ચૈત્ર મહિનાની પાવન નવરાત્રી પૂર્ણ થાય એટલે સ્ત્રીઓ ચૈત્ર મહિનામાં બળિયા દેવના મંદિરે ઠંડુ (આગલા દિવસે રાંધેલું) જમવા જાય છે. ચૈત્રના ધોમધખતા તાપમાં બાળકો કે પછી મોટા વ્યકિતના શરીરે પાણીદાર ફુલ્લા નીકળે છે. જેને આપણે અછબડા, બાવાજી કે પછી મહારાજ આવ્યા એમ કહીએ છીએ. જેના ઘરે કોઇ પણ નાના મોટા વ્યકિતના શરીરે આવા બાવાજી નીકળ્યા હોય તેમણે ઘરમાં ઘણા બધા નિયમોનું પાલન કરવું પડે છે. બાવાજી નીકળ્યાના પાંચ સાત કે નવ એમ એકી સંખ્યાના દિવસે મંદિરે જઇને પૂજા કરી બાવાજી નમાવવા જાય છે. ત્યાર પછી ઘરમાં પૂજા અર્ચના કે શુભ કાર્ય થઇ શકે છે. ખુબ વધારે પ્રમાણમાં અને મોટા બાવાજી નીકળ્યા હોય તો બાળક કે વ્યકિત ખુબ હેરાન પણ થાય છે. તેને શરીરે ખંજવાળ અને બળતરા થાય છે અને કોઇકવાર લાંબા સમય સુધી તેના ડાઘ શરીરે રહી જાય એવું પણ બને છે.
આવી વ્યકિતની લીમડાના પાન કે ગુલાબજળની ઠંડક શરીરે કરી શકાય છે. ઘણી વાર અછબડાથી બચવા નાના બાળકોને જંગલી કેળાના બીજ વાટીને પીવડાવામાં આવે છે. વિજ્ઞાન ગમે તેટલુ આગળ વધી જાય, દરેક રોગોની જાતજાતની દવા શોધાય પરંતુ આ અછબડા કે બાવાજીની કોઇ દવા શોધાય નથી. બળિયાદેવની બાધા અને પૂજા એ જ આ રોગની દવા ગણીએ કે દુવા. ચૈત્ર મહિનામાં સ્ત્રીઓ ઓખાહરણ પણ વાંચે છે. ચૈત્ર મહિનામાં મીઠું (નમક) ન ખરીદવું જોઇએ એવી પણ માન્યતા છે. કેટલીક સ્ત્રીઓ મોળુ ભોજન (મીઠા વગરનું) જમીને પણ ઉપવાસ કરે છે. એટલે વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે પરંતુ અમુક માન્યતાઓ પુરાણોથી ચાલતી આવી છે અને એ સત્ય પણ છે.
અમરોલી – પાયલ વી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કતારગામ કિરણ હોસ્પિટલથી ધનમોરા અડાજણ પાટીયાના પુલ વિશે
તમો કતારગામ કિરણ હોસ્પિટલથી ધનમોરા (અડાજણ પાટીયા) પર જવુ હોય તો તમારે કતારગામ દરવાજા પાસે ઉતરીને સાંઇબાબા મંદિર થઇ પાછા ચંદ્રશેખર આઝાદ પુલ પકડવો પડે છે. જયારે જુના નોર્થઝોન ઓફિસ એટલે કે માનવ ધર્મ આશ્રમ પાસેથી જાવ તો ડાયરેકટ ધનમોરા (અડાજણ પાટીયા) પર પહોંચી જાવ છે. હવે સવાલ એ છે કે મારે કિરણ હોસ્પિટલથી ધનમોરા જવા માટે કતારગામ દરવાજાથી તાપી નદીના પુલ ચંદ્રશેખર આઝાદ સાથે એક છેડો એવો જોડો કે ડાયરેકટ ધનમોરા પહોંચી જાય અને કતારગામ દરવાજા પાસે જ બીજો એક છેડો એવો જોડો કે ડાયરેકટ ચોકબજાર પહોંચી શકાય. આવી સુવિધા થાય તો કતારગામ દરવાજા પાસે કાયમી ટ્રાફિકનું ભારણ ઓછુ થશે.
સુરત – મહેશ આઇ. ડોકટર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.