આદિકાળથી આજપર્યંત શિક્ષણ અને વિદ્યા એક અતિ મહત્વની બાબત છે. સમાજને ઉચ્ચતર સ્થાને પહોંચાડવા માટેનું એક સાધન છે અને તેમાં શિક્ષકો કે એવા શિક્ષણનાં ક્ષેત્રમાં જે કોઈ ભાગ લે છે તેમાં શિક્ષકનું સ્થાન ઉચ્ચ કક્ષા એ છે. શિક્ષક ન માત્ર વિદ્યાર્થીઓને શિક્ષા પ્રદાન કરે છે પરંતુ તેની સાથે સાથે પોતાનાં અને કુટુંબનાં બાળકોને પણ તે રીતે વિદ્યા પ્રાપ્તિની સહાય કરે છે અને તે રીતે દોરે પણ છે. તેવું અન્ય વ્યવસાયમાં થતું નથી.
કૃષિ કે વ્યાપાર અથવા ધંધામાં પોતાના બાળકો ભલે જે તે વ્યવસાયમાં આપોઆપ તાલીમ તથા માબાપનાં અનુભવ વડે પારંગત થાય છે પરંતુ વિદ્યા, ડહાપણ તેમજ ઉચ્ચ દરજ્જાનાં જીવન ઘડતર તથા વિશાળ દૃષ્ટિ કેળવવા માટે શિક્ષણ જ એક અનોખું અને અગત્યનું પરિબળ નીવડે છે. છેલ્લા સો વર્ષમાં શિક્ષણે ભારે ચમત્કારીક પ્રગતિ દાખવી છે અને તેમાં ખાસ કરીને પ્રાથમિક કક્ષાનાં શિક્ષણ અને તેના શિક્ષકોનું યોગદાન અતિ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. આજે ગ્રામીણ અથવા મહાનગરો સિવાયનાં વિસ્તારોમાં ઇજનેરી, દાક્તરી, વકીલાત તથા અન્ય ઉચ્ચ કક્ષાના વ્યવસાય માટેનાં શિક્ષણ અંગે ભારે વિકાસ થઈ શક્યો છે તે આ પ્રાથમિક શિક્ષણનાં મજબૂત યોગદાન પર આધારિત છે.
નાની વાંગરવાડી , મુંબઈ -શિવદત પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.