મુંબઇનાં મતદારોએ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના ધિક્કારજનિત રાજકારણને જાકારો આપ્યો છે અને ભાજપના કમળ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. પહેલી વાર મુંબઇ મહાનગરપાલિકા (BMC) પર ભાજપનો કબજો થશે તેવું લાગે છે. ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાની મહાયુતિએ બહુમતી મેળવી લીધી છે. લાંબા સમયથી BMCમાં મહાયુતિ અને ઠાકરે ભાઈઓ વચ્ચે નજીકની લડાઈ ચાલી રહી હતી, પરંતુ હવે ભાજપે મોટી છલાંગ લગાવી છે. મુંબઇ મહાનગરપાલિકામાં ઠાકરે પરિવારના લાંબા શાસનનો આખરે અંત આવ્યો છે.
બંને ઠાકરે ભાઈઓ બાળાસાહેબ ઠાકરેના વારસાને બચાવવામાં નિષ્ફળ રહ્યા હોય તેવું લાગે છે. ચૂંટણી પરિણામોનાં વલણોએ આ વખતે ભાજપની સરકાર બનવાનો સંકેત આપ્યો છે. BMC પહેલી વાર કબજે કરવા માટે ભાજપ તૈયાર લાગે છે. ઉદ્ધવની શિવસેના સાથે ગાઢ લડાઈ બાદ ભાજપે મોટી છલાંગ લગાવી છે. BMC ચૂંટણી ૨૦૨૬ નાં વલણોમાં BJP ની આગેવાની હેઠળની મહાયુતિ ૧૦૯ બેઠકો સાથે આગળ છે. ઠાકરે ભાઈઓ ૬૪ બેઠકો પર સમેટાઈ ગયા હોય તેવું લાગે છે.
મહારાષ્ટ્ર સંપૂર્ણપણે ભગવા રંગનું થઈ ગયું હોય તેવું લાગે છે. BMC ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. વલણો સૂચવે છે કે ભાજપનો ૨૫ વર્ષનો વનવાસ સમાપ્ત થઈ રહ્યો છે. જો વર્તમાન વલણો પરિણામોમાં પરિણમે છે, તો મુંબઇમાં ૨૫ વર્ષમાં પહેલી વાર BMCમાં ભાજપનો મેયર હશે. અત્યાર સુધી મુંબઇનું મેયરપદ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) પાસે હતું. છેલ્લી BMC ચૂંટણી ૨૦૧૭ માં યોજાઈ હતી.
તે BMC ચૂંટણીમાં શિવસેના વિભાજીત થઈ ન હતી. તે સમયે, અવિભાજિત શિવસેના ૮૪ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી, જ્યારે ભાજપ ૮૨ બેઠકો સાથે ફક્ત બે ડગલાં પાછળ રહી ગઈ હતી. કોંગ્રેસે ૩૧ બેઠકો, NCPએ ૯ અને MNSએ ૭ બેઠકો જીતી હતી. જો કે, આ વખતે સમીકરણો બદલાઈ ગયાં છે. શિવસેના વિભાજીત થઈ ગઈ છે. ઉદ્ધવની શિવસેના હવે MNS સાથે જોડાઈ ગઈ છે. BMC દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન ગણાય છે. BMCનું પૂરું નામ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન છે.
૧૮૬૫માં બ્રિટીશ રાજમાં સ્થાપિત BMC માત્ર એક સ્થાનિક સંસ્થા નથી. તે ભારતનું સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન છે. ૭૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના વાર્ષિક બજેટ સાથે તેની નાણાંકીય શક્તિ ગોવા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ જેવાં ઘણાં રાજ્યો કરતાં વધુ છે. બીએમસીના આવકના સ્રોતોમાં રહેણાંક અને વાણિજ્યિક મિલકતોમાંથી વસૂલવામાં આવતા મિલકત વેરા અને પાણી વેરા, ગટર વેરા અને પાર્કિંગ વેરા જેવા સેવા વેરાનો સમાવેશ થાય છે.
વિકાસ ચાર્જમાં બિલ્ડિંગ પરમિટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રીમિયમમાંથી મળેલી રકમનો સમાવેશ થાય છે. આ વિશાળ આવકનો આધાર બીએમસીને રાજ્ય સરકારથી સ્વતંત્ર રીતે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો હાથ ધરવાની મંજૂરી આપે છે, જે કોઈ પણ રાજકીય પક્ષ માટે તેનું નિયંત્રણ એક મહત્ત્વપૂર્ણ સંપત્તિ બનાવે છે. શિવસેના માટે BMC સોનાનાં ઇંડાં આપતી મરઘી સમાન હતી.
ઐતિહાસિક રીતે, BMC ૨૫ વર્ષથી વધુ સમયથી શિવસેનાનો મુખ્ય ગઢ રહ્યો છે. બાળાસાહેબ ઠાકરેના વારસાને જાળવી રાખવા માટે શિવસેના-UBTના વડા ઉદ્ધવ ઠાકરેએ તેમના ભાઈ રાજ ઠાકરે સાથે જોડાણ કર્યું હતું. રાજકીય વિશ્લેષકો માને છે કે મ્યુનિસિપલ ચૂંટણીમાં હાર ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના-UBT ગઠબંધનની સ્થિતિ નબળી પાડી શકે છે, જેના કારણે કેટલાક ધારાસભ્યો પક્ષપલટો કરીને શાસક મહાયુતિમાં જોડાઈ શકે છે. ઉદ્ધવ ઠાકરે માટે આ ચૂંટણી રાજકીય અસ્તિત્વ માટેનું યુદ્ધ છે. એકનાથ શિંદે સામે પાર્ટીનું નામ અને પ્રતીક ગુમાવ્યા પછી અને ૨૦૨૪ ની વિધાનસભા ચૂંટણીમાં પરાજયનો સામનો કર્યા પછી બીએમસી તેમનો છેલ્લો મોટો ગઢ હતો. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળના ભાજપ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) આ ચૂંટણીનો સૌથી મહત્ત્વપૂર્ણ વિજય છે.
મુંબઈનાં લોકોએ આજે ફડણવીસ-શિંદેની જોડીમાં વિશ્વાસ વ્યક્ત કરીને સ્પષ્ટ કરી દીધું છે કે બીએમસીનો સાચો રાજા કોણ છે. પહેલી વાર મુંબઈવાસીઓએ ભાજપને સત્તાની કમાન સોંપી છે. હવે, કેન્દ્ર અને રાજ્ય સરકારો પછી, ટ્રિપલ એન્જિન સરકાર દેશના સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન પર પણ શાસન કરશે. આ ચૂંટણી ઠાકરે પરિવાર માટે સૌથી મોટો ઝાટકો સાબિત થઈ છે.
આશ્ચર્યજનક રીતે, ૨૦ વર્ષ પછી રાજ અને ઉદ્ધવ ઠાકરેનું એકસાથે આવવું પણ જનતાને પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયું છે. અલગથી ચૂંટણી લડનાર કોંગ્રેસને પણ ઝાટકો લાગ્યો છે, જે બે આંકડાના નીચા આંકડા પર આવી ગઈ છે. ભાજપ કાર્યાલયોમાં દિવાળી જેવી ઉજવણી શરૂ થઈ ગઈ છે. મુંબઈમાં ભાજપના વિજયના સમાચાર મળતાં જ મુંબઈથી નાગપુર સુધીનાં ભાજપ કાર્યાલયોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને મીઠાઈઓ વહેંચવામાં આવી હતી.
મ્યુનિસિપલ ચૂંટણીઓ દરમિયાન દરેક પક્ષના નેતાઓએ કેટલી રેલીઓ કરી તેના આંકડા ખૂબ જ રસપ્રદ છે. પરિણામોમાં પણ તેનું પરિણામ સ્પષ્ટ દેખાય છે. મહાયુતિના નેતાઓએ રાજ્યભરમાં સતત સભાઓ અને રોડ શો યોજ્યા હતા. એકનાથ શિંદેએ સૌથી વધુ કાર્યક્રમો યોજ્યા હતા, જ્યારે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ સક્રિય હતા. તેની સરખામણીમાં, કોંગ્રેસ પાર્ટીએ એક પણ મોટી રેલી યોજી ન હતી.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મ્યુનિસિપલ ચૂંટણીઓ દરમિયાન કુલ ૩૭ પ્રચાર સભાઓ અને કાર્યક્રમો યોજ્યા હતા. નાયબ મુખ્યમંત્રી શિંદે સૌથી વધુ સક્રિય હતા. શિંદેએ કુલ ૫૪ પ્રચાર કાર્યક્રમો યોજ્યા હતા, જેમાં ૨૫ જાહેર સભાઓ અને ૨૯ રોડ શોનો સમાવેશ થાય છે. અજિત પવારે ૨૫ સભાઓ અને રેલીઓને સંબોધિત કરી હતી. દરમિયાન, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ફક્ત ત્રણ સંયુક્ત બેઠકોમાં હાજરી આપી હતી.
નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ભાજપ ગઠબંધનની જીત બદલ મુંબઈવાસીઓનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે લોકોએ વિકાસના મુદ્દા પર મતદાન કર્યું અને અન્ય મુદ્દાઓને નકારી કાઢ્યા છે. શિવસેનાના નેતા સંજય નિરૂપમે જણાવ્યું છે કે મુંબઈના હિત માટે બોલતા નેતાઓ જ મુંબઈ પર રાજ કરશે. તેમનું કહેવું છે કે શહેર ભાષાકીય અને પ્રાદેશિક સંઘર્ષોથી આગળ વધી ગયું છે. આજના મુંબઈને સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને સ્વચ્છ, ચમકતા શહેરની જરૂર છે. મુંબઈવાસીઓ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેમનો એજન્ડા ફક્ત વિકાસ છે.
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ભેગા થયા છતાં કોઈ ચમત્કાર થયો નહીં. શિવસેના (UBT) અને MNS ગઠબંધન ફક્ત ૭૦ બેઠકો પર સમેટાઈ ગયું છે. દાદર અને માહિમ જેવા પરંપરાગત ગઢમાં પણ, ઠાકરે જૂથને મુશ્કેલ પડકારનો સામનો કરવો પડ્યો છે. મતદારોએ ઉદ્ધવ ઠાકરેના વારસા કરતાં શિંદેની કાર્યશીલતાને વધુ પસંદ કરી છે. કોંગ્રેસ પણ ફક્ત ૧૩ બેઠકો પર સમેટાઈ ગઈ હોવાથી પોતાનો પગપેસારો કરવા માટે સંઘર્ષ કરી રહી છે. ભાજપનો દબદબો ફક્ત મુંબઈમાં જ નહીં, પણ પુણે અને નાગપુરમાં પણ છે. રાજ્યના ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી ૨૩માં મહાયુતિ આગળ છે. લાતુર અને નાંદેડ જેવા વિસ્તારોમાં પણ વિપક્ષને નુકસાન થયું છે.
મહારાષ્ટ્રના મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કહ્યું કે ઠાકરે પરિવારનું શાસન હવે ઇતિહાસ બની ગયું છે. તેમણે આનું શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેવેન્દ્ર ફડણવીસના સુશાસનને આપ્યું હતું. લોઢાએ કહ્યું કે આ દેશભક્તિનું રાજકારણ છે અને લોકોએ તેને પસંદ કર્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે જે કોઈ પણ દેશ વિરુદ્ધ કામ કરશે તેને જૂતાંથી મારવામાં આવશે. વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે ૨૫ વર્ષ સુધી આ લોકો મુંબઈ મહાનગરપાલિકાને સોનાનાં ઇડાં આપતી મરઘી માનતા હતા, પરંતુ તેમણે હંમેશા વિકાસને અવરોધવાનું કામ કર્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.