પારડી : અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અવાનવાર અકસ્માત થતા રહે છે. અહીં ખાસ કરીને વાપી-વલસાડ રૂટ પર અકસ્માતનું પ્રમાણ વધુ છે. પૂરપાટ ઝડપે દોડતા ભારે વાહનોના લીધે અહીં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. આવો જ એક એકસ્માત પારડી ચાર રસ્તા પાસે થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પારડી ચાર રસ્તા હાઇવે બ્રિજ ઉપર ટ્રકની બ્રેક ફેલ થતાં ડિવાઇડર ચઢાવી રેલિંગમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. પારડી નેહાનં-48 ઉપર હાઇવેની એજન્સી દ્વારા રિપેરીંગ કામગીરી ચાલી રહી છે. જેને લઇ વાહનોની ગતિ ધીમી પડી છે. જ્યાં વાહનોની કતાર લાગતા ટ્રાફિક સર્જાયો હતો. તે દરમિયાન પારડી ચારરસ્તા હાઇવે બ્રિજ ઉપર વલસાડથી વાપી જતા ટ્રેક પર ટ્રકની બ્રેક ફેલ થઈ જતા ચાલકે સ્ટિયરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. ટ્રકે ડિવાઈડર પર ચઢી જઈ રેલિંગને તોડી નાખી હતી. ઘટનાને પગલે હાઈવે બ્રિજ ઉપર કામ કરી રહેલા કામદારોના જીવ તાળવે ચોટ્યા હતા. જોકે સદનસીબે તમામનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
ભરૂચમાં કૂતરું આડું આવી જતા બાઈકચાલકનું અકસ્માતમાં મોત
ભરૂચ: ભરૂચના જંબુસર તાલુકાના સિંગરણા ટંકારી ગામે વચ્ચે બાઇક ચાલકનું માર્ગ અકસ્માતમાં મોત નિપજયું હતું. માર્ગમાં શ્વાન આવી જતાં બાઇક ચાલક પટકાયો હતો જેમાં તેમનું ગંભીર ઇજાના પગલે મોત નિપજયું હતું. ભરૂચના જંબુસર તાલુકાનાં સિંગરણા ટંકારી ગામે વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો.
47 વર્ષીય પ્રવીણભાઈ પઢિયાર બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન માર્ગમાં શ્વાન આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવારને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજયું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.