૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ બનેલી પુલવામાની ઘટના જેટલી આઘાતજનક હતી એટલી જ રહસ્યમય હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ) ના ૨૫૦૦ જવાનો ૭૮ વાહનોના કાફલામાં સરહદની નજીકથી પસાર થતા હાઈ વે પરથી એક સાથે અને પ્રમાણમાં ધીમી ગતિએ પસાર થાય એ પહેલી ઝટ ગળે ન ઊતરે એવી ઘટના હતી. એવી કઈ આફત આવી પડી હતી કે આટલી મોટી સંખ્યામાં અને એક સાથે સીઆરપીએફની મુવમેન્ટ કરવી પડી? બીજી રહસ્યમય ઘટના એ હતી કે અચાનક ત્રાસવાદીઓની જીપ વિસ્ફોટક દારૂગોળો લઈને આવી જાય છે અને કાફલામાંનાં વાહનો સાથે અથડાય છે, જેમાં સીઆરપીએફના ૪૦ જવાનો માર્યા જાય છે. ત્રાસવાદીઓની જીપ વાજતેગાજતે સરહદ ઓળંગીને અચૂક સમયે અને અચૂક નિશાને તો નહીં જ પહોંચી હોય! પણ જીભે તાળાં. કોઈ પણ ઘટનાને રાજકીય ફાયદો થાય એવા અવસરમાં ફેરવી નાખવો એ અત્યારના શાસકોની નીતિ છે. પુલવામા ઘટનાનું પણ એવું જ બન્યું. એનો રાજકીય લાભ લેવામાં આવ્યો પણ ખુલાસો કરવામાં ન આવ્યો. આજે પણ નથી કરવામાં આવતો.
સત્યપાલ મલિક એ સમયે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા. પુલવામા ઘટના બન્યા પછી તરત જ તેમણે એક બે પત્રકારોને કહ્યું હતું કે આ સરકારની બેજવાબદારીનું પરિણામ છે, પણ પછી તેઓ ચૂપ થઈ ગયા હતા. ચૂપ એટલે સાવ ચૂપ. હવે અહીં પત્રકારો વચ્ચેના ભેદને સમજી લઈએ. સારો પત્રકાર એ કહેવાય જે મૌનની પાછળ છુપાયેલા અવાજને સાંભળવાનો પ્રયાસ કરે. શા માટે કોઈ માણસ બોલીને ચૂપ થઈ જાય? જરૂર કોઈક રહસ્ય છે. બેવકૂફ કે બીકાઉ પત્રકાર અપનાવેલા મૌનને અવાજના અભાવ સ્વરૂપ મૌન તરીકે સ્વીકારી લે છે. કાંઈ બન્યું નથી એટલે બોલવાનું રહેતું નથી. આમ જેને હાડોહાડ અને પ્રામાણિક પત્રકાર કહેવાય એવા પત્રકારો સત્યપાલ મલિકના કાન ફાડી નાખે એવા મૌન ઉપર નજર રાખતા હતા. અપનાવાયેલા મૌનને એક દિવસ કાન સાથે ભેટો થવો જ જોઈએ.
અને ગયે અઠવાડિયે ભેટો થઈ ગયો. ‘ધ વાયર’નામના ન્યુઝ પોર્ટલના કરણ થાપરને આપેલી મુલાકાતમાં સત્યપાલ મલિકે મૌન તોડ્યું અને વટાણા વેરી દીધા. તેમણે કહ્યું કે સીઆરપીએફે તેમની મુવમેન્ટ માટે પાંચ વિમાનો માંગ્યાં હતાં, પરંતુ કેન્દ્રના ગૃહ મંત્રાલયે તેને વિમાનો આપ્યાં નહોતાં. સીઆરપીએફ ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. તેમણે બીજી વાત એ કહી કે કાશ્મીરમાં જે વિસ્તારમાંથી કાફલો પસાર થવાનો હતો એ વિસ્તારમાં આઠથી દસ નાના માર્ગો મોટા માર્ગને મળે છે અને તેમાં કોઈ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં નહોતો આવ્યો. સામાન્ય રીતે જે માર્ગેથી વીઆઈપી કે બીજી જોખમ ભરેલી મુવમેન્ટ થવાની હોય તે માર્ગને જોડતા બીજા તમામ માર્ગોને મુવમેન્ટ પૂરી ન થાય ત્યાં સુધી બંધ કરી દેવામાં આવે છે.
આઠથી દસ એન્ટ્રી પોઈન્ટ્સ પર કોઈ જ નહોતું.
તેમણે ત્રીજી વાત એ કહી કે ત્રાસવાદીઓની જીપ એ જ દિવસે સરહદ ઓળંગીને કાશ્મીરમાં નહોતી આવી. એ જીપ દુર્ઘટના બની તેના દસ દિવસથી એ વિસ્તારમાં ફરતી હતી અને ગુપ્તચર વિભાગે તેના વિષે ચેતવણી પણ આપી હતી. એ ચેતવણી ગુપ્તચર વિભાગે જમ્મુ અને કાશ્મીરની સરકારને તેમ જ કેન્દ્ર સરકારને મોકલી હતી અને તે રેકર્ડ પર ઉપલબ્ધ છે. વાચકોને યાદ અપાવી દઉં કે પુલવામાની ઘટનાના બે વરસ પછી ‘ફ્રન્ટલાઈન’નામના સામયિકમાં (૨૧મી ફેબ્રુઆરી ૨૦૨૧) એ ચેતવણીઓની આખેઆખી ટેક્સ્ટ પ્રકાશિત થઈ હતી. ‘ફ્રન્ટલાઈન’ના અહેવાલ મુજબ પુલવામાની ઘટના ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ બની હતી, પણ ગુપ્તચર વિભાગે સંભવિત ત્રાસવાદી હુમલાની તૈયારી ચાલી રહી છે એવી પહેલી ચેતવણી બીજી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ આપી હતી અને છેલ્લી અને અગિયારમી ચેતવણી હુમલાના આગલા દિવસે એટલે કે ૧૩મી ફેબ્રુઆરીએ આપી હતી. ૪૨ દિવસમાં ૧૧ ચેતવણી! અને છતાંય કોઈ તકેદારી નહીં! ન વિમાન આપવામાં આવ્યાં કે ન મુવમેન્ટના માર્ગને મળતી સડકોને બંધ કરવામાં આવી.
શા માટે? આ ભેદી રહસ્ય છે.
સત્યપાલ મલિક હવે હજુ વધારે ચોંકાવનારી વાત કહે છે. પુલવામાની ઘટના પછી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકે સત્યપાલ મલિકે વડા પ્રધાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વડા પ્રધાન કોઈ વિદેશી ચેનલના ફોટોગ્રાફરો સાથે કોર્બેટના જંગલમાં શૂટિંગમાં વ્યસ્ત હતા. ત્રણ ત્રણ કલાક સુધી ઈમરજન્સીમાં વડા પ્રધાનનો સંપર્ક કરવાની કોઈ વ્યવસ્થા નહોતી અને જો હતી તો એ જમ્મુ કાશ્મીર જેવા સંવેદનશીલ રાજ્યના રાજ્યપાલ માટે ઉપલબ્ધ નહોતી. ઘટનાના ત્રણ કલાક પછી વડા પ્રધાને રસ્તામાં કોઈ ધાબામાંથી રાજ્યપાલને ફોન કર્યો હતો અને પૂછ્યું હતું કે શું થયું છે અને કેવી રીતે થયું? સત્યપાલ મલિકે ઘટનાની જાણકારી આપીને કહ્યું કે આ સરકારની નિષ્ફળતાનું પરિણામ છે અને એ પછી તેમણે એ બધું કહ્યું જે ઉપર કહેવામાં આવ્યું છે. વડા પ્રધાને રાજ્યપાલને કહ્યું કે તેમણે આ વિષે મોઢું ખોલવાનું નથી. તેઓ દિલ્હી પહોંચીને વાત કરશે. દિલ્હી પહોંચીને વડા પ્રધાનનો તો ક્યારેય ફોન ન આવ્યો પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોબાલનો ફોન આવ્યો અને રાજ્યપાલને કહેવામાં આવ્યું કે તેમણે સરકારની લાપરવાહી વિષે હરફ ઉચ્ચારવાનો નથી. ડોબાલે એમ પણ કહ્યું કે આ બાબતે શું લાઈન લેવી એ વિષે સરકાર વિચારશે.
સત્યપાલ મલિકે કરણ થાપરને આપેલી મુલાકાતમાં વડા પ્રધાનની કાર્યશૈલી વિષે કહ્યું છે કે તેઓ કોઈ પ્રકારનું હોમવર્ક કરતા નથી અને કોઈ બાબતથી વાકેફ હોતા નથી. તેઓ પોતાની દુનિયામાં મસ્ત રહે છે. એ મુલાકાતમાં તેમણે એમ પણ કહ્યું કે વડા પ્રધાન ભ્રષ્ટાચાર માટે કોઈ સૂગ ધરાવતા નથી. એ પછી તેમણે રિલાયન્સ, રામ માધવ વગેરેનાં નામ લઈને ભ્રષ્ટાચારની કથા કહી છે. ખેર, પુલવામાની તુલનામાં આ બધી ગૌણ બાબત છે. ૪૦ જવાનો માર્યા ગયા એની જવાબદારી કોની? નિવૃત્ત લશ્કરી વડા શંકર રાયચૌધરીએ કહ્યું છે કે ૭૮ વાહનોનો કાફલો સંવેદનશીલ રાજ્યમાં સરહદી વિસ્તારમાંથી પસાર થાય એ ઘટના જ અકલ્પ્ય છે અને એ પણ ધીમી રફતારે. આની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ. પણ કરે કોણ? બંગાળના શહીદ થયેલા બે જવાનોનાં પરિવારે ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી છે. દરમ્યાન ગોદી મિડિયાએ આ ઘટસ્ફોટ વિષે તમને કોઈ જાણકારી આપી? માણસ જેવો માણસ ઘેટું બનીને જીવે એ આ યુગની શોકાંતિકા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.