National

અમરનાથ યાત્રા આતંકવાદીઓના નિશાના પર: આતંકવાદી સંગઠન TRFએ ધમકીભર્યો પત્ર મોકલી આપી આ ચેતવણી

નવી દિલ્હી: અગામી 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. પરંતુ તે પહેલા આતંકી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ અમરનાથ યાત્રાને લઈને ધમકી પત્ર મોકલ્યો છે. પત્રમાં આતંકવાદી સંગઠન વતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાધવામાં આવ્યું છે. સંગઠનને ધમકી ભર્યા શબ્દોમાં કહ્યુ કે,તેઓ અમરનાથ યાત્રાના વિરોધમાં નથી, પણ જ્યાં સુધી તેઓ કાશ્મીર મુદ્દાથી જેટલા દૂર રહેશે ત્યાં સુધી યાત્રાળુઓ સુરક્ષિત છે. આ યાત્રા 30 જૂનથી શરૂ થશે અને 11 ઓગસ્ટે સમાપ્ત થશે. 43 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં પહેલા કરતા વધુ વધારો થવાની આશા છે.

તીર્થયાત્રીઓએ કાશ્મીર મુદ્દામાં દખલ ન કરવી જોઈએ- TRF
પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે કોઈપણ ધાર્મિક બાબતના વિરોધમાં નથી, પરંતુ જ્યારે આવી ધાર્મિક સંસ્થાઓનો કાશ્મીર વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ બાબતોને પોતાના હાથમાં લઈ લેવી એ અમારી ચિંતાનો વિષય બની જાય છે. આતંકવાદી સંગઠન તરફથી શ્રદ્ધાળુઓને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેઓ કાશ્મીર મુદ્દામાં હસ્તક્ષેપ નથી કરી રહ્યા ત્યાં સુધી તેઓ સુરક્ષિત છે. આતંકવાદી સંગઠનનું કહેવું છે કે જો અમરનાથ યાત્રાનો રાજકીય અને વસ્તી વિષયક લાભ માટે ઉપયોગ કરવામાં આવશે તો તે સરકારની યોજનાઓને સફળ થવા દેશે નહીં.

અમરનાથ યાત્રા વર્ષોથી આતંકવાદીઓના નિશાના પર છે
અમરનાથ યાત્રા વર્ષોથી આતંકવાદીઓના નિશાના પર છે. વર્ષ 2000માં પહેલગામ બેઝ કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલામાં 17 શ્રદ્ધાળુઓ સહિત 25 લોકો માર્યા ગયા હતા. જુલાઈ 2017માં, એક પેસેન્જર બસ પર થયેલા આતંકવાદી હુમલામાં સાત યાત્રાળુઓ માર્યા ગયા હતા. નોંધનીય છે કે અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ અને સલામત રીતે પૂર્ણ થાય તે માટે ગૃહ મંત્રાલયે ખાસ તૈયારીઓ કરી છે. અમરનાથ યાત્રાના બે રૂટ પર અર્ધલશ્કરી દળોના ઓછામાં ઓછા 12,000 જવાનો તેમજ જમ્મુ અને કાશ્મીર પોલીસના હજારો જવાનોને તૈનાત કરવામાં આવે તેવી અપેક્ષા છે. ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવશે.

અમિત શાહે તૈયારી અને સુરક્ષાની સમીક્ષા કરી
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020 અને 2021માં કોરોના મહામારીના કારણે યાત્રા થઈ શકી ન હતી. 2019 માં, આર્ટિકલ 370 નાબૂદ થતાં પહેલાં જ યાત્રાને રોકી દેવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરમાં હિંસાની તાજેતરની ઘટનાઓ બાદ અમરનાથ યાત્રાએ એક મહત્વપૂર્ણ સુરક્ષા પડકાર ઉભો કર્યો છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષાની સમીક્ષા કરી હતી. દરમિયાન, TRF એ ધમકીભર્યો પત્ર મોકલ્યો છે.

Most Popular

To Top