હમણાં સમાચાર હતા કે : “ લખનૌમાં ગરમીના કારણે ટ્રેનનો ટ્રેક પીગળી ગયો.” ખરેખર વૈજ્ઞાનિક રીતે આ સમાચાર ભૂલ ભરેલા ગણી શકાય. રેલ્વેના પાટાઓના સાંધાઓ વચ્ચે થોડી જગ્યા રાખવામાં આવે છે. કારણ કે ગરમીથી પદાર્થ (લોખંડના પાટા) ફૂલે-લંબાઈમાં વધારો થાય છે. લગભગ 45 અંશ સેલ્શિયસ તાપમાને રેલવેના પાટાની લંબાઈ સખત ગરમીના કારણે વધી હોવી જોઈએ. સાંધા વચ્ચે જગ્યા ઓછી હોવાને કારણે પાટા વાંકા વળી ગયા હોવા જોઈએ. આ તાપમાને પાટા પીગળે નહીં. સદભાગ્યે રેલવેની મોટી દુર્ઘટના ટળી ગઈ એ બદલ કુદરતનો આભાર!
સુરત – રમેશ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
લઘુતા
પ્રત્યેક મનુષ્યમાં ખૂબીઓ સાથે અમુક અંશે ખામીઓ પણ હોય, જે તેના વર્તનમાં સ્પષ્ટ થાય છે. ખામી-ખૂબીઓને કારણે વ્યક્તિમાં લઘુતા કે ગુરુતાભાવ પ્રગટ થતો હોય છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં મેળવેલી સફળતાને આધારે જાહેરમાં માન મેળવનારમાં ગુરુતાભાવ જોવા મળે એમ બને. ઉચ્ચ શૈક્ષણિક લાયકાત મેળવનાર પોતાને સુપરથી ઉપર માની શકે છે. બીજી તરફ, સરેરાશ મનુષ્યમાં નાનાપણું, ગૌણતા એટલે કે લઘુતાભાવ જોવા મળે. આવી લાગણી ધરાવનાર જાહેરમાં બોલવામાં ખંચકાટ અનુભવે છે.
અલબત્ત, ખોટું કામ થયું હોય કે જાણીને ખોટું કર્યું હોય ત્યારે લાંછન લાગે તે સમયે નાનપ અનુભવો તે માની શકાય છે. કારણ કે ખરાબ વર્તન માટે પછતાવો કરવો જોઈએ. જો શૈક્ષણિક લાયકાત ઓછી હોય અને અનુભવનું ભાથું વધારે હોય તેવા સંજોગોમાં નાનપ કે ગૌણતા-લઘુતા અનુભવવાની જરૂર નથી. લઘુતા ભાવ-નાનપની વાત એટલા માટે યાદ આવી કે, આપણા અંગત મિત્રો હોય તેની પાસે જવામાં કે રજૂઆત કરવામાં નાનપ અનુભવવાની જરાયે જરૂર નથી. સૌથી અગત્યની વાત એ છે કે મિત્રો આપણી ભૂલોને સમજતા હોય છે, એટલે કે સમજવા માટે હોય છે. સારા મિત્રોની નજીક રહીએ તો ય ઘણું!
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પાસપોર્ટ સેવામાં સિનીયર્સનું વિચારો
ભારત સરકારનું ધ્યાન દોરવાનું કે પાસપોર્ટ સેવાની સુરત શાખા ઉધના દરવાજાની ઓફિસમાં સિનીયર સીટીઝન વ્યકિતને તત્કાલ નંબર મેળવવા માટે દોઢ થી બે કલાક લાઇનમાં ઉભા રહેવું પડે છે!તે શું યોગ્ય છે? આ ઓફિસમાં સિનીયર સીટીઝન માટે એક અલગ વિભાગ શરૂ કરવા નમ્ર વિનંતી.
સુરત – જવાહર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.