Editorial

મોદીના વિરોધ માટે મંચ ઉપર એક સાથે દેખાતા ગઠબંધનના નેતાના સૂર ટિકિટ વહેંચણી વખતે બદલાઇ જાય છે

વિપક્ષની લોકતંત્ર બચાઓ રેલીને કોંગ્રેસના પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય વરિષ્ઠ નેતાઓએ સંબોધિત કરી હતી. આ રેલીમાં અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ પણ સામેલ થઈ હતી. આજે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A એલાયન્સ દ્વારા એક મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિપક્ષી દળોના અનેક અગ્રણી નેતાઓએ ભાગ લીધો હતો. વિપક્ષી ગઠબંધને આ રેલીને ‘લોકશાહી બચાવો રેલી’ નામ આપ્યું છે. આ રેલીમાં અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પણ ભાગ લીધો હતો.

આ રેલીમાં સોનિયા ગાંધી, મલ્લિકાર્જનન ખડગે, રાહુલ ગાંધી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ફારૂક અબદુલ્લા, કલ્પના શોરેન, ચંપાઇ  શોરેન સહિતના વિપક્ષના નેતાઓ હાજર રહ્યાં હતાં. અખિલેશ યાદવે કહ્યું કે હતું, આજે આપણે દિલ્હી આવ્યા છીએ અને દિલ્હીના લોકો બહાર ગયા છે. સમજી લો કે આપણે બધા સાથે આવી રહ્યા છીએ અને દિલ્હીના લોકો કાયમ માટે બહાર જઈ રહ્યા છે. જો 400 સીટો આવી રહી છે તો તમે કેમ ચિંતા કરો છો, કેજરીવાલ અને સોરેનને જેલમાં કેમ મોકલ્યા છે.

આવનાર વ્યક્તિનું સ્વાગત કરીએ તો ધામધૂમથી વિદાય પણ આપીએ છીએ, આખી દુનિયામાં ભારતનું નામ ખરાબ કર્યું છે. રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આજે હું કેજરીવાલ જી અને સોરેન જીનું નામ લેવા માંગતો નથી, કારણ કે અમે દિલથી સાથે છીએ. રાહુલે કહ્યું કે અમારા તમામ ખાતાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, નેતાઓને ખરીદવામાં આવ્યા છે, નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા છે. આ મેચ ફિક્સિંગ કરવામાં મોદીજી એકલા નથી, તેમની સાથે 2-3 અબજોપતિઓ પણ છે. લોકોના હાથમાંથી અધિકારો છીનવી લેવા માટે આવું કરવામાં આવી રહ્યું છે, જે દિવસે બંધારણ ખતમ થઈ જશે તે દિવસે દેશ બચશે નહીં.

જો ભારતમાં મેચ ફિક્સિંગ ચૂંટણીમાં ભાજપ જીતશે અને બંધારણ બદલાશે તો આખો દેશ સળગી જશે. આ દેશને બચાવવાની ચૂંટણી છે. દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી વિપક્ષી ગઠબંધનની રેલીમાં શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરેએ ગઠબંધન સરકાર પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું છે કે સરકાર એક વ્યક્તિ અને એક પક્ષ દ્વારા ચલાવી શકાય નહીં. આપણે મિશ્ર સરકાર બનાવવી પડશે. તેમણે કહ્યું કે આખો દેશ કલ્પના સોરેન અને સુનીતા કેજરીવાલની સાથે છે. બીજેપીને લાગતું હશે કે અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડ કરવાથી લોકો ડરી જશે પરંતુ તેમણે ક્યારેય પોતાના દેશવાસીઓને ઓળખ્યા નથી.

અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલે રેલીમાં દિલ્હીના સીએમનો સંદેશ વાંચ્યો હતો. તેમણે કહ્યું કે કેજરીવાલને લાંબા સમય સુધી જેલમાં ન રાખી શકાય, તેઓ સિંહ છે. ભાજપના લોકો કહી રહ્યા છે કે કેજરીવાલે રાજીનામું આપવું જોઈએ, તમે મને કહો કે કેજરીવાલે રાજીનામું આપવું જોઈએ કે કેમ? તેમણે કહ્યું કે કેજરીવાલે જેલમાંથી જ ગઠબંધન વતી 6 ગેરંટી આપી છે. સમગ્ર દેશમાં 24 કલાક મફત વીજળી આપવાની ગેરંટી, દેશના દરેક જિલ્લામાં મોહલ્લા ક્લિનિક, દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો, ખેડૂતો અને તમામ વિસ્તારોને ટેકાના ભાવ અને સારી શાળાની ગેરંટી આપવી જોઇએ.

જયારે કલ્પના શોરેને કહ્યું હતું કે,  આદિવાસીઓની કહાની લાંબા સંઘર્ષની કહાની છે. લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ થયો છે, તમે લોકો તેને ખતમ કરવા આવ્યા છો. આજે બંધારણની ગેરંટીને ખતમ કરવામાં આવી રહી છે. તેમની ગેરંટી કોણ આપશે? દેશમાં કોઈ નેતા મહાન ન હોઈ શકે. દેશની જનતા સૌથી મોટી છે. જો આપણે આપણા દેશને બચાવવો હોય તો આપણે ઇન્ડિયા ગઠબંધનને સમર્થન આપવું પડશે. કલ્પનાએ કહ્યું કે હેમંત જીની બરાબર 2 મહિના પહેલા ધરપકડ કરવામાં આવી હતી અને કેજરીવાલ જીની 10 દિવસ પહેલા કોઈ પુરાવા વગર ધરપકડ કરવામાં આવી હતી. આજે આપણે બધાએ ભગવાન રામના આદર્શોમાંથી શીખવું જોઈએ. ઝારખંડ નમશે નહીં, ભારત ઝૂકશે નહીં.

આમ આ તમામ નેતાઓનો સૂર એક જ હતો અને તે હતો મોદી હટાવો. આપણા દેશમાં લોકશાહી છે કોઇ વ્યક્તિ કે પક્ષ તેની વિચારધારા માટે આઝાદ છે પરંતુ વિચારધારાને અમલી બનાવવા માટે જે પાયાના સિધ્ધાંતો છે તેનો અમલ કરવામાં આવતો નથી. દરેક વિપક્ષના ગઠબંધન આયોજીત કોઇપણ સભા કે રેલી હોય તેમાં તમામ નેતાનો મોદી સરકારના વિરોધમાં એક સૂર હોય છે પરંતુ જ્યારે ચૂંટણી લડવાની કે પછી ઉમેદવારની પસંદગીની વાત આવે ત્યારે એક પણ નેતા બાંધછોડ કરવા માટે તૈયાર થતાં નથી. દરેક નેતાની પોતાના પક્ષને ટિકિટ આપવાની વાત વાત આવે ત્યારે તેમનો મત બદલાઇ જાય છે. દરેક પાર્ટી એકબીજાની સામે ઉમેદવાર ઉતારે છે અને એક બીજાના મત કાપે છે તેનો સીધો લાભ ભાજપને મળી જાય છે.

Most Popular

To Top