સંતરામપુર : કાડાણા ડેમમાં દિવસે દિવસે પાણીનો જથ્થો ઘટતો જઇ રહ્યો છે, જેના કારણે ચિંતાનો માહોલ સર્જાયો છે. જોકે, આ ચિંતા વચ્ચે ડૂબમાં ગયેલા પૌરાણિક નદીનાથ મહાદેવજીના દર્શન થતાં ભક્તો ભાવવિભોર બન્યાં છે અને દર્શન માટે ભીડ લગાવી રહ્યાં છે. કડાણા ડેમમાં હાલ નહિવત પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે, પાણીના સ્તર નીચે ઉતરતા જળાશય કેચમેન્ટ વિસ્તારમાં પાણીની વચ્ચે આવેલા નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ગત વર્ષે ચોમાસા બાદ પુનઃ ખુલ્લા થતા ભક્તો દર્શન ઘેલા બન્યાં છે.
મહીસાગર નદીના બેટ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક દંત કથાઓ સંકળાયેલી છે, ગુફામાં આવેલા શિવજી મંદિર પ્રત્યે ભક્તોમાં એક વિશેષ આસ્થા સાથે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. મંદિરના દર્શન માટે અહીંયા એક માત્ર નદીમાં હોડી (નાવડી)ના રસ્તે મંદિર સુધી પહોંચી શકાય છે. આ મંદિર ડેમના બાંધકામ બાદ ડૂબાણમાં ગયું હતું. એક લોકવાયકા મુજબ કડાણા ડેમના નિર્માણ પહેલા અહીંયા મહિપુનમ ભાદરવી પૂનમે મેળો ભરાતો હતો.
જેમાં મોટી સંખ્યામાં લોકો આવતાં હતાં. પરંતુ ડેમના નિર્માણ થતાં ગુફામાં આવેલા ભેકોટલીયા બાવજી મંદિર તેમજ નદીનાથ મહાદેવ મંદિર ડૂબાણમાં જતા આઠસો પચાસ વર્ષ પુરાણું આ ઔલોકિક શિવજીનું આ ગુફા મંદિર 20 વર્ષ બાદ 2020માં શ્રાવણ માસમાં ખૂલ્યું હતું અને આ વર્ષે ફરી એક વાર ખુલતાં દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે, કડાણા ડેમ બન્યા ના આજે 50 વર્ષ ઉપર સમય થયો છે ત્યારે આટલા વર્ષો દરમિયાન અનેક વખત મહિસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યાં બાદ પણ ગુફામાં આવેલું શિવલિંગ છુટું હોવા છતાં એના એજ સ્થાને બિરાજમાન હોય શ્રદ્ધાળુઓમાં ગુફામાં આવેલા શિવજીના મંદિર પ્રત્યે એક વિશેષ આસ્થા સાથે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે.
આ અંગે મંદિરના પૂજારી ડાહ્યાગર ગોસાઈના જણાવ્યા મુજબ, રાજા રજવાડાં સમયથી અહીંયા નદીની વચ્ચે ગુફામાં હજારો વર્ષ જુનુ પૌરાણિક સ્વયંભુ મંદિર આવેલું છે, જે અમારા બાપદાદા અહીંયા વર્ષોથી પુજા કરે છે. ડેમના નિર્માણ સમયે આ મંદિર ડૂબાણમાં જતા ડેમને અડીને આવેલા ડુંગર ઉપર કિશોરસિંહ પરમાર (કડાણા) ના નેતૃત્વમાં કડાણા ગામના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિધિવત પુજા અર્ચના કરી ઓરિજિનલ શિવલિંગ અહીંયા સ્થાપિત કર્યું હતું.
બંધમાં પાણીની સપાટી 385 ફુટ પર પહોંચી
મહીસાગર જીલ્લામાં આવેલા કડાણા બંધમાં પાણીની સપાટીમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. કડાણા બંધમાં પાણીની સપાટી શુક્રવારના રોજ બપોરે અઢી વાગે 385 ફુટ 1 ઈંચ જોવા મળતી હતી. ડેમમાં હાલ પાણીની આવક 225 કયુસેક છે અને જાવક શુન્ય છે. કડાણા બંધમાંથી જતી તમામ કેનાલમાં ડેમનું પાણી હાલ છોડવામાં આવી રહ્યું નથી. દાહોદ પાઈપલાઈનમાં પાણી છોડવાનું પણ બંધ કરવામાં આવ્યું છે. કડાણા હાઈડ્રો પાવર પ્રોજેકટના વિજ ઉત્પાદન માટે પ્રોજેક્ટની ડીમાન્ડ મુજબ એક હજાર કયુસેક પાણી કડાણા બંધમાંથી છોડાઇ રહ્યું છે. આગામી દિવસોમાં ઉપરવાસમાં વરસાદ નહીં પડે તો સ્થિતિ વધુ ગંભીર બનશે.