સુરત: ઉકાઈ ડેમ અને હથનુર ડેમના ઉપરવાસમાં બે દિવસ દરમિયાન વરસેલા વરસાદને કારણે ઓક્ટોબર મહિનામાં ઉકાઇ ડેમમાં પાણીની ૧.૧૨ લાખની આવક થઈ છે. જેની સામે ડેમના સત્તાધીશોએ ઉકાઇ ડેમમાંથી ૯૮ હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું છે.
ઓક્ટોબર મહિનામાં તાપી નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો ખૂબ ઓછા જોવા મળ્યા છે. ચાલુ વર્ષે ઉકાઈ ડેમની સ્થિતિને લઈને સત્તાધીશો શરૂઆતથી જ અવઢવમાં રહ્યા હતા. કારણ કે શરૂઆતના તબક્કામાં ડેમ ખાલીખમ હતો. અને છેલ્લા દોઢ મહિનાથી ડેમની સપાટીમાં સડસડાટ વધારો નોંધાયો છે. વિશેષ કરીને ગયા મહિને ડેમ સૌથી વધુ ભરાયો છે. ત્યારે હવે સામી દિવાળીએ ઓક્ટોબર મહિનામાં પણ ડેમમાં પાણીની મોટી આવક થઈ છે.
હથનુર ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં બંગાળની ખાડી તરફ બનેલી વરસાદી સિસ્ટમને કારણે છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેને કારણે ડેમમાં બે દિવસથી ફરી પાણીની મોટી આવક શરૂ થઈ છે. આજે ઉકાઈ ડેમમાં ૧.૧૨ લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમના સત્તાધીશોએ ડેમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૯૮ હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું છે. હાલ ડેમની સપાટી ૩૪૫.૩૦ ફૂટ નોંધાઈ છે. ડેમ ડેન્જર લેવલે હોવાથી ૬ ગેટ સાડા છ ફૂટ અને ૧ ગેટ પાંચ ફૂટ ખોલી ૯૮ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જરૂર જણાય તો પાણીનો આ જથ્થો એક લાખ ક્યુસેકની ઉપર પણ લઈ જવાય તેવી સંભાવના છે.
આજે મંગળવારે તા. 19 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યાથી 90 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જે તબક્કાવાર વધારીને 98 હજાર ક્યૂસેક સુધી છોડવાનો નિર્ણય લેવાયો છે. ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી તાપીમાં પાણીની સપાટી વધે અને તે નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશે તેવો ભય રહેલો હોય છે, તેથી સુરત મનપા દ્વારા અધિકારીઓ માટે એલર્ટ જારી કરી દેવાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં નજર રાખવા અધિકારીઓને આદેશ કરી દેવાયા છે. સ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે.
(Surat) સુરત શહેર અને જિલ્લામાં વરસાદની સીઝન વિદાય લઈ ચુકી છે. જોકે ઉપરવાસના કેટલાક વિસ્તારોમાં પાછોતરો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણી ઠલવાઈ રહ્યું છે. તંત્રએ ઉકાઈ ડેમ પુરેપુરું ભરી નાંખ્યું છે ત્યારે હવે ઉપરવાસમાંથી પાણી આવતા તંત્રએ ઉકાઈડેમમાં પાણી છોડવાનું શરૂ કર્યું છે. આ અગાઉ સોમવારે તા. 18 ઓક્ટોબરના રોજ હાલ ઉકાઈ ડેમમાંથી 35000 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હતું.
સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાત માટે આશિર્વાદરૂપ મનાતા ઉકાઇ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં ચાલુ સિઝનમાં 26 દિવસ ભારે કટોકટ રહ્યા હતા. 26 દિવસમાં 3539 એમસીએમ પાણી દરિયામાં (Sea) છોડી દેવાયું છે. એટલે કે સુરત શહેરને 9 વર્ષ ચાલે તેટલું પાણી દરિયામાં જવા દેવું પડ્યું છે. સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ઉકાઇ ડેમ ક્યારેક ઘાતક, ક્યારેક ચિંતાજનક તો ક્યારેક આશિર્વાદરૂપ પુરવાર થાય છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી છોડાતા પાણીને કારણે ઘણીવાર જળ પ્રલયનો સામનો કરવો પડયો છે. તેમાંય સને 2006ની પૂર હોનારતના ઘા હજુ પણ રુઝાયા નથી. દર વર્ષે ચોમાસા વખતે ઉકાઇ ડેમને લઇને તંત્ર સાબદું બને છે. આ વર્ષે પણ તંત્રએ ચોમાસા પહેલા પાણીની આવકને પહોંચી વળવા દરવાજાની મરામત સહિતની તમામ તૈયારીઓ કરી દીધી હતી. પરંતુ આ વર્ષે ડેમમાં વરસાદે મોડી એન્ટ્રી મારી હતી.