સાચુ કહેજો ગરમીના દિવસો શરૂ થઈ જાય તો તમને સૌથી પહેલાં ઠંડા ઠંડા કૂલ ફૂલની ફીલિંગ માટે કોની યાદ આવી જાય છે ‘આઇસ ગોળા’ ‘આઇસ ડિશ’ની ને ! મસ્ત બરફનો ગોળો હોય તેની પર રંગબેરંગી મેંગો, કાલાખટ્ટા, સ્ટ્રોબેરી જેવા અલગ અલગ ફ્લેવરના સીરપ, એની પર આઈસ્ક્રીમ, ક્રીમ, રબડી અને છૂટથી વેરેલા ડ્રાયફ્રુટ. એને મોઢામાં લેતા જ ‘અહા’ ના શબ્દો મોઢામાંથી સરી પડે અને ગરમી તો દૂર ભાગી છૂટે. ઘણા સુરતીઓને યાદ હશે કે પહેલાં સ્કૂલ જતા કે પછી ઘરે હોઈએ ત્યારે બપોરના સમયે બરફ ગોળા વાળો આવતો. તે તદ્દન સાદા બરફગોળા રહેતા બરફની છીણી પર રંગબેરંગી શરબત રેડાતા. એ બરફગોળા સમય જતાં ફેન્સી આઇસ ડિશ, આઇસગોળા બની ગયા. છેલ્લા કેટલાક વર્ષોથી હજી ફેબ્રુઆરી અલવિદા થયો પણ નહીં હોય ત્યાં સુરતીઓ રાત પડતા જ મિત્રો અને ફેમિલી સાથે આઇસ ગોળાની જ્યાફત ઉડાવવા વેસુ, અડાજણ, વરાછા વિસ્તારમાં પહોંચી જતા જોવા મળે છે. આ વખતે તો વોટરમેલન શેલમાં આઇસ ગોળો ઘણો ટ્રેન્ડમાં છે, એ ઉપરાંત હવે બર્થડે માટે સ્પેશ્યલ એવું કાંઈક બનાવવામાં આવ્યું છે જે ખાતા જ આઇસની ફીલિંગ કરાવે છે તો તે શું છે, સુરતી યુવતીઓની ફેવરિટ પાણીપુરીમાં પણ સમર સિઝનને લઈને કાંઈક નવું છે તેના વિશે આપણે અહીં જાણીએ…
ચોકલેટ ખાવાના શોખીન ફરેરો રૉચર
આઇસગોળા પર થયા છે ફિદા

ગોલ્ડન કલરના વરખમાં લપેટાયેલી ફેરેરો રોશર ચોકલેટ ક્રન્ચી લાગે છે. સુરતી યંગસ્ટર્સ આ ચોકલેટથી બનતા અવનવા ફૂડને અચૂક ટ્રાય કરે છે. હવે તેનો આઇસગોલો પણ લોકોને પ્રિય થઈ ગયો છે. બરફના ગોળા પર ચોકલેટ સીરપ હોય, ચોકો બોલ હોય, મલાઈ, માવો હોય અને ચોકલેટ હેઝલ નટ બોલ હોય, ચોકલેટનું ક્રશ હોય. તે લગભગ 500 ગ્રામનો બને છે અને તેને ખાવા ત્રણથી ચાર જણા જોઈએ. અત્યારે સૌથી વધારે આ ગોલો ટ્રેન્ડિંગ બન્યો છે.
એક ફૂટની હાઇટનો 7થી 8 કિલોનો આઇસગોળો એકલા ખાઈ બતાવો તો કેશ ઇનામ પણ મળે છે
આઇસગોળાના બીઝનેસ સાથે સંકળાયેલા વિમલભાઈ પટેલે જણાવ્યુ કે હવે લોકો ખુલ્લી જગ્યામાં બેસીને આઇસગોળા નો સ્વાદ લેવા માંગતા હોય છે અને તેવી જગ્યાઓ હવે પ્રોવાઈડ કરાય છે. જ્યારે ફ્રેન્ડ્સ ગ્રુપમાં કે પછી ફેમિલીના 10થી 12 જણા આઇસગોલો ખાવા જાય તો તેઓ અલગ અલગ આઇસ ડિશ મંગાવવાને બદલે એક ફૂટનો 7થી 8 કિલોનો આઇસગોળો મંગાવવાનું પ્રિફર કરવા લાગ્યાં છે. આ આઇસગોળામાં બરફના મોટા મોટા ગોળાનું મોટું થર બનાવી તેમાં કાચી કેરી, ઓરેન્જ, ચીકલેટ જેવા વિવિધ સીરપ પાથરે, વિવિધ ફ્લેવરનો 4થી 5 આઈસ્ક્રીમ સ્ફુપ, ડ્રાયફ્રૂટ્સ, ક્રીમ,રબડી, ચોકોચિપ્સ, ટૂટીફ્રુટી, જેમ્સ, ચેરી અને કિટકેટ ચોકલેટથી સજાવીને આપે. તેમાં ક્રીમ, ચોકલેટ, રબડી સ્વિટ્સનો ટેસ્ટ પણ આવી જાય. સુરતમાં આ આઇસગોળો અત્યારે લોકોમાં ખૂબ જ અટ્રેકટિવ બની ગયો છે. તેને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. અમે ઓફર મૂકી છે કે આ આઇસગોળો એકલા ખાઈને બતાવો તો 51 હજાર રૂપિયાનું કેશ ઇનામ આપીશું.
ગરમીની સીઝનમાં હોય બર્થડે ત્યારે આઇસ કેક ખાઈને જન્મ દિવસ ઉજવાય છે

સુરતીઓ ખાવાના શોખીન છે એમને નવી નવી ફૂડ ડિશનો સ્વાદ લેવો ગમે છે. વળી, જેમની બર્થડે ગરમીની સીઝનમાં આવતી હોય તેઓ મિત્રોની સાથે બર્થડે સેલિબ્રેશન વખતે ઠંડી ઠંડી સ્વાદિષ્ટ ડિશ ફ્રેન્ડ્સને ખવડાવીને ખુશ કરી દેતા હોય છે. હવે આઇસ કેકનો નવો ટ્રેન્ડ સુરતમાં જોવા મળી રહ્યો છે. બરફની છીણીને કેકનો આકાર આપી તેમાં ચોકલેટ સીરપ પાથરી દેવાય છે. તેને કિટકેટ ચોકલેટ, ચોકલેટ વેફર સ્ટીક, ચોકલેટ સ્પ્રિંકલ થી સજાવાય છે. આવી આઇસ કેકનો ટ્રેન્ડ છેલ્લાં એક બે વર્ષથી જોવા મળે છે.
3થી 4 કિલોનો વોટરમેલન શેલ આઇસગોળો ખાવા જોઈએ 4થી 5 લોકો
ગરમીથી બચવા ઘણા લોકો વોટરમેલનના ટુકડા ઠંડા કરીને ખાવાનું પસંદ કરે છે કે વોટરમેલન જ્યુસ કંઠે ઉતારીને ઠંડક મેળવે છે. વોટરમેલન અને આઇસગોળાનું કોમ્બિનેશન અત્યારે સુરતીઓને ખૂબ અટ્રેકટ કરી રહ્યું છે અને તે છે વોટરમેલન શેલ આઇસગોળા. જે અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે. વોટરમેલનમાંથી ગરો કાઢીને શેલને ફ્રોઝન કરાય છે અને પછી તેમાં ઘણી બધા અલગ અલગ ફ્લેવરનો આઈસ્ક્રીમ, ટૂટીફ્રુટી, માવો, ક્રીમ, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ્સ, ચેરી, જેલીથી તેને ખૂબ જ સ્વાદિષ્ટ અને અટ્રેકટિવ બનાવાય છે. જયારે કોઈ ફેમિલી કે ચારથી વધુ ફ્રેન્ડ્સ આઇસગોળાનો ટેસ્ટ લેવા જાય ત્યારે તેઓ મોટાભાગે કસ્ટમાઇઝડ વોટરમેલન શેલ આઇસગોળાનો સ્વાદ લેવાનું પસંદ કરે છે. જો કસ્ટમાઇઝડ ફ્લેવર નહીં હોય તો કાલાખટ્ટા, કાચી કેરી આ ફ્લેવરમાં વોટરમેલન શેલ આઇસગોળા પસંદ કરાય છે.

પાણીપુરી શોખીન યુવતીઓ અને મહિલાઓ માટે સ્પેશ્યલ બનાવાઇ છે ચીઝ આઇસ પાણીપુરી

સુરતી યુવતીઓ જો પાણીપુરીનો ઠેલો જોઇ લે તો તેને ખાયા વગર નહીં રહે એટલે હવે સ્પેશ્યલ યુવતીઓ અને મહિલાઓ માટે આ પ્રકારની પાણીપુરી બનાવાઇ છે. સુરતીઓને દરેક ફૂડમાં ચીઝ જોઇએ એટલે પાણીપુરી આઇસની ઉપર પણ ચીઝ વણી લેવાયું છે. આ પાણીપુરી ખાટી મીઠી તીખી લાગવાની સાથે ઠંડી ઠંડી લાગે છે.
હસબન્ડ વાઈફ કે લવ બર્ડ્સ માટે સ્પેશ્યલ બનાવાયો છે રાજરાણી કપલ આઇસગોળા

હસબન્ડ વાઈફ અને લવ બર્ડ્સ માટે સ્પેશ્યલ બનાવતા આઇસગોળાને રાજરાણી કપલ ડ્રાયફ્રૂટ્સ આઇસગોળા નામ અપાયું છે. આ બરફ ગોળો કાચી કેરી, ઓરેન્જ જેવા ફ્રૂટી ફ્લેવર અને ચોકલેટ ફ્લેવરમાં મળે છે. તે ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર હોવાથી તેનો ટેસ્ટ લાજવાબ લાગે છે.
ફાલસા અને બ્લ્યુ બેરીના આઇસગોળાના બાળકો અને લેડીઝ કરે છે ડીમાંડ

ફાલસા તો ઉનાળાનું જ ફળ ગણાય છે. ગરમીથી રાહત માટે તેનું શરબત બહુ પીવાય છે. બ્લ્યુબેરી એક્ઝોટિક ફ્રુટ છે તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. તેના સીરપમાંથી આ આઇસગોળો બને છે પણ તે બ્લુ કલરનો દેખાતો હોવાથી તે દેખાવે આકર્ષક લાગે છે. અને તેનો ટેસ્ટ ખટમીઠો હોવાથી આ આઇસગોળાની ડીમાંડ બાળકો અને લેડીઝ વધારે કરે છે. તેમાં આઈસ્ક્રીમ હોય છે અને આ બંને ફ્રૂટનું ટોપિંગ હોય.

