Charchapatra

રાત્રિના સમયે વાહનોની લાઇટનો આતંક !

સુરત શહેર ચારચક્રિય વાહનોથી અતિસમૃદ્ધ છે. સાધન સંપન્ન પ્રત્યેક વ્યકિત પાસે ચારચક્રિય વાહન હોય જ છે. પરંતુ હમણાં જે નવા વાહનો માર્ગ પર ગતિશીલ છે. એની સફેદ લાઇટ રાત્રિના સમયે સામેથી આવતા વાહનોની આંખ આંજી દે છે. અને સામેથી આવતા દ્વિચક્રિય વાહનચાલકો કે રસ્તે ચાલતી વ્યકિતને થોડી ક્ષણ માટે કશુ દૃશ્યમાન નથી થતું! કંપની દ્વારા જ આ લાઇટ આપવામાં આવતી હશે તો તંત્ર સ્વાનુભવ કરીને એ બાબતે કંઇ ઘટતુ કરી શકે એવી અપેક્ષા.

ઘણા રસ્તાઓ પર સ્ટ્રીટલાઇટ હોવા છતાં એનો પ્રકાશ માર્ગ સુધી બરાબર પહોંચતો નથી અને અકસ્માતનો ભય સર્જાઇ શકે છે. વરસાદને કારણે સ્પીડબ્રેકરનાં સફેદ પટ્ટા પણ રાત્રિના સમયે વાહનચાલકને કયારેક દેખાતા નથી. તંત્ર એલર્ટ હશે પણ વરસાદને કારણે સ્ટ્રીટલાઇટનો પ્રકાશ અવરોધાતો હોય છે. વૃક્ષ કાપવાની નહીં પણ ઘટા ઘટાડવાની આવશ્યકતા છે. કાયરેક નાની નાની બાબતોને કારણે અકસ્માત સર્જીવાનો ભય રહે છે. નવા વાહનોમાં દિવસ દરમિયાન પણ આગળની લાઇટ ચાલુ જ રહે એવી વ્યવસ્થા કરી છે. એ પણ એક પ્રશ્નાર્થ જ છે! ખાસ કરીને દ્વિચક્રિય વાહનોમાં! અકસ્માત કયારેક જ થાય પણ એને માટે સતર્કતા તો કેળવવી જ રહી.
રાંદેર રોડ, સુરત   – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જુવેનાઈલ કોર્ટ અંગે ફેરવિચાર કરવો જરૂરી
સગીર દ્વારા પાકિટમારી, ચોરી, જુગાર, વાહનચોરી, મોબાઈલ ચોરી  જેવા ગુન્હોમાં જુવેનાઈલ કોર્ટની સજા સમજી શકાય એમ છે. પરંતુ બળાત્કાર, હત્યા, ખૂન જેવા સંગીન ગુન્હા કરવાની માનસિક્તા ધરાવનાર સગીર માટે જુવેનાઈલ કોર્ટની સજા અંગે ગંભીરતાપૂર્વક  વિચાર થવો જ  જોઈએ. અને એમાં ય બળાત્કાર, હત્યા જેવા ગુન્હો કરનાર ગુનેગાર જ્યારે પુખ્તવય થવામાં થોડા દિવસો-મહિના બાકી હોય ત્યારે એટલા માત્રથી જુવેનાઈલ કોર્ટમાં “સજા” પામે ત્યારે આ અંગે ફેર વિચારણા થવી અત્યંત આવશ્યક નથી લાગતી?
નવસારી – જિજ્ઞેશ સી.પારેખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top