Entertainment

સફળતાની વજહ તો વજાહત જ હતા

બન્યું છે એવું કે સલીમ-જાવેદ યા ગુલઝારના લેખન પછી જ આપણે સમજતા થયા છે કે ફિલ્મો કોઇ લખે છે, કોઇ ડાયલોગ લખે છે ને તો આ બધા હીરો-હીરોઇન ‘સ્ટાર’ બને છે. રાજકપૂર હંમેશા કહેતા કે મારા કરતાં વધારે મહત્વ પાત્રનું છે. આ પાત્રોને લેખકો ઘડે છે. ‘ઝંઝીર’, ‘દિવાર’, ‘ત્રિશુલ’ વિના અમિતાભ બચ્ચન સ્ટાર ન બન્યા હોત. આ ફિલ્મો પહેલાં તેમને યોગ્ય પટકથા, ડાયલોગ મળ્યા નહીં. અમિતાભે અમિતાભ થવા સલીમ-જાવેદની રાહ જોવી પડી. રાજકપૂર હંમેશા ખ્વાજા અહેમદ અબ્બાસ, ઇન્દર રાજ આનંદનો આગ્રહ રાખતા અને તો ‘બરસાત’, ‘આવારા’, ‘શ્રી૪૨૦’ યા ‘મેરા નામ જોકર’ અને ‘બોબી’ બની. બિમલ રોયને નબેન્દુ ઘોષનો આગ્રહ રહેતો તો મહેબૂબ ખાનને વજાહત મિર્ઝાનો. તેમની ‘એક હી રાસ્તા’, ‘ઔરત’, ‘રોટી’, ‘મધર ઇન્ડિયા’ વજાહત મિર્ઝાએ લખી છે. દિલીપકુમારને ય આ વજાહત મિર્ઝા ગમતા હતા અને ‘શહીદ’ના ડાયલોગ, ‘યહુદી’, ‘કોહીનૂર’, ‘મુગલ-એ-આઝમ’, ‘ગંગા જમના’, ‘લીડર’ના ડાયલોગ વજાહત મિર્ઝાના છે.

આ વજાહત મિર્ઝા જન્મેલા સીતાપુરમાં જે આગ્રા અને અવધનો ભાગ હતું. જન્મ તારીખ છે ૨૦ એપ્રિલ ૧૯૦૮. પણ તેઓનું અવસાન થયું છે પાકિસ્તાનનાં કરાંચીમાં. ઇન્તેકાલની તારીખ ૪ ઓગસ્ટ ૧૯૯૦. તેઓ ત્યાં ગયા ન હોત તો છેવટ સુધી ડાયલોગ લખતા હોત. જમીનદાર કુટુંબમાં જન્મેલા વજાહત મિર્ઝા ફોટોગ્રાફર બનવા માંગતા હતા પણ બની ગયા લેખક. કોલકાતા તેઓ ઉચ્ચ શિક્ષણ માટે ગયા હતા પણ કૃષ્ણ ગોપાલ નામના કેમેરામેનના સહાયક થઇ ગયા જેને તેઓ લખનૌમાં કોલેજ કરતી વખતે મળેલા. વજાહત મિર્ઝા પછી તો દેવકી બોઝના ય આસિસ્ટન્ટ થયા. ૧૯૩૩ માં તેઓ મુંબઇ આવ્યા ત્યારે ફિલ્મો બોલતી થઇ ગઇ હતી.

૧૯૪૦ ની ‘ઔરત’, ‘રોટી (૧૯૪૨), ફિલ્મો પછી મહેબૂબ ખાને તેમને કાયમના કરી દીધા અને ‘વતન’, ‘બહેન’, ‘મધર ઇન્ડિયા’ જેવી ફિલ્મો લખી. લોકોને ‘લાલા મેરી માં કે કંગન વાપિસ દે દે’ ડાયલોગ યાદ છે પણ તે લખેલો હતો વજાહત મિર્ઝાએ તે યાદ નથી. આ વજાહત મિર્ઝાએ જ મહેબૂબ ખાનને આગ્રહ કરેલો કે કનૈયાલાલને ‘ઔરત’ માં ભૂમિકા આપો અને એ જ ભૂમિકા આગળ વધીને ‘મધર ઇન્ડિયા’ ના લાલા સુધી પહોંચી. તે વખતે તેઓ દિગ્દર્શનમાં પણ સક્રિય થયા અને ‘શહેનશાહ બાબર’, ‘સ્વામીનાથ’, ‘જવાની’, ‘નિશાના’ ‘પ્રભુકા ઘર’નું દિગ્દર્શન કરેલું અને ‘રોટી’, ‘વતન’ અને ‘હમ તુમ ઔર વો’માં તો ગીતો પણ લખેલા. પણ દિગ્દર્શનમાં પૂરતા સફળ ન થયા એટલે ફરી ડાયલોગ લખવા તરફ વળ્યા અને કે. આસીફે કમાલ અમરોહી, અહેસાન રીઝવી, અમાન જેવા સાથે ‘મુગલ-એ-આઝમ’ લખાવી.

આ ફિલ્મના કારણે જ દિલીપકુમારે ‘ગંગા જમના’ તેમની પાસે લખાવડાવેલી અને એ માટે ફિલ્મફેર એવોર્ડ મેળવેલો. તેઓ ડાયલોગ લખવામાં એવા માસ્ટર હતા કે મૂળ પટકથામાં જાન આવી જતો. અને તેઓ જુદા જુદા વિષયો પર લખતા એટલે ‘શહીદ’, ‘યહુદી’ ‘કોહીનૂર’, ‘શતરંજ’, ‘પાલકી’ જ નહીં ‘હીરા’, ‘ગંગા કી સૌગંદ’ને કે.આસીફની છેલ્લી ફિલ્મ ‘લવ એન્ડ ગોડ’ પણ તેમની લખેલી છે. આના પરથી તમે કહી શકો કે ‘મુગલ-એ-આઝમ’ ના મુખ્ય લેખક મિર્ઝા સાહેબ જ હતા. વજાહત મિર્ઝાને ત્રણ નાના ભાઇ હતા અને તેમાંનો એક મુર્તુઝા પાકિસ્તાન ચાલી ગયેલો અને ત્યાંના ફિલ્મોદ્યોગમાં કામ કરેલું.

૧૯૭૦ પછી વજાહત મિર્ઝાએ લખવું બંધ કરેલું અને ભાઇને મળવા કરાંચી ગયેલા ત્યાં જ તેમનું ૪ ઓગસ્ટ ૧૯૯૦ માં ૮૨ વર્ષની વયે અવસાન થયેલું. રાજકપૂર ખ્વાજા અહેમદ અબ્બાસ વિના ફિલ્મ નહીં બનાવતા તેમ મહેબૂબ ખાનનો આધાર વજાહત મિર્ઝા હતા. ‘મધર ઇન્ડિયા’ માટે તેમને ઓસ્કારનું નોમીનેશન મળેલું. તેઓ લોકોને ગમે તેવા અને અસરદાર ડાયલોગ લખતા. ‘મધર ઇન્ડિયા’માં તેમનો ડાયલોગ છે. ‘અચ્છી તરાહ સોચ વિચાર કર લો રાધા, કોનો જલદી નહીં હૈ. સુખીલાલા બહુત સબરવાલા આદમી હૈ’ પણ રાધા તેને હંફાવે છે.

‘ગંગા જમના’ માં બે ભાઇ વચ્ચે ડાયલોગ છે. ‘મેં તુમ્હારે લિયે કુછ કર શકતા હું?’ તો ગંગા પૂછે છે, ‘કોઇ નૌકરી મીલ શકેગી? મેં બહુત તકલીફમેં હું’. અને પછી સંઘર્ષ શરૂ થાય છે. ‘યહુદી’ના ડાયલોગ પણ ખૂબ ફેમસ થયેલા. દિલીપકુમાર બોલે છે, ‘તારીફ ઉસ ખુદા કી જિસને જહાંબનાયા, ઉનકો હસીન બનાકર મુઝકો જવાન બનાયા’ તો સોહરાબ મોદીનો ડાયલોગ છે, ‘ડૂબ મરો ઇસ ઇન્સાફ પર, આંસુ બહાઓ ઇસ કાનૂન પર, જો કમજોરો કે લીયે તલવાર કી ધાર, ઔર જબરદસ્ત કે લીયે બાંક-એ-બહાર હૈ, જો અપને લિયે નગમ-એ-સાઝ, ઔર હમારે લિયે મૌત કી આવાઝ હૈ! એમાં જ સોહરાબ મોદી કહે છે.

‘ના છેડ અબ મુઝકો, રહેને દે યહીં તક દાસ્તન મેરી, કહુંગા સચ તો જલ જાયેગા દિલ તેરા, જબાન મેરી! અને અહા, એ ડાયલોગ, ‘તુમ્હારે હી લિયે પૈદા હુએ દુનિયા કે નઝારે? ચમકતે હે તુમ્હારી રોશની સે ચાંદ ઔર તારે? તુમ્હાર ગમ હી ગમ ઔરો કા ગમ ખ્વાબ-ઓ-કહાની હૈ? તુમ્હારા ખૂન હે ખૂન, હમારા ખૂન પાની હૈ?’ લોકો ‘મધર ઇન્ડિયા’ આજે પણ જુએ છે તો આ ડાયલોગ યાદ રહી જાય છે, ‘મેં એક ઔરત હું, મેં બેટા દે શકતી હું લાજ નહીં દે શકતી’ – યા ‘મેં ઇસે યે ફસલ નહીં લે જાને દૂંગા, હમને બૈલ બનકર યે જમીન બોયી હૈ, પસીને સે ખેત સીંચે હૈ’ કે ‘બંદૂક સે ઉન કે ચુલ્હે નહીં જલેંગે બિરજુ’ યા ‘યે જમીન મેરી માં હૈ ઔર ઇસસે મુઝે કોઇ નહીં છીન શકતા’, અને હજુ એક, ‘સુખીલાલા અગર કુત્તા ભી પાલેગેં તો ઉસકે ગલેમેં સોનેકી ઝંઝીર ડાલેંગે સોને કી.’ શું આ બધા ડાયલોગ વિના આ ફિલ્મોમાં જાન હોત? શું જબરદસ્ત રીતે સિચ્યુએશન અને પાત્રોને પકડતા. વજાહત મિર્ઝાને યાદ નહીં કરીએ તો ભુંડા લાગીયે જો આપણે ખરેખર સિનેમાના ચાહક હોઇએ તો…!

Most Popular

To Top