થોડાં વર્ષો પૂર્વે, ભાથીજી સંપ્રદાયના વડપણ હેઠળ, ભજન સત્સંગના કાર્યક્રમમાં ધુલિયા શહેર પાસેના ચૌગામ ગામે જવાનું થયેલું. ચા-પાણી, ભોજન, પ્રસાદ ઇત્યાદિ સહજ સેવા-સરભરા સિવાય એક વિશિષ્ટ સેવાનાં સંભારણાં વાચકો સમક્ષ વર્ણવતાં આનંદ અનુભવું છું. સવારે –ચા-પાણી પત્યા પછી સ્નાન માટે બાથરૂમમાં એક સ્વયંસેવક નવરાવવા હાજર! શહેરી વિસ્તારને બાદ કરતાં પછાત વિસ્તારનાં ગામડાંઓમાં મહદ્દ અંશે સંયુકત પરિવારમાં પતિ-પત્ની ઘરવાળી-પત્ની બાથરૂમમાં પાણીની ડોલ મૂકી આપે તો ભયો-ભયો, બા, મારો હાથ બરડા પછવાડે જતો નથી જરા સાબુ લગાડી ઘસી ના આપે?
ઘરવાળી બાથરૂમના બારણે ઊભી જ હોય, તરત જ તાડૂકે-છોરાં-છોરીયુંનો નાસ્તો તૈયાર કરવાનો, વાસણ ઉસેટવાનાં, વળી દશેક વાગે તમે બૂમ પાડશો-બચૂની બા, મારું ટિફિન તૈયાર છે કે? જો તમને નવરાવવા જઇશ તો આ બધાં વૈતરાં કરવા મારો કયો બાપ આવવાનો છે? તમારે વધારે સેવા જોઈતી હોય તો કોઈ બીજી હગલી શોધી કાઢજો! લાગલો જ પતિદેવ વળતો જવાબ આપે-તૂં કહેતી હોય તો એક-બે જણી તૈયાર જ છે, તેડી મંગાવુ ? પત્ની જરા ક્ષોભીલી થઇને હે-બચૂના બાપા, આ તો ગુસ્સામાં ને ગુસ્સામાં કહેવાઈ ગયું, સાચું ના માનતા. એકાદ-બે જણી અહીં આવી જશે તો વળી રામાયણનો નવો અધ્યાય શરૂ થઇ જશે!
કાકડવા – કનોજ મહારાજ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.