Columns

ગલવાન ખીણ યુદ્ધ વિશેની સલમાનખાનની ફિલ્મનું ટીઝર ચીનમાં વિવાદો પેદા કરી રહ્યું છે

ભારત અને પાકિસ્તાન કે ભારત અને ચીનના સંબંધોને લઈને કોઈ પણ ફિલ્મ બનાવવામાં આવે તો તે વિવાદાસ્પદ પુરવાર થાય તેવી ભારોભાર સંભાવના રહેલી હોય છે. તાજેતરમાં રિલીઝ થયેલી ધુરંધર ફિલ્મનો પાકિસ્તાન દ્વારા વિરોધ કરવામાં આવ્યો તેમ ચીનના સરકારી મીડિયા દ્વારા અભિનેતા સલમાન ખાનની નવી ફિલ્મ બેટલ ઓફ ગલવાનની નિંદા કરવામાં આવી છે.

ચીનના લોકપ્રિય સરકારી દૈનિક ગ્લોબલ ટાઇમ્સે એક લેખ પ્રકાશિત કર્યો છે, જેમાં ફિલ્મ પર તથ્યોને વિકૃત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ૧૭ એપ્રિલ ૨૦૨૬ ના રોજ રિલીઝ થનારી ફિલ્મ બેટલ ઓફ ગલવાન વર્ષ ૨૦૨૦ માં લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પર કેન્દ્રિત હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં છે જ્યારે આ ફિલ્મનું દિગ્દર્શન અપૂર્વ લાખિયા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટીઝર ૨૭ ડિસેમ્બરે સલમાન ખાનના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યું હતું.

ગલવાન યુદ્ધમાં મે ૨૦૨૦માં પૂર્વી લદ્દાખમાં પેંગોંગ ત્સો તળાવના ઉત્તરી કાંઠે બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં બંને પક્ષના ડઝનબંધ સૈનિકો ઘાયલ થયા હતા. ત્યાર બાદ, ૧૫ જૂને બંને દેશોના સૈનિકો ગલવાન ખીણમાં ફરીથી અથડાયાં હતાં. ભારતીય સેનાએ આ અથડામણ અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ૨૦ ભારતીય સૈનિકો માર્યા ગયાં છે. જો કે, ચીને હજુ સુધી તેના સૈનિકોના મોતની પુષ્ટિ કરી નથી.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે મંગળવારે એક લેખ પ્રકાશિત કર્યો કે બોલીવુડ ફિલ્મ બેટલ ઓફ ગલવાન તથ્યોનાં વિકૃતિકરણને કારણે વિવાદમાં ફસાઈ ગઈ છે. આ લેખમાં કહેવામાં આવ્યું છે કે ચીની દર્શકો સલમાન ખાનને બજરંગી ભાઈજાનના મુખ્ય અભિનેતા તરીકે જાણે છે. સરળ વાર્તાઓ સાથે પાત્રો ભજવવાં અને તેમને અજેય બતાવવા બદલ ચીની ઇન્ટરનેટ પર તેમની ઘણી વાર મજાક ઉડાવવામાં આવે છે. આ ફિલ્મમાં સલમાનખાન કર્નલ બિક્કુમાલા સંતોષ બાબુની ભૂમિકામાં છે.

ભારતીય મીડિયાએ દાવો કર્યો હતો કે તેણે ૨૦૨૦ માં ગલવાન ખીણમાં થયેલી અથડામણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેણે બોલિવૂડનું ધ્યાન ખેંચ્યું હતું. ભારત સરકારે જાન્યુઆરી ૨૦૨૧ માં આ સંઘર્ષમાં શહીદ થયેલા ૧૬મી બિહાર રેજિમેન્ટના કર્નલ બિક્કુમાલા સંતોષ બાબુને મરણોત્તર મહાવીર ચક્ર એનાયત કર્યું હતું. મહાવીર ચક્ર માટેના પ્રશસ્તિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ૧૫ જૂન, ૨૦૨૦ ના રોજ, કર્નલ સંતોષ બાબુને ૧૬મી બિહાર રેજિમેન્ટની તેમની ટીમનું નેતૃત્વ કરતી વખતે ઓપરેશન સ્નો લેપર્ડ હેઠળ દુશ્મન સામે એક નિરીક્ષણ પોસ્ટ સ્થાપિત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

કર્નલ બાબુએ તેમના સૈનિકોને સૂચના અને સંગઠિત કરીને આ કાર્ય પૂર્ણ કર્યું, પરંતુ પોતાની પોસ્ટનો બચાવ કરતી વખતે તેમને દુશ્મન તરફથી ભારે પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો. દુશ્મનોએ ઘાતક અને તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કર્યો હતો અને ઊંચાઈથી પથ્થરમારો કર્યો હતો. દુશ્મન સૈનિકોની હિંસક અને આક્રમક કાર્યવાહીથી નિરાશ ન થઈને કર્નલ બાબુ પોતાની જાતે પહેલાં સેવા આપવાની સાચી ભાવનાનું ઉદાહરણ આપતા ભારતીય સૈનિકોની પીછેહઠનો પ્રતિકાર કરતા રહ્યા હતા.

આ પ્રક્રિયામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, પરંતુ તેમના છેલ્લા શ્વાસ સુધી તેમના સૈનિકોનું નેતૃત્વ કરતા રહ્યા હતા. ગલવાન ખીણની ઘટના પછી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ બગડ્યા હતા. જો કે, વિવિધ સ્તરે વાતચીત ફરી શરૂ થઈ તે પછી ગયા વર્ષથી સંબંધો સામાન્ય થવાના માર્ગે છે. જો કે, ગલવાન ખીણમાં થયેલી અથડામણ અંગે બંને દેશોનો દાવો છે કે તેમના પ્રદેશ પર અતિક્રમણ કરવામાં આવી રહ્યું હતું.

ગ્લોબલ ટાઈમ્સના સલમાનખાનની ફિલ્મ વિશેના લેખ પર ભારતીય વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા જોવા મળી નથી. એક ચીની નિષ્ણાતે લખ્યું છે કે બોલિવૂડ ફિલ્મો મોટે ભાગે મનોરંજનલક્ષી અને ભાવનાત્મક વાર્તાઓ રજૂ કરે છે, પરંતુ કોઈ પણ અતિશયોક્તિપૂર્ણ વાર્તા ઇતિહાસને ફરીથી લખી શકતી નથી અથવા ચીનના સાર્વભૌમ પ્રદેશનું રક્ષણ કરવાના ચીની સૈન્યના સંકલ્પને ડગાવી શકતી નથી. ચીનના લશ્કરી નિષ્ણાત સોંગ ઝોંગપિંગે ગ્લોબલ ટાઇમ્સને જણાવ્યું કે ભારત દ્વારા રાષ્ટ્રવાદી ભાવના જગાડવા માટેની ફિલ્મો, ખાસ કરીને બોલીવુડ પ્રોડક્શન્સનો ઉપયોગ આશ્ચર્યજનક નથી.

તે ઊંડાં મૂળિયાંવાળી સાંસ્કૃતિક અને રાજકીય પરંપરાને પ્રતિબિંબિત કરે છે. ઘટનાઓ ગમે તેટલી નાટકીય કે અતિશયોક્તિપૂર્ણ હોય, કોઈ પણ ફિલ્મો ગલવાન ખીણની ઘટનાનાં મૂળ તથ્યોને બદલી શકતી નથી. અત્યંત મુશ્કેલ પર્વતીય પરિસ્થિતિઓમાં ચીની સૈનિકો તેમની ફરજો બજાવવાનું ચાલુ રાખે છે અને પડકારોનો સામનો કરે છે, જે જાહેર વિશ્વાસમાં વધારો કરે છે. આ ઘટનાનો ચીની સમાજ પર મોટો પ્રભાવ પડે છે. ચીને ક્યારેય ગલવાન ખીણ અથડામણમાં મૃત્યુઆંક સ્પષ્ટ કર્યો નથી, પરંતુ ઘણા મહિનાઓ પછી ચીને ગલવાન ખીણ અથડામણમાં મૃત્યુ પામેલા તેના ચાર સૈનિકો માટે મરણોત્તર મેડલની જાહેરાત કરી હતી.

૧૫ જૂન, ૨૦૨૦ ના રોજ પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણની ત્રીજી વર્ષગાંઠ પર ચીનના મુખ્ય પ્રવાહના મીડિયા મૌન રહ્યા હતા, પરંતુ ઘણા સરકારી મીડિયા આઉટલેટે માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ વેઇબો પર માર્યા ગયેલા ચીની સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે ૧૫ જૂનના રોજ તેના ચીની ભાષાના સંસ્કરણમાં એક વિગતવાર અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટમાં પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ના વેસ્ટર્ન કમાન્ડના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાંથી માર્યા ગયેલા સૈનિકોનાં પરિવારો વિશેની પોસ્ટ દર્શાવવામાં આવી હતી.

લશ્કરી અખબાર પીએલએ ડેઇલીએ ૧૦ જૂનના રોજ અહેવાલ આપ્યો હતો કે ગલવાન ખીણ હિંસામાં માર્યા ગયેલા ચાર ચીની સૈનિકોમાંથી એક ચેન હોંગજુનના લશ્કરી એકમમાં જોડાવા માટે એક વ્યક્તિએ ત્રણ વખત અરજી કરી હતી. પીએલએ સંબંધિત મીડિયા આઉટલેટે ભારત સાથેની અથડામણમાં માર્યા ગયેલા ચાર ચીની સૈનિકોની યાદમાં વેઇબો પર પોસ્ટ શેર કરી હતી. CCTV-૭ એ ચેન હોંગજુનને યાદ કરતો ત્રણ મિનિટનો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તેને દેશ માટે પોતાનો જીવ બલિદાન આપનાર શહીદ ગણાવ્યો હતો. સલમાનખાનની આગામી ફિલ્મમાં માર્યા ગયેલા ચીની સૈનિકોને કેવી રીતે દર્શાવવામાં આવ્યા છે તે જોવાનું પણ રસપ્રદ બની રહેશે.

ભારત સરકારે ૨૦૨૧ના ગણતંત્ર દિવસની ઉજવણી વખતે પહેલી વાર ખુલાસો કર્યો હતો કે તે રાત્રે શું બન્યું હતું. ત્યાં સુધી ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ વિશે બહુ ઓછી સત્તાવાર માહિતી ઉપલબ્ધ હતી. ભારત સરકારે ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં માર્યા ગયેલા સૈનિકોને શૌર્ય પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા.

ગલવાન ખીણમાં ૨૦૨૦ની ૧૫/૧૬ જૂનની રાત્રે ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં ૨૦ ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. કર્નલ બિક્કુમાલા સંતોષ બાબુની સાથે ભારત સરકારે ૧૬મી બિહાર રેજિમેન્ટના નાયબ સુબેદાર નુદુરામ સોરેનને વીર ચક્ર (મરણોત્તર), ૮૧ ફિલ્ડના હવાલદાર કે. પિલાનીને વીર ચક્ર, ૩ મીડિયમના હવાલદાર તેજેન્દર સિંહને વીર ચક્ર, ૧૬ બિહારના નાયક દીપકસિંહને વીર ચક્ર (મરણોત્તર) અને ૩ પંજાબના સિપાહી ગુરતેજ સિંહને વીર ચક્ર (મરણોત્તર) એનાયત કરવાની જાહેરાત કરી હતી.

આ સાથે, એવી જાહેરાત કરવામાં આવી હતી કે ૪ પેરા (SF) ના સુબેદાર સંજીવકુમારને કીર્તિ ચક્ર (મરણોત્તર), ૨૧ RR ના મેજર અનુજ સૂદને શૌર્ય ચક્ર (મરણોત્તર), ૬ આસામ રાઇફલ્સના રાઇફલમેન પ્રણવ જ્યોતિ દાસ અને ૪ પેરા (SF) ના પેરાટ્રૂપર સોનમ ત્સેરિંગ તમાંગને શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવશે. આ બધા સૈનિકો દ્વારા ગલવાન ખીણના યુદ્ધમાં કેવી ભૂમિકા ભજવવામાં આવી હતી, તેનો ખ્યાલ સલમાન ખાનની ફિલ્મ જોયા પછી જ આવશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top