Vadodara

74 ફાઇલનો રેકોર્ડ કઢાય તો જ પાલિકાની પારદર્શકતા ખબર પડે..

વડોદરા : મહાનગરપાલિકાએ બે મહિનામાં પાંચ ઓપન હાઉસમાં રજા ચિઠ્ઠીની 74 ફાઇલનો નિકાલ કરી. પાલિકાને ૭૪ કરોડની આવક થઇ છે. ઇન હાઉસમાં ભ્રષ્ટાચાર કરી, ઓપન હાઉસની જાહેરાત કરી, પોતાની વાહવાહ કરાવી કરોડોનો કારોબાર થઇ રહ્યો છે. બધા જાણે છે કે બાંધકામ શાખામાં ગોઠવણ વગર કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી. અગાઉ એસીબીની ટ્રેપમાં બાંધકામ વિભાગના અધિકારીઓ ઝડપાઈ ચુક્યા છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ફાઈલોને તેમની ચેમ્બરમાં પેન્ડિંગ રાખવાની ટેવવાળા છે.

જ્યારે કલેક્ટર હતા તે વખતે પણ તેઓ તેમના કેબિનમાં ફાઈલો પેન્ડિંગ રાખતા હતા. મહેસુલ મંત્રીએ કલેકટર કચેરીમાંથી 70 ફાઈલો અરજદારોની એક સપ્તાહમાં પાસ કરાવી. ત્યારબાદ મ્યુનિસિપલ કમિશ્નરે પણ પાણી પહેલાં પાળ બાંધવાનું પસંદ કરતા 74 બાંધકામ વિભાગની ફાઈલો સહી કરીને પાસ કરી હતી. 74 ફાઇલનો ટ્રેક રેકોર્ડ કાઢવામાં આવે તો ખબર પડે કે ફાઈલ ક્યારે આવી, કોણે કયા અધિકારીઓએ ક્યારે સહી કરી અને મ્યુનિસિપલ કમિશ્નરે ક્યારે  હુકમ કર્યો. બાકી બધા જાણે છે કે બાંધકામ વિભાગ શાખા એટલે હું બાવો ને મંગળદાસ.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મિચ્છામી દુકડમ કરીને રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નેતાઓ અને અધિકારીઓ સાથે સાંઠગાંઠ ન કરવા જણાવ્યું હતું. નવા મંત્રીઓએ પોતાના પદભાર સંભાળ્યા બાદ અરજદારોને કોઈપણ પ્રકારે હેરાન ગતિ કરવી નહી તેવી સ્પષ્ટ સૂચના અધિકારીઓને આપી હતી. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ એક જાહેર કાર્યક્રમમાં બોલ્યા હતા કે સરકારી અધિકારીઓ યેન કેન, શબ્દોની રમત રમી ફાઈલો પેન્ડિગ રાખતા હોય છે. આડકતરી રીતે અધિકારીઓને આડે હાથે લીધા હતા .

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ જ વડોદરા કલેકટર કચેરીની મુલાકાત લીધી હતી અને તેમાં એક સપ્તાહની અંદર મહેસૂલ વિભાગની અરજદારોની પેન્ડીંગ ફાઇલનો નિકાલ કરવાની સૂચના આપી હતી. વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પદ સંભાળ્યે પાંચ મહિના જેટલો સમય થઈ ગયો છે છતાં પણ તેઓએ પ્રજાલક્ષી કોઈપણ કામગીરી કરી નથી. નવા મ્યુનિસિપલ કમિશ્નરે પધરામણી બાદ ફ્કત ૪૯ ફાઈલો બાંધકામ પરવાનગીની ક્લિયર કરી હતી. આર્કિટેક્ટ- જમીન માલિક- બિલ્ડરોએ હોબાળો કરતા અને એક જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને ફરિયાદ કરી તેવી વાત ચર્ચાએ જોર પકડયું હતું અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ એક્શનમાં આવ્યા હતા, અને ૭૪ ફાઈલ ઉપર સહી કરીને પાસ કરી હતી.

મ્યુનિસિપલ કમિશનર ફાઈલોને પેન્ડિંગ  રાખવાની ટેવવાળા છે. કલેકટર વખતે પણ તેમના સમયગાળા દરમિયાન કેટલીક ફાઇલોનો નિર્ણય લેવાયો ન હતો.તેમની ચેમ્બરમાં ફાઈલ પડી રહેતી હતી. જમીન માલિકો વચેટિયાઓ ધરમ ધક્કા ખાતા ગયા હતા. કોઈ ચોક્કસ ગોઠવણ બાદ જ વહીવટ થયા બાદ જ કામગીરી કરવામાં આવે છે. મોટી મોટી વાતો કરવામાં આવે છે કે ભ્રષ્ટાચારને ડામવા માટે ઓપન હાઉસ ની કામગીરી કરવામાં આવી પરંતુ બાંધકામ પરવાનગી શાખામાં બધા જાણે જ છે કે તેમાં ચોક્કસ વહીવટ થયા બાદ જ કામગીરી કરવામાં આવતી હોય છે.

પાંચ મહિનાથી મ્યુનિસિપલ કમિશનર ચેમ્બરમાં આ 74 ફાઇલ માટે બાંધકામ પરવાનગી શાખાના અધિકારીઓ વારંવાર કમિશનર કચેરીએ ફોલોપ કરતા રહ્યા. અરજદારો બિલ્ડરો જમીનના માલિકો ફાઈલો પાસ થાય માટે ગોઠવણમાં પડ્યા. વર્ષોથી બાંધકામ પરવાનગી શાખામાં ભ્રષ્ટાચાર થતો આવ્યો છે. 74 ફાઈલો,કે જેમાં કરોડોનું બિલ્ડરોનું રોકાણ છે તે સનદી અધિકારીને ખબર છે?  મહત્ત્વની ફાઈલોને પોતાની ચેમ્બરમાં દબાવવાનો હેતુ શું હોઈ શકે? કલેકટર હતા તે વખતે પણ કરોડોની જમીન ફાઈલો દબાવી હતી. એ જ કામગીરી મ્યુનિસિપલ કમિશનર તરીકે તેઓ કરી રહ્યા છે.

કમિશનરની સહી વગર કેટલીક  રજા ચિઠ્ઠી પાસ થતી નથી.તેમનો હુકમ અનિવાર્ય હોય છે. કોઈ ઓપન હાઉસ નહીં. ભ્રષ્ટાચારની ગોઠવણ સાથે વચેટિયાઓ આર્કીટેક્ટ-એન્જીનીયર એમના ખિસ્સા ભરી લે છે. બાંધકામ વિભાગ એ જ વિભાગ છે જેમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય છે. અધિકારીઓ દોડીને બિલ્ડરની ઓફિસ પર ફાઈલ લઈને જાય છે.ડોર ટુ ડોર સર્વિસ આપે છે.પેકેટ લેવા શહેરના જાહેર રોડ પર બોલાવે છે.ગાડીમાં ફાઈલ આપે છે.  કવર પણ તેઓ લે છે. મોટા નેતાઓના આશીર્વાદ અધિકારીઓ પર છે અને વહીવટ નેતાઓ સુધી પહોંચે છે. એ જ બાંધકામ પરવાનગી શાખા છે જેમાં એસીબીએ મ્યુનિસિપલ કમિશનર એ બેઠક ચાલી રહી હતી. તેમાં એક અધિકારીને ઝડપી પાડયો હતો.

અગાઉ પણ કેટલાક અધિકારીઓ અલગ-અલગ વિભાગમાંથી એસીબીએ ખંડેરાવ માર્કેટમાં ઝડપ્યા છે. 74 ફાઇલ નો ટ્રેક રેકોર્ડ કાઢવામાં આવે તો ખબર પડે કે ફાઇલ કઈ તારીકે આવી કયા અધિકારી એ કઈ તારીખે સહી કરી અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ એ ક્યારેય હુકમ કર્યો. વર્ષોથી આ વિભાગમાં રૂપિયા વગર કામ થતું નથી બિલ્ડર પોતાની સાઇટ પર રેતી કપચી પછી નાખે બાંધકામ વિભાગમાં પહેલા રૂપિયા આપે છે. બિલ્ડરે  પોતાની સાઈટ પર ઇંટ મુકતા પહેલા બાંધકામ વિભાગને રૂપિયા આપવા પડે છે. રૂપિયા વગર કોઈ કામ થતું નથી. ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા જોવી હોય તો બાંધકામ પરવાનગી વિભાગ. ટેબલ પર રૂપિયા મૂકો તો કામ થાય રૂપિયા વગર કામ થતું નથી રૂપિયા આપો તો ફાઈલનો નિકાલ થાય છે.

Most Popular

To Top