એક મોટીવેશનલ સેમિનારમાં સ્પીકર બોલવા ઊભા થયા અને સીધી શરૂઆત કરી કે, ‘કંઈ પણ કહેવા પહેલાં તમે બધા મારા એક પ્રશ્નનો જવાબ એક શબ્દમાં તમારી સામે પડેલા પીળા પેપર પર લખજો.પ્રશ્ન નાનો છે અને જવાબ એક જ શબ્દમાં જોઈએ છે.તો પ્રશ્ન છે કે જીવનમાં સફળ થવા માટે શું જરૂરી છે?’ બધાએ પ્રશ્ન સાંભળી જવાબ લખ્યા અને બધાના જવાબ લખેલી ચિઠ્ઠીઓ એક બાઉલમાં ભેગી કરવામાં આવી.બધી ચિઠ્ઠીઓ ભરેલું બાઉલ સ્પીકર પાસે લઇ જવામાં આવ્યું.હવે સ્પીકર બોલ્યા, ‘મારા પ્રશ્નનો તમે બધાએ જે જવાબ લખ્યો છે તે આ બાઉલમાં છે અને એક પછી એક હવે આપણે ચિઠ્ઠી વાંચી તે જવાબ પર ચર્ચા કરીશું.’સ્પીકરે પહેલી ચિઠ્ઠી કાઢી તેના પર લખ્યું હતું ‘ભણતર.
સ્પીકરે જવાબ વાંચ્યો અને કહ્યું, ‘બરાબર છે, ભણતર હોય તો સફળતા ચોક્કસ મળે, પણ ન ભણેલાં કે ઓછું ભણેલાં સફળ થતાં નથી એવું નથી.’સ્પીકરે બીજી ચિઠ્ઠી કાઢી તેની પર લખ્યું હતું, ‘એકાગ્રતા’…સ્પીકરે કહ્યું, ‘બરાબર છે, એકાગ્રતા જરૂર આગળ લઇ જાય છે, પણ તે એકાગ્રતા સાચી વસ્તુ અને સાચા વિચાર અને સાચી દિશામાં હોવી જરૂરી છે.’સ્પીકરે ત્રીજી ચિઠ્ઠી કાઢી જવાબ હતો ‘મહેનત’…સ્પીકરે કહ્યું, ‘મહેનત મૂળ મુદ્દે દરેક સફળતા માટે આવશ્યક છે પણ મહેનત પણ સાચી દિશામાં સાચી રીતની હોવી જોઈએ અને તેને ભાગ્યનો સાથ મળવો જોઈએ.’
ચોથી ચિઠ્ઠીમાં જવાબ નીકળ્યો ‘ભાગ્ય’સ્પીકરે કહ્યું, ‘બરાબર છે, ભાગ્ય વિના કોઈને કંઈ નથી મળતું અને ભાગ્યથી વધુ કોઈને કંઈ નથી મળતું, પણ માત્ર ભાગ્યના આધારે બેસી ના રહેવાય. ચોક્કસ પ્રયત્નો કરવા તો જરૂરી જ છે.’સ્પીકરે પાંચમી ચિઠ્ઠી વાંચી તેમાં લખ્યું હતું, ‘મક્કમતા’સ્પીકરે કહ્યું, ‘જીવનમાં સફળતા મળે કે અસફળતા મક્કમ ડગલે આગળ વધવું જરૂરી છે, પણ અસફળતાનાં કારણો સમજીને દૂર કરવાં પણ જરૂરી છે.’
સ્પીકર બધા જવાબ વાંચતા ગયા અને જોડે જોડે પોતાનું એક વાક્ય ઉમેરતા ગયા અને ઘણી સારી સમજ આપી. પછી તેમણે ઉમેર્યું, ‘હવે સૌથી મહત્ત્વની વાત તમારા બધા જ જવાબ સાચા જ છે પણ આ મહેનત,ભાગ્ય,ભણતર,એકાગ્રતા, મક્કમતા સફળતાની ટ્રેનના જુદા જુદા ડબ્બા છે, પણ આ બધા જ ડબ્બાઓને સાથે લઈને જીવનમાં સફળતાની ટ્રેનને આગળ વધારતું એન્જીન છે તમારો પોતાનો ‘આત્મવિશ્વાસ.જે સૌથી જરૂરી છે.જો આત્મવિશ્વાસ છે તો જીવનમાં તમે સફળતાની ટ્રેનને સતત આગળ વધારી શકશો.’સ્પીકરે સુંદર સમજ આપી આત્મવિશ્વાસનું મહત્ત્વ સમજાવ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.