ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં ગ્રાઉન્ડ ઓપરેશન પણ શરૂ કરી દીધું છે. જો કે, ઈઝરાયેલની સેના માટે સૌથી મોટી સમસ્યા હમાસની સુરંગ છે. એક શહેર ગાઝા પટ્ટીની નીચે આવેલું છે. આ શહેર નરી આંખે દેખાતું નથી, પણ તે ૫૦૦ કિલોમીટરમાં ફેલાયેલ ૧,૩૦૦ સુરંગોનું નેટવર્ક છે. સામાન્ય રીતે આ સુરંગ ૩૦ મીટર સુધી ઊંડી હોય છે, પરંતુ કેટલીક સુરંગ ૭૦ મીટર સુધી ઊંડી છે. આ સુરંગોમાં ઈઝરાયેલના બોમ્બમારાથી બચાવવા માટે મજબૂત કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ સુરંગોમાં વીજળી પણ છે. આ સુરંગો હવે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ માટે સૌથી મોટો ખતરો બની ગઈ છે. ૭ ઓક્ટોબરે હમાસના હુમલા બાદ ઈઝરાયેલની સેના આ સુરંગોના કારણે ગાઝા પટ્ટી પર જમીની હુમલા ટાળી રહી છે. એવું માનવામાં આવે છે કે હમાસ દ્વારા બંધક બનાવેલાં ૨૦૦ થી વધુ નાગરિકોને ગાઝાની આ સુરંગોમાં રાખવામાં આવ્યાં છે. ગીચ શહેરી વિસ્તારોમાં બનેલી આ સુરંગો ઈઝરાયેલની સેનાનું કામ વધુ મુશ્કેલ બનાવી રહી છે. આ સુરંગો દ્વારા હમાસના લડવૈયાઓને ચોક્કસપણે ઇઝરાયેલના બોમ્બમારા અને ગોળીબારથી બચવાનો લાભ મળશે.
હમાસ દ્વારા બનાવવામાં આવેલી આ સુરંગોને ગાઝા મેટ્રો પણ કહેવામાં આવે છે. આ સુરંગો ગાઝા સરહદની બંને બાજુનાં નાગરિકો માટે પણ મોટો ખતરો છે. જો હમાસના લડવૈયાઓ આ સુરંગોનો ઉપયોગ ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરવા અને ત્યાંના લોકોને મારવા કે અપહરણ કરવા માટે કરશે તો ઈઝરાયેલની સેના જવાબી કાર્યવાહીમાં ગાઝા પર હુમલો કરશે. મોડર્ન વોર ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા ડેફને રિચમોન્ડ બરાકે જણાવ્યું હતું કે આ સુરંગો ગાઝા સરહદની બંને બાજુનાં નાગરિકો માટે મોટો ખતરો છે. આ સુરંગો શાળાઓ, મસ્જિદો અને ઘરોમાં ખુલે છે. હમાસે આને વ્યૂહરચના તરીકે બનાવી છે. તેના પરના હુમલામાં મોટી જાનહાનિ થઈ શકે છે.
ઇઝરાયેલી સંરક્ષણ દળનું કહેવું છે કે હમાસ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં સુરંગો બનાવીને ગાઝાની પેલેસ્ટિનિયન વસ્તીનું શોષણ કરે છે. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે હમાસે જાણીજોઈને રહેણાંક વિસ્તારોની વચ્ચે આ સુરંગો બનાવી છે. શરૂઆતમાં, વાયગ્રાથી લઈને રેફ્રિજરેટર્સ અને ઇંધણ સુધીની દરેક વસ્તુ આ સુરંગો દ્વારા દાણચોરી કરવામાં આવતી હતી. સુરંગોનું આ નેટવર્ક હમાસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, શસ્ત્રોના ભંડાર અને તેના નેતાઓ માટે ઘર તરીકે કામ કરે છે. ડેફને રિચમન્ડ બરાક કહે છે કે હમાસ દ્વારા ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરવા માટે બનાવેલી સુરંગો ગાઝામાં બનાવવામાં આવેલી સુરંગો કરતાં અલગ છે. ગાઝાની આ સુરંગોમાં હમાસનું સમગ્ર સૈન્ય તંત્ર હાજર છે. દારૂગોળો અને રોકેટથી લઈને કંટ્રોલ અને કમાન્ડ સેન્ટર અહીં હાજર છે.
પ્રારંભિક તબક્કામાં સુરંગોનો ઉપયોગ દાણચોરી માટે કરવામાં આવતો હતો. ૧૯૮૨ની સાલમાં ગાઝા અને ઇજિપ્ત વચ્ચેની રફાહ સરહદ સંપૂર્ણપણે ખોલવામાં આવી હતી. સરહદના નિર્માણને કારણે રફાહ શહેરમાં રહેતાં ઘણાં લોકો તેમનાં પરિવારોથી અલગ થઈ ગયાં હતાં. આ લોકોએ તેમને ફરીથી મળવા માટે સુરંગો બનાવી હતી. જરૂરી વસ્તુઓ પણ અહીંથી લઈ જવામાં આવતી હતી. તે સમયે હિંસા માટે સુરંગોનો ઉપયોગ થતો ન હતો. ૧૯૯૪માં અહીંથી હથિયારોની દાણચોરી શરૂ થઈ હતી.
ઓસ્લો શાંતિ સમજૂતી હેઠળ આ સુરંગોની જવાબદારી પેલેસ્ટિનિયન ઓથોરિટીની હતી. ઈઝરાયેલના ઓપરેશન ડિફેન્સિવ શીલ્ડ દરમિયાન ૨૦૦૦માં સુરંગની સંખ્યામાં વધારો થવા લાગ્યો. હથિયારોની દાણચોરી પણ મોટા પ્રમાણમાં શરૂ થઈ ગઈ. ઇઝરાયેલી સેનાને સુરંગોમાંથી હુમલાનો જવાબ આપવો મુશ્કેલ હતો તે સમજીને હમાસે સુરંગો દ્વારા ઇઝરાયેલી સૈન્ય ચોકીઓ પર હુમલો કર્યો. ૨૦૦૫માં જ્યારે ઈઝરાયેલી સેના ગાઝા પટ્ટીમાંથી હટી ગઈ ત્યારે હમાસે સુરંગ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. ઇજિપ્ત અને ગાઝા વચ્ચે પણ સેંકડો સુરંગો બનાવવામાં આવી હતી. તેને રોકવા માટે ઇજિપ્ત દ્વારા કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો.
વર્ષ ૨૦૦૭માં હમાસે પેલેસ્ટાઈન ઓથોરિટીને હટાવીને ગાઝા પટ્ટી પર કબજો કર્યો હતો. આ સમયગાળા દરમિયાન ઇજિપ્ત અને ઇઝરાયેલની અહીં વધુ દખલગીરી નહોતી. પછી હમાસે સુરંગોમાં રોકેટ અને અન્ય ખતરનાક હથિયારોનો સ્ટોક રાખવાનું શરૂ કર્યું. તેણે અહીં હેડક્વાર્ટર, કંટ્રોલ રૂમ અને લોજિસ્ટિક્સ સેન્ટર પણ બનાવ્યું હતું. ૨૦૦૯ સુધીમાં હમાસે ઈઝરાયેલ સરહદ પર હુમલા કરવા માટે ૩૫ સુરંગો બનાવી હતી. આ સુરંગો શહેરની જેમ જ બનાવવામાં આવી હતી. આ સુરંગો બહુ લાંબી ન હતી, પરંતુ ઘણી જટિલ હતી. તેમનો રસ્તો સીધો ન હતો પણ તદ્દન અટપટો હતો. આ બહુમાળી સુરંગો હતી. આમાં રૂમ, હોલ અને વેરહાઉસ બનાવવામાં આવ્યા હતા. સુરંગ કલ્ચર બનાવવામાં આવ્યું હતું. બાળકોને શૈક્ષણિક પ્રવાસો પર સુરંગોમાં લઈ જવા લાગ્યા.
અલેપ્પોમાં સીરિયન બળવાખોરો અને ઈરાકના મોસુલમાં ઈસ્લામિક સ્ટેટના લડવૈયાઓને જોઈને હમાસે પોતાની સુરંગો બનાવી છે. આનું નિર્માણ દાયકાઓથી થઈ રહ્યું હતું, પરંતુ ૨૦૦૫માં ઈઝરાયેલની સેનાની પીછેહઠ બાદ સુરંગો બનાવવાના કામે વેગ પકડ્યો હતો. ગાઝામાં ૫૦ હજારથી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો આ સુરંગો બનાવવા માટે રોકાયેલા હતા. ઈઝરાયેલની સેનાને ૨૦૧૪માં જ એક સૈન્ય ઓપરેશન દરમિયાન આ સુરંગોની જાણ થઈ હતી. સુરંગોના આ નેટવર્કમાં શસ્ત્રોના પરિવહન માટેની વ્યવસ્થા પણ છે. ૨૦૨૧ માં ઇઝરાયેલી સેનાએ ૧૧ દિવસના ઓપરેશનમાં ૧૦૦ કિલોમીટર લાંબી સુરંગોને નષ્ટ કરવાનો દાવો કર્યો હતો. એક સુરંગ બનાવવા માટે ૩૦ લાખ ડોલરનો ખર્ચ થાય છે. હમાસ આ સુરંગો ઈઝરાયેલ દ્વારા ગાઝામાં નાગરિક નિર્માણ માટે મોકલવામાં આવેલી સામગ્રીથી બનાવે છે. ઇઝરાયેલની સેનાનું કહેવું છે કે ઇઝરાયેલ ગાઝામાં સિવિલ પ્રોજેક્ટ માટે બાંધકામ સામગ્રી મોકલે છે, પરંતુ હમાસ તેના વડે સુરંગો બનાવી રહ્યું છે.
અત્યાર સુધીમાં હમાસે આ સુરંગોમાં ખોરાક, પાણી અને જરૂરી વસ્તુઓ એકઠી કરી લીધી છે. સુરંગોમાં છૂપાયેલા લડવૈયાઓ પર ઇઝરાયેલ હજારો પાઉન્ડના બોમ્બ ફેંકે તો પણ તેમને ચિંતા નથી. સુરંગોની મદદથી હમાસ આશ્ચર્યજનક હુમલા કરી શકે છે. તેમાં લડવૈયાઓની એક નાની ટીમ હશે જે ઉપર આવશે, હુમલો કરશે અને પછી સુરંગ પર પાછી ફરશે. હમાસ આ સુરંગોનો ઉપયોગ રોકેટ વહન કરવા માટે પણ કરે છે. આ સુરંગોનો નાશ કરવા માટે ઇઝરાયેલની સેનાનું વિશેષ એકમ છે. સ્પેન્સર કહે છે કે ઇઝરાયેલી સૈન્ય પાસે એક ખાસ યુનિટ છે, જેના કમાન્ડો આ સુરંગોનો નાશ કરવામાં નિષ્ણાત છે. આ યુનિટ પાસે સુરંગોમાં લડવા માટે ખાસ હથિયારો પણ છે.
ઈઝરાયેલની સેનાનું પોતાનું કેનાઈન યુનિટ પણ છે, જેમાં કૂતરાઓને સુરંગોમાં કામ કરવાની તાલીમ આપવામાં આવે છે. ઇઝરાયેલની સેના ગાઝાની આ સુરંગોમાં લડવા માટે ખાસ તાલીમ પણ લઈ રહી છે. આ સિવાય ઈઝરાયેલની સેનાએ હવે આયર્ન સ્ટિંગ મિઝાઈલ પણ બનાવી દીધું છે, જેની રેન્જ એકથી ૧૨ કિલોમીટરની છે. તે સૌથી મજબૂત કોંક્રિટમાં પણ પ્રવેશ કરી શકે છે. ઇઝરાયેલના સૈન્યના ગ્રાઉન્ડ ફોર્સને કોઈ સુરંગ મળે છે ત્યારે તેઓ તેને તોડી પાડે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.