વડોદરા: વાઘોડિયા રોડ પર થોડા સમય અગાઉ સાઇડ આપવા મુદ્દે તકરાર થઇ હતી. જેની અદાવત રાખી ટેમ્પો ચાલક ઉવક પર લાકડીથી હુમલો કરીને હત્યા કરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે બાપોદ પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ત્રણેક મહિના પહેલા વાઘોડિયા રોડ પર સચિન અને અરબાઝ નામના યુવક વચ્ચે સાઈડ આપવા બાબતે તકરાર થઈ હતી. ત્યારબાદ સચિનના પિતા દિનેશભાઈ રોહિતે મધ્યસ્થી કરતાં સમાધાન થયું હતું. પરંતુ જૂના બનાવની અદાવત રાખી ગઈતા 14મી જૂને સાંજના સમયે અરબાજ અને તેના સાગરીતોએ વાઘોડિયાના પીપળીયા ગામ પાસેથી ટેમ્પો લઈ પસાર થતાં સચિનના પિતા દિનેશભાઈ (શ્રીનાથજી સોસાયટી, લીમડા, વાઘોડિયા)નો રિક્ષામાં પીછો કર્યો હતો.
રિક્ષામાં આગળ બેઠેલા હુમલાખોરે ચાલુ વાહને ટેમ્પો ચાલક પર લાકડી વડે હુમલો કરતા ટેમ્પો ચાલકે બેલેન્સ ગુમાવ્યું હતું અને ટેમ્પો પલટી ખાઈ ગયો હતો.ત્યારબાદ અરબાજ અને તેના ચાર સાગરીતો ટેમ્પો ચાલક પર તૂટી પડતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે નવનીત ઉર્ફે ગાંધી ગૌરીશંકર તપોધન (ધનલક્ષ્મી સોસાયટી, વાઘોડિયા રોડ અને મૂળ રહે. ઉત્તરપ્રદેશ)ને બાપોદ ચાર રસ્તા વિસ્તારમાંથી ઝડપી પાડી વાઘોડિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો.