Vadodara

અધૂરા મહિને જન્મેલા બાળકનું સારવારદરમિયાન મૃત્યુ થતા પરિવારજનોનો હોબાળો

વડોદરા તા.14
લોટસ હોસ્પિટલમાં અધૂરા માસે જન્મેલા બાળકની છેલ્લા બે માસથી સારવાર ચાલી રહી હતી તે દરમ્યાન ગત નારોજ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. સારવાર દરમ્યાન ખર્ચ પેટે અગાઉ પાંચ લાખ રૂપિયા ખર્ચ પેટે આપ્યો હતો બાદમાં બાળકે જીવ ગુમાવતા વધુ નાણાંની માંગણી કરીને મૃતદેહ આપવાનો ઇનકાર કરતા આખરે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો જેથી ઘટના સ્થળે પોલીસ આવી પહોચતા આખરે હોસ્પિટલ સંચાલકો દ્વારા બાળકનો મૃતદેહ પરત આપવામાં આવતા આખરે મામલો થાળે પડ્યો હતો.
વારશિયા વિસ્તારમાં આવેલું લોટસ હોસ્પિટલ નવજાત બાળકોની સારવાર માટે ખુબ જાણીતું છે. ગત બે માસ પૂર્વે કઠલાલથી વણઝારા પરિવાર તેમના અધૂરા માસે જન્મેલા બાળકને લઈને સારવાર માટે વડોદરા આવ્યા હતા. ૨૬ અઠવાડિયામાં જન્મેલા બાળકના ફેફસાં હજી પરિપક્વ ન બનતા તેને છેલ્લા બે માસથી વેન્ટીલેટર પર મુકવામાં આવ્યો હતો અને સારવાર કરવામાં આવતી હતી. પરંતુ ગત મંગળવાર નારોજ બાળકનું મૃત્યુ થતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. હજી તો માતા – પિતાની આંખો માંથી આંસુ સુકાતા નથી ત્યાં હોસ્પિટલના સંચાલકોએ બીલની બાકી રકમ રૂપિયા 3.98 લાખ ભરપાઇ કર્યા પછી બાળકની લાશ આપવાનું જણાવતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જેથી રાત્રી દરમ્યાન હોબાળો મચી ઉઠતા પોલીસ પણ દોડી આવી હતી. બાદમાં ભારે થતા તેમજ પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવતા હોસ્પિટલ દ્વારા મૃતદેહ આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં રાજ્યભરમાંથી ડોક્ટરોએ સરકારને રજૂઆત કરી હતી. જેમાં ડોક્ટરો પર હુમલા તેમજ હોસ્પિટલોમાં તોડફોડ કરવામાં આવી રહી છે. તેની સામે તટસ્થ કાયદો ઘડવામાં આવે તેમજ ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફને રક્ષણ મેળવી તેવી જોગવાઈ અંગેની રજૂઆત કરાઈ હોવા છતાં હજુ પણ ડોક્ટરો સાથે ગેરવર્તણૂક કરવામાં આવતાં હોવાના કિસ્સાઓ બને છે.

Most Popular

To Top