Business

યશ્વી ફાઉન્ડેશને યુનિવર્સિટીની દિવાલ તોડી, કુલપતિએ કોણે પૂછીને નવરાત્રિ માટે જમીન ભાડે આપી?, સવાલ ઉઠ્યાં

સુરત: સરકારી ગ્રાન્ટ ઉપર ચાલતી અને સરકાર સંચાલિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુપપતિ ડો.કે.એન.ચાવડા વારસાઈ પેઢી હોય તે રીતે મનફાવે તેમ વહીવટ કરી રહ્યા છે. શિક્ષણનું કેન્દ્ર નર્મદ યુનિ. હવે વેપારનું કેન્દ્ર બની ગઈ છે. યુનિ.ની જમીનનો ઉપયોગ શૈક્ષણિક હેતુ માટે કરવાનો હોય પરંતુ યુનિ.ના કુલપતિએ કોઈપણ પ્રકારના ટેન્ડરિંગ વિના બારોબાર 1.80 લાખ ચોરસ મીટર જમીન યશ્વી ફાઉન્ડેશનને નવરાત્રિ માટે કોઈપણ જાતના ટેન્ડર વગર ભાડે આપી દીધી મોટો વિવાદ ઊભો થયો છે.

  • વીર નર્મદ યુનિવર્સિટીની 1.80 લાખ ચો.મીટર લગભગ 44 એકર જમીન ટેન્ડર વિના યશ્વી ફાઉન્ડેશનને નવરાત્રિના આયોજન માટે ભાડે આપી દેવાઈ
  • યુનિવર્સિટીના કુલપતિ કિશોર સિંહ ચાવડાએ 62 લાખ રૂપિયામાં જગ્યા ભાડે આપી
  • યશ્વી ફાઉન્ડેશને નવરાત્રિના આયોજન માટે યુનિવર્સિટીની દિવાલ પણ તોડી નાંખી

આ એજ યશ્વી ફાઉન્ડેશન છે કે જેણે થોડા સમય પહેલા જ પાલ હવેલીની સામે હજીરા રોડ પર બારોબાર ઓપરેશન સિંદૂરના નામે સર્કલ ખડકી દઈને વાહનચાલકોને ભારે ત્રાસ આપ્યો હતો. જેને આખરે મનપાએ તોડવાની ચિમકી આપતાં દૂર કરવું પડ્યું હતું.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જ્યાં આકાંક્ષા છે ભવિષ્ય ઘડવાની, આજે રાજકારણ અને વેપારનો અખાડો બની રહી છે. કારણ કે યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.એન.ચાવડાએ નવરાત્રિના ઇવેન્ટ માટે 1.80 લાખ ચોરસ મીટર એટલે કે આશરે 44 એકર જમીન ફક્ત 62 લાખ રૂપિયામાં યશ્વી ફાઉન્ડેશનને ભાડે આપી છે.

અચંબાની વાત એ છે કે પ્રતિ ચોરસ મીટર ભાડું ફક્ત 34.44 રૂપિયા રાખવામાં આવ્યું છે. વિશેષ એ છે કે આ ભાડું વિના ટેન્ડર પ્રક્રિયા અને પારદર્શક જાહેરાત વિના અપાયું છે. જેને પગલે આ વેપલામાં મોટો ‘ખાયકી’ થયાની ચર્ચાઓ શરૂ થઈ છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમગ્ર જમીન રાજ્ય સરકારની મિલકત છે અને શિક્ષણ હેતુથી જ સંપાદિત કરાઈ હતી. આથી, આવા પ્રવૃત્તિઓને સંવૈધાનિક ભંગ અને શિક્ષણ વ્યવસ્થાનો ખંડન ગણવામાં આવી રહ્યો છે. કેમ્પસમાં સમરસ હોસ્ટેલ, ફેકલ્ટીઓ અને રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ હોવા છતાં, રાત્રિબેળાની અવાજ, ટ્રાફિક અને ભીડ શિક્ષણના માહોલને બગાડી શકે છે.

આ પહેલા પણ યુનિવર્સિટીની જમીન મામલે વિવાદ થયાં છે. હવે ફરી વ્યાપારી ફાયદા માટે યુનિવર્સિટી જગ્યા ‘મનમાં ભાવે’આપાઈ હોવાનો આક્ષેપ ઊઠી રહ્યો છે. શું કુલપતિનો આ નિર્ણય સ્વજનોને લાભ પહોંચાડવાનો પ્રયાસ છે? આ મુદ્દે ન્યાયિક તપાસ થવી જરૂરી બની છે.

ખેડૂતો પોતાની જમીન પરત મેળવવા હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાની તૈયારીમાં
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જમીન સરકારી મિલકત છે. જે કૃષિ ખાતેથી શિક્ષણ હેતુ માટે સંપાદિત કરવામાં આવી હતી. જેમાં સ્પષ્ટ નિયમો છે કે આવી જમીન શૈક્ષણિક ઉપયોગ સિવાય અન્ય હેતુ માટે ઉપયોગમાં લેવાય તો તે નીતિ વિરુદ્ધ ગણાય. છતાં ટેન્ડર વિના કોઈ પારદર્શક પ્રક્રિયા વગર સમગ્ર કેમ્પસનો મુખ્ય વિસ્તાર હસ્તાંતર કરી દેવાયો છે. વારંવાર શૈક્ષણિક હેતુ માટે સંપાદિત થયેલી જગ્યા વેપારીક ઉપયોગ થતા આ જમીનના મુળ ખેડૂતો હાઈકોર્ટમાં જમીન પરત મેળવવા પીઆઈએલ કરવાની તૈયારીમાં હોવાનું પણ જાણવા મળ્યું છે.

વિદ્યાર્થીઓ અને વાલીગણમાં રોષ : વિદ્યાલય કે મેળાગ્રાઉન્ડ?
યુનિવર્સિટી કેમ્પસમાં સમરસ હોસ્ટેલ, નિવાસ ક્વાર્ટર્સ અને વિવિધ શૈક્ષણિક વિભાગો આવેલી છે. જો નવરાત્રિના આયોજન અને ટ્રાફિકથી ભરેલા મેળા જેવી અવસ્થાઓ અહીં સર્જાશે તો એ શૈક્ષણિક વાતાવરણના ગંભીર ભંગ સમાન છે. વિદ્યાર્થીઓની ભણતર પર સીધો અસર થશે. જે માન્ય હોવું શક્ય નથી.

અગાઉ પણ વિવાદિત નિર્ણયો માટે હાઈકોર્ટ સુધી લડવુ પડ્યું છે
આ પહેલી વાર નથી. અગાઉ પણ 180 એકર જમીન મુદ્દે કોંગ્રેસી સિન્ડીકેટ મેમ્બર હોશંગ મિર્ઝાએ હાઈકોર્ટ સુધી લડત આપી હતી. સરકારને આખરે જમીનને એકેડેમિક ઝોનમાં દાખલ કરવી પડી હતી. ત્યારે પણ યુનિવર્સિટી તરફથી ખાનગી ફાયદા માટે જમીન વાપરી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ થયો હતો.

મનમાની ભાડે જમીન આપવા પાછળ શું છે કુલપતિનો એજન્ડા?
આવાં એક પછી એક નિર્ણયો એ શંકા ઊભી કરે છે કે કેવળ તટસ્થ વહીવટની છાયામાં વ્યાપારી મંતવ્યો ઘૂસાડી દેવામાં આવી રહ્યા છે. પ્રશાસક તરીકે નહીં, પણ જાણે જમીનના માલિક તરીકે વર્તન કરતા કુલપતિના આ નિર્ણયોની પૃષ્ઠભૂમિ, પ્રક્રિયા અને લાભાર્થીઓની પકડસર તપાસ કરવી હવે અનિવાર્ય બની છે.

Most Popular

To Top