Comments

કેનેડામાં ફરી ટૂડો સરકાર, વિશ્વના દરેક દેશોનું રાજકારણ કોરોના પ્રભાવિત છે

એ તો બહુ સ્પષ્ટ થઇ ચૂકયું છે કે દુનિયાના જે પણ દેશોમાં હવે ચૂંટણી થશે તેની પર સહુથી મોટો પ્રભાવ કોરોનાનો જ રહેશે. કયા દેશની સરકારે કોરોના દરમ્યાન કેવી કામગીરી કરી અને વિપક્ષોએ કેવા મુદ્દા ઉઠાવી લોકોને માર્ગદર્શન આપ્યું. અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ હાર્યા તેમાં કોરોના એક મહત્ત્વનું કારણ બનેલો. અફઘાનિસ્તાનમાં તાલીબાનો સત્તા પર આવ્યા તેના કારણમાં કોરોના નથી એ જરૂર સ્વીકારીએ. એ દેશનું રાજકારણ અમેરિકા, રશિયા, પાકિસ્તાન, ચીન સહિતના દેશોથી પ્રભાવિત છે એટલે તેની ચર્ચા અત્યારે બાજુ પર. હમણાં કેનેડાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં. વડાપ્રધાન ટૂડોનો લિબરલ પક્ષ જીત્યો છે ખરો પણ ટૂડોને જેટલી આશા હતી એટલી બેઠક નથી મળી.

બે વાર તેઓ ચૂંટણી જીતી ચૂકયા છે પણ આ વખતે કંજરવેટિવ પાર્ટીએ પણ 100 થી ઉપર બેઠક જીતી છે. આ ઉપરાંત બ્લોક કયૂબેકોઇસ અને વામપંથી ન્યૂ ડેમોક્રેટીક પાર્ટીએ પણ બેઠકો જીતી છે. ટૂડોએ દાવો કર્યો હતો કે કોરોના મહામારી દરમ્યાન લોકો કંઝરવેટિવ પાર્ટીની સરકાર નહોતા ઇચ્છતાં. ટૂડોની સરકારે પોતાનાં મેકિસમમ નાગરિકોનું રસીકરણ કરી ચૂકી છે. ટૂડોએ મધ્યસત્ર ચૂંટણી યોજી હતી એટલે વિપક્ષો સતત કહેતા હતા કે અંગત મહત્ત્વાકાંક્ષા માટે આમ કરાયું છે. પણ ટૂડો એક જ વાત કહેતા હતા કે આ વિપક્ષો કોરોના મહામારી સામેની મારી લડાઇને નબળી પાડવા માંગે છે. કંઝરવેટિવ પાર્ટી રસીકરણ મામલે નેતૃત્વ કરી શકે તેમ નથી.

એ પક્ષ તો લોકડાઉનની વિરુધ્ધ હતો. કેનેડાનાં લોકોને એવી સરકાર મળવી જોઇએ, જે વિજ્ઞાનમાં માનતી હોય. કંજર્વેટિવ પાર્ટીના એરિન ઓટુલે કહેલું કે તેની પાર્ટીના ઉમેદવારોએ રસી મુકાવવાની જરૂર નથી. આપણને એ વાતનો ખ્યાલ હોવો જોઇએ કે વીસમી શતાબ્દીમાં લિબરલ પાર્ટીએ કેનેડામાં 69 વર્ષ રાજ કર્યું છે અને કેનેડાના બહુસાંસ્કૃતિક શહેર ટોરોન્ટોમાં ટૂડોની લિબરલ પાર્ટીનું જ વર્ચસ્વ રહ્યું છે. મતલબ ટોરોન્ટોમાં અનેક દેશના લોકો વસે છે તેમને ટૂડોની કોરોના કામગીરી પસંદ આવી છે. અહીં એ મુદ્દો પણ ઉમેરવો જોઇએ કે પોણા ચાર કરોડની વસતિવાળા કેનેડામાં ભારતીયોની સંખ્યા 16 લાખથી પણ વધુ છે.

ભારત પછી ચીન, ફિલીપાઇન્સ, નાઇજીરીયા, પાકિસ્તાનનાં લોકો ત્યાં વસે છે પણ ભારતીયો સૌથી વધુ છે. આ વખતે કુલ 17 કેનેડાવાસી ભારતીયો ચુંટાઇ આવ્યા છે અને તેથી જસ્ટિન ટૂડોને ફરી સત્તા પર બેસવામાં સમસ્યા નડવાની નથી. આ વખતે હરજીત સજ્જન, અનીતા આનંદ અને બર્દીશ છાગર જીત્યા છે તે અગાઉ મંત્રીમંડળમાં શામિલ હતા. ભારતમાં ખેડૂત આંદોલનમાં કેનેડાના શીખોની પણ મહત્ત્વની ભૂમિકા હોવાનું સ્વીકારાય છે એ એક આડ વાત. અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભારતીયો હવે ખૂબ પ્રભાવી બની ચૂકયા છે.

કેનેડાના ટૂડોએ કોરોનાની કામગીરી દરમ્યાન તેમના દેશમાં વસતાં ભારતીયોની સંવેદનાની કાળજી રાખી હતી અને તેથી જ હાઉસ ઓફ કોમન્સમાં તેમને બહુમત માટે જે 170 બેઠકની જરૂર છે તે મળી જવાની ખાતરી છે. કોરોના સામે પ્રતિકાર કરતી વેળા અનેક દેશોના શાસકોએ પોતાના દેશમાં વસતા અન્ય દેશોનાં મૂળ ધરાવતાં નાગરિકોની કાળજી રાખવી પડી છે. વિમાની સેવાએ પણ આગવી દ્રષ્ટિ સાથે કામ પાર પાડવું પડેલું. અત્યારે આપણે કહી શકીએ કે બીજા વિશ્વયુધ્ધ પછી સમગ્ર વિશ્વનું રાજકારણ બદલાયેલું તેમ કોરોનાને કારણે પણ બદલાશે.

ભારતમાં પણ વડા પ્રધાન મોદી પોતાની સરકારને બચાવવા ઘણા નુસખા અજમાવી ચૂકયા છે ને આવનારી લોકસભા ચૂંટણીનો મુકાબલો કેવી રીતે કરવો તેના અનેક વ્યૂહ લઇને બેઠા છે. હમણાં ગુજરાતમાં રૂપાણી સરકારને હટાવવામાં આવી તેના કારણમાં ય કોરોનામાં તેમની સરકારની નબળી કામગીરી ગણાવવામાં આવે છે. કોરોના એક વૈશ્વિક મહામારી બનીને આવ્યો છે તો તેની અસર પણ વૈશ્વિક જ રહેશે. અમેરિકા અને ચીન વચ્ચે છેડાયેલી લડાઇમાં પણ કોરોના જ જવાબદાર છે.

વિશ્વના દેશોના રાજકારણમાં કોરોનાની અસરનો પહેલો મુદ્દો શાસકે પ્રતિકાર બાબતે કેવી કામગીરી કરી, રસીકરણ કેવી રીતે હાથ ધર્યું એ છે, પણ કોરોનાનો પ્રભાવ ઘટવા સાથે જ મોટો મુદ્દો જે તે દેશના શાસકો અર્થકારણને કેવી રીતે સંભાળે તે રહેશે. આ કટોકટી જે શાસકો સારી રીતે પાર કરશે તે પોતાની સલામતી વિશે નિશ્ચિંત થઇ શકે. કેનેડામાં ય જસ્ટિન ટૂડો ફરી પદ મેળવ્યા બાદ અર્થકારણ અંગે જ કામગીરી હાથ ધરશે. કોરોનાએ રાજનીતિ અને અર્થકારણ પર મૂકેલી અસરથી કયા દેશમાં કોની સરકાર આવે, કોની જાય તે જોતાં રહેજો.
– બ.ટે.            -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top