સુરત: સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોને (Electric vehicles in Surat) પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે સુરતમાં પણ ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરત પાલિકા (Surat Municipal Corporation) દ્વારા ઈલેક્ટ્રિક બસ દોડાવવામાં આવે છે. તેની સાથે સાથે લોકો પણ ટુ વ્હીલર અને ફોર વ્હીલર ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી કરી રહ્યા છે. લોકો વાહન ખરીદી રહ્યા છે તેઓ માટે ચાર્જિંગ સ્ટેશન (Charging Station) શરૂ કરવા માટે પાલિકા આયોજન કરી રહી છે.
પાલિકા ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે આયોજન કરી રહી છે. મનપા દ્વારા આગામી પાંચ વર્ષમાં 500 જેટલાં ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ પોઈન્ટ શરૂ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેમાં સરકારની ગ્રાન્ટમાંથી 200, જ્યારે પીપીપી ધોરણે 300 જેટલા ચાર્જિંગ પોઈન્ટ બનાવવા માટે આયોજન છે. જે અંગે સ્થાયી સમિતિમાં નિર્ણય લેવાશે.
- સુરત શહેરમાં 500 ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાનું મનપાનું આયોજન
- ચાર્જિંગ સ્ટેશન દીઠ 30 લાખનો ખર્ચ કરવાની તૈયારી
- સરકાર તરફથી 70 ટકા ગ્રાન્ટ મળશે
સુરત મ્યુનિ. તંત્ર વિસ્તારમાં પાલિકા સરકારની ગ્રાન્ટની મદદથી 200 અને પીપીપી ધોરણે 300 ચાર્જિંગ સ્ટેશન કે ચાર્જિંગ પોઈન્ટ શરૂ કરવા માટે આયોજન કરે છે. ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે એક ચાર્જિંગ સ્ટેશન દીઠ ૩૦ લાખનો અંદાજિત ખર્ચ થશે. તેમાં મ્યુનિસિપલ તંત્ર જે ચાર્જિંગ સ્ટેશન શરૂ કરશે, તેને સરકારની 70 ટકા ગ્રાન્ટ મળશે.
સુરતમાં પીપીપી ધોરણે જે લોકો ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા માટે ઈચ્છા રાખતા હોય તેઓ પાસે 250 ચો.મી. કે તેથી વધુ જગ્યાની જરૂર રહેશે. જે લોકો ખાનગી ધોરણે ઈલેક્ટ્રિક વાહનોનાં ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા ઈચ્છતા હોય તેઓ અને વીજ કંપની વચ્ચે સુરત મ્યુનિ. તંત્ર નોડલ અધિકારીની ભૂમિકા ભજવશે. જે રીતે પાલિકાએ સોલાર રૂફ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી હતી. તેમજ ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન માટે પણ કામગીરી કરશે. સુરતમાં છેલ્લા કેટલાક વખતથી ઈ વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.