SURAT

સુરતમાં રમાનારી T20 ચેમ્પિયનશીપમાં 40 ફર્સ્ટક્લાસ ક્રિકેટર રમશે

સુરત: સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન (SDCA) આયોજિત સુરત પીપલ્સ બેન્ક (SPB) પુરસ્કૃત અને મીડિયા પાર્ટનર ગુજરાતમિત્ર (GujaratMitra) સહિતનાં સહિયારા પ્રયાસો થકી ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે, IPLની તર્જ પર SDCAની સુરત પ્રીમીયર લીગ (SPL) T-20 ચેમ્પિયનશીપનો આજરોજ તા.18મીથી પ્રારંભ થશે. જેનું ઉદઘાટન સાંજે 6 કલાકે ગૃહમંત્રી હર્ષ સંઘવીના (HarshSanghvi) હસ્તે થશે.

શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં પ્રથમવાર 40 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર 8 ટીમોમાં રમતાં જોવા મળશે, ગત બે સિઝનમાં રીપલ પટેલ, ઉર્વીલ પટેલ, અસદ પઠાણ, અરજાન નગવાસવાલા, પાર્થ વાઘાણી જેવાં ખેલાડીઓ SPL માં રમી IPL માં જુદી જુદી ફ્રેન્ચાઈઝીમાં ભાગ લઈ ચૂક્યાં છે. IPLની તર્જ પર સુરત ડિસ્ટ્રીક્ટ એસોસિએશન દ્વારા કુલ 8 ટીમોમાં 176 યુવા ખેલાડીઓની પસંદગી હરાજી સિસ્ટમથી કરવામાં આવી છે.

આ T20 ટુર્નામેન્ટમાં પ્રત્યેક ટીમમાં સુરતના 17 અને ગુજરાતના 5 ખેલાડીઓને રમવાની તક મળશે. પ્રત્યેક ટીમને 22 ખેલાડી પસંદ કરવાની તક અપાઇ છે. તેમાં સુરતના વતની એવા તમામ રણજી ટ્રોફી રમતાં યુવા પ્લેયરોને જુદી જુદી ટીમોમાં વહેંચવામાં આવ્યા છે. એવી જ રીતે ગુજરાતની રણજી ટીમમાં સુરત સિવાયનાં GCAનાં જિલ્લાના વતની એવા રણજી ખેલાડીઓ પણ યુવા ખેલાડીઓ સાથે રમતા જોવા મળશે.

ગુજરાતનાં નામાંકિત રણજી ખેલાડીઓ અને GCA નાં એરિયામાં ક્રિકેટ રમતી પ્રતિભાઓને આ ટુર્નામેન્ટથી ચમકવાની તક મળશે. આ સ્પર્ધા સુરત પીપલ્સ કો ઓપરેટીવ બેંક પુરસ્કૃત સુરત પ્રિમિયર લિગ 2023 તરીકે ઓળખાશે. 9 એપ્રિલ સુધી લિગ મેચો ઉપરાંત ત્રણ પ્લેઓફ મેચ અને એક ફાઈનલ સહિત 32 મેચ રમાશે. GCAની અંડર-19, અંડર-21 અને અંડર-25 ઉપરાંત રણજી મેચ રમતાં સ્ટાર ખેલાડીઓ સુરતને આંગણે રમતા જોવા મળશે.

ગુજરાતના સૌથી યુવા ગૃહ મંત્રી તેમજ સાંસ્કૃતિક, રમતગમત અને મનોરંજન ખાતાના મંત્રી હર્ષ સંઘવી સુરત પીપલ્સ બેંક પુરુસ્કત તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએશન આયોજિત લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમ ખાતે રમાનાર સુરત ક્રિકેટ લીગનું ઉદ્દઘાટન શનિવાર તારીખ 18.03.2023ના રોજ સાંજે 6 વાગ્યે કરશે. આ પ્રસંગે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના મંત્રી અનિલ પટેલ ટ્રેઝરર ભરતભાઈ ઝવેરી તથા ધીરજભાઈ જોગાણી, હિતેશભાઈ મજમુદાર તથા સુરત પીપલ્સ બેંકના ચેરમેન મુકેશ દલાલ પણ ખાસ ઉપસ્થિત રહેશે.

સુરતનાં આર્ય દેસાઈ રાજસ્થાન રોયલ્સના કેમ્પમાં પસંદગી
અંડર-19 અને ગુજરાતની રણજી ટીમ વતી રમી રહેલાં સુરતનાં આર્ય દેસાઈ સુરત પ્રીમિયર લીગ રમે એ પહેલાં ઇન્ડિયન પ્રીમિયર લીગની રાજસ્થાન રોયલ્સની ટીમે એક ખેલાડી બિમાર પડતાં સુરતનાં આર્ય દેસાઈની કેમ્પ ટ્રેઇનિંગમાં પસંદગી કરી છે.સૂત્રોના જણાવ્યાં મુજબ સુરત પ્રીમિયર લીગની કેટલીક મેચ આર્ય દેસાઈ સુરતમાં રમતો જોવા મળશે.

Most Popular

To Top