Editorial

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફના મામલે વિરૂદ્ધનો ચુકાદો આપીને ટ્રમ્પને ‘તમાચો’ માર્યો છે

પોતાના ટેરિફના નિર્ણયથી આખા વિશ્વમાં ભારે વમળો ઉભા કરનારા ડોનાલ્ડ ટ્રમ્પને આખરે તેના જ દેશની સુપ્રીમ કોર્ટે મોટી લપડાક મારી છે. શુક્રવારે યુએસ સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્લોબલ ટેરિફને રદ કર્યો. કોર્ટે અન્ય દેશો પર લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા. ભારત પર લાદવામાં આવેલા 18% રેસિપ્રોકલ ટેરિફને પણ ગેરકાયદેસર જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે 6-3 બહુમતીના ચુકાદામાં જણાવ્યું હતું કે બંધારણ હેઠળ, રાષ્ટ્રપતિને નહીં, પરંતુ ફક્ત ત્યાંની સંસદ (કોંગ્રેસ)ને જ ટેક્સ અને ટેરિફ લાદવાનો અધિકાર છે.

ટ્રમ્પે ટેરિફ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જો તેઓ કેસ હારી જાય, તો દેશ બરબાદ થઈ જશે. જોકે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પની રજૂઆતને સાંભળી નથી. વિશ્વના વિવિધ દેશો પર ટેરિફ લાદવા માટે ટ્રમ્પે 49 વર્ષ જૂના કાયદાનો ઉપયોગ કર્યો હતો. આ કાયદો સને 1977માં અમેરિકામાં ઘડવામાં આવ્યો હતો. જેને ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) તરીકે ઓળખાવવામાં આવ્યો હતો.

હકીકતમાં આ એક્ટનો હેતુ દેશ માટે ગંભીર ખતરો, જેમ કે યુદ્ધ જેવી પરિસ્થિતિ, વિદેશી દુશ્મન તરફથી મોટો આર્થિક ખતરો, અથવા અસાધારણ આંતરરાષ્ટ્રીય કટોકટીની સ્થિતિમાં રાષ્ટ્રપતિને ચોક્કસ સત્તાઓ આપવાનો હતો. આ સત્તાઓ હેઠળ, રાષ્ટ્રપતિ વિદેશી વ્યવહારો પર ચોક્કસ આર્થિક નિર્ણયો પર પ્રતિબંધ, નિયમન અથવા તાત્કાલિક અમલ કરી શકે છે. જોકે, જે હેતુ માટે આ કાયદો ઘડવામાં આવ્યો હતો તે હેતુને બદલે ટ્રમ્પે વિશ્વના વિવિધ દેશોને ડરાવવા અને પોતાની વાતો માને તે માટે ઉપયોગ કર્યો હતો. ટ્રમ્પે વેપાર ખાધને કટોકટી ગણાવીને ટેરિફ લગાડ્યા હતા.

ટ્રમ્પે લગાડેલા ટેરિફની સામે એરિઝોના, કોલોરાડો, કનેક્ટિકટ, ડેલવેર, ઇલિનોઇસ, મેઇન, મિનેસોટા, નેવાડા, ન્યૂ મેક્સિકો, ન્યૂ યોર્ક, ઓરેગોન અને વર્મોન્ટ રાજ્યોએ દાવાઓ દાખલ કર્યા હતા. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ટ્રમ્પે તેમની સરહદોની બહારથી આયાત કરાયેલા માલ પર નવા ટેરિફ લાદ્યા છે. ટ્રમ્પની આ ટેરિફ નીતિ સામે ગયા વર્ષે નવેમ્બરમાં, સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રના ટેરિફ માટેના કાનૂની આધાર પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

ન્યાયાધીશોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું રાષ્ટ્રપતિ પાસે આવા ગ્લોબલ ટેરિફ લાદવાનો અધિકાર છે. ટ્રમ્પ સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે જો ટેરિફ હટાવવા પડે તો અબજો ડોલરની વસૂલી પાછી કરવી પડી શકે છે. આનાથી અમેરિકી તિજોરીને મોટો ફટકો લાગશે. કોર્ટે આ મામલે લાંબી સુનાવણી હાથ ધરી હતી. જેમાં નીચલી કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પ 150 દિવસ માટે 15% ટેરિફ લાદી શકે છે, પરંતુ તે માટે તેણે ફરજિયાત કારણ આપવું જરૂરી છે. અમેરિકામાં જે કાયદા હેઠળ ટ્રમ્પે ટેરિફ લગાડ્યા હતા તે કાયદામાં ક્યાંય ટેરિફ શબ્દનો ઉલ્લેખ નથી અને તે રાષ્ટ્રપતિની સત્તાઓ પર કોઈ સ્પષ્ટ મર્યાદા નક્કી કરતું નથી. ટ્રમ્પ સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે જો ટેરિફ હટાવવા પડે તો અબજો ડોલરની વસૂલી પાછી કરવી પડી શકે છે. આનાથી અમેરિકી તિજોરીને મોટો ફટકો લાગશે.

નીચલી અદાલતોએ ટેરિફને ગેરકાનૂની ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે, અમેરિકાના આ કાયદો ટેરિફ લગાવવાની આટલી વ્યાપક શક્તિ આપતું નથી. સુપ્રીમ કોર્ટના આ યુકાદાને પગલે હવે ટ્રમ્પના ટેરિફ હટાવવામાં આવશે. યુએસએ કંપનીઓને પૈસા પાછા આપવા પડી શકે છે. યુએસને માલ વેચવામાં વિશ્વભરના દેશોને રાહત મળશે. ભારત, ચીન અને યુરોપના નિકાસકારોને ફાયદો થશે. ઘણી વસ્તુઓ સસ્તી થઈ શકે છે.

શેરબજારોમાં તેજી આવી શકે છે. વિશ્વ વેપાર વધુ સ્થિર બની શકે છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટના આદેશને પગલે હવે ભારતને ટેરિફમાંથી મોટી રાહત મળશે. અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચુકાદાએ ટ્રમ્પને તઘલખી સાબિત કરી દીધા છે. ટ્રમ્પે અમેરિકાના 49 વર્ષ જુના કાયદાને જે રીતે તોડી મરોડીને પોતાનું ધાર્યું કરવા માટે ઉપયોગ કર્યો તે નિર્ણય હવે તેમના માટે બુમરેંગ થયો છે. વિશ્વના દેશો ટેરિફના આતંકમાંથી મુક્ત થયા છે અને ટ્રમ્પ માટે મોટી સમસ્યા ઊભી કરી છે. જો ટ્મ્પ હવે સમજીને શાસન નહીં કરે તો તેને હવેનો પથ મુશ્કેલીભર્યો રહેશે તે નક્કી છે.

Most Popular

To Top