના લોકોએ સમયસર પહોંચીને નદીમાં તણાયેલા ટેમ્પોમાંથી ચાલક અને ક્લીનરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવરફ્લો થતા બોટિંગ બંધ, મધ કેન્દ્ર, મ્યુઝિયમ નજીકનાં માર્ગો પર પાણી ભરાયુ
સાપુતારા ખાતે દિવસ દરમ્યાન ધોધમાર વરસાદની બેટિંગ યથાવત રહેતા સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવરફ્લો થઈ ઉભરાયુ હતુ. જ્યારે સાપુતારા નવાગામનાં તળાવમાં પાણી ભયજનક સપાટીએ પોહચતા તળાવની બારી ખોલી દેવામાં આવી હતી.સાપુતારા ખાતે ભારે વરસાદનાં પગલે બોટિંગ, સહ્યાદરી એડવેન્ચર પાર્ક, મધ કેન્દ્ર, તથા મ્યુઝિયમ નજીકનાં માર્ગો પર પાણી ભરાયુ હતુ.સાપુતારા ખાતે ભારે વરસાદનાં પગલે નાના મોટા ધંધાર્થીઓનાં ધંધા ઠપ્પ થયા હતા.

Most Popular

To Top