ધરમપુર: ધરમપુર એસટી ડેપો વર્કશોપ ખાતે પાર્ક કરેલી બાઇક બિલપુડીનો યુવાન ચોરી કરી ફરવા માટે લઈ ગયો હતો. બાદ તે ફરીને બાઇક મૂકવા માટે આવતાં ચોરીનો ભાંડો ફૂટી જતાં પકડાઈ ગયો હતો. જેને લોકટોળાંએ બરાબરનો મેથીપાક ચખાડી પોલીસમથકે મામલો પહોંચ્યો હતો. પોલીસને યુવાને કહ્યું કે, હું બાઈક નથી ચોરતો, બાઈક ફરવા માટે લઈ જતાં પાછી મૂકી જાઉં છું. આથી ઈમાનદાર ચોર હોવાનું માલૂમ પડતાં પોલીસે અંતે તેને છોડી મૂક્યો હતો.
ધરમપુર પંથકમાં એક ફેશનેબલ યુવાન ચોરનો કિસ્સો બહાર આવતાં ચર્ચાએ જોર પકડ્યું છે. ધરમપુરના એસટી ડેપો ખાતે વર્કશોપમાં પાર્ક કરેલી બાઇક બિલપુડી ગામનો એક ફેસનેબલ જીતુ પટેલ નામનો યુવાન ફરવા માટે લઈ ગયો હતો. બાદ ફરીને તે બાઇક મૂકવા માટે આવતાં સ્થાનિક લોકોને શંકા ગઈ હતી અને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ મામલો પોલીસમથકે પહોંચતાં જ્યાં ચોરે ટોળાંએ મને માર્યો હોવાનું કહ્યું હતું.
હું કોઈની પણ બાઈક ચાર-પાંચ કલાક માટે ફરવા લઈ જતો હતો. બાદ ફરી બાઇક પાર્ક કરેલી જગ્યા ઉપર મૂકીને જતો રહેવાનું આ યુવાનને ભારે પડ્યું હતું. ધરમપુરમાં ઘણી જગ્યાએ બાઇક ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ સાંજે ફરી બાઇક મળી જતાં ઘણા લોકો ફરિયાદ આપવાનું ટાળતા હતા. આ ફેસનેબલ ચોર બાઇક ઉપાડી મોજશોખ કર્યા બાદ પાછી મૂકી જતાં નગરમાં ઈમાનદાર ચોર પકડાયો હોવાની ચર્ચાઓ ઊઠી હતી.