આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા બાદ આગામી તા.27મી સપ્ટે.થી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર બે દિવસ માટે યોજાનાર છે. બે દિવસ યોજાનારા આ સત્રમા શોકદર્શક ઉલ્લેખો, રાજય સરકારે કરેલી જનહિત લક્ષી કામગીરી સહિત ચાર સરકારી વિધેયકો લાવવામાં આવશે.
કેબિનેટ બેઠક બાદ ગાંધીનગરમાં સંસદીય બાબતોના મંત્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ હતું કે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષે મળેલ રાજય મંત્રીમંડળની બેઠકમા તા.27મી સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર બોલાવવા માટે રાજ્યપાલને તે અનુસાર ભલામણ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સત્રના પ્રારંભે ગુજરાત વિધાનસભાના ૧૮ જેટલાં દિવંગત પૂર્વ મંત્રીઓ અને સભ્યોના શોકદર્શક ઉલ્લેખો મુખ્યમંત્રી દ્વારા રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત સત્ર દરમ્યાન સરકારી કામકાજ હાથ ધરવામાં આવશે જેમાં મુખ્યત્વે ૪ સરકારી વિધેયકો હાથ ધરાશે.
મંત્રી જાડેજાએ વિધાનસભા ખાતે હાથ ધરાનારા સરકારી વિધેયકોની વિગતો આપતાં કહ્યુ કે, મેડિકલ કોલેજોમાં એન.આર.આઇ. માટે પ્રવેશ બાબતે ગુજરાત પ્રોફેશનલ મેડિકલ એડ્જ્યુકેશન કોલેજીસ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સને લગતા કાયદામાં સુધારો સુચવતું વિધેયક રજુ કરવામાં આવશે તેમજ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણો મુજબ હાલના કાયદામાં સુધારો સુચવતું સુધારા વિધેયક પણ રજુ કરવામાં આવશે.
આ ઉપરાંત, ગ્રાન્ટ ઇન એડ કોલેજોને પ્રાઇવેટ યુનીવર્સિટીઓને એફિલિએશનમાંથી દૂર કરવા માટે પ્રાઇવેટ યુનિવર્સિટી એમેન્ડમેન્ટ બિલ પણ હાથ ધરવામાં આવશે. તેમજ પાર્ટનરશીપ એક્ટમાં સુધારા કરતું રજિસ્ટ્રેશન બાબતે ઓનલાઇન અરજીની જોગવાઇ કરતું વિધેયક પણ વિચારણામાં લેવામાં આવશે અને સત્રના કામકાજના છેલ્લા દિવસે છેલ્લા દિવસનો પ્રસ્તાવ હાથ ધરાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે દેશની મહામૂલી આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જેના ભાગરૂપે દેશભરમા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે સંદર્ભે પણ આ સત્રમા સરકારી સંકલ્પ રજૂ કરાશે