વડોદરા : વડોદરા શહેરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. આજે સવારે તરસાલી રોડ પર રખડતા ઢોર ગાડી વચ્ચે આવી જતાં ગાડી પર જઈ રહેલા માતા અને પુત્રી સાથે અકસ્માત થતા રોડ પર પટકાતા તેમને ઇજાઓ થઇ હતી. ઈજાગ્રસ્ત માતા પુત્રીને બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શહેરના તરસાલી બંસલ મોલની સામેથી આજે સવારે ટુ-વ્હિલર પર 47 વર્ષના ચેતનાબેન પંડ્યા અને તેમની 72 વર્ષિય માતા દેવીલાબેન જાની પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન અચાનક રોડ વચ્ચે ભેંસ આવી જતાં બંને રસ્તા પર પટકાયા હતા. જેમાં બંનેને ઇજાઓ થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
જેથી ઘટનાસ્થળે બે એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.રસ્તા વચ્ચે ભેંસ આડી આવી જતાં માતા અને પુત્રીની ઇજાઓ થઇ હતી. જેથી માતાના કપડા તો લોહીલુહાણ જોવા મળ્યા હતા ત્યારે એમ્બ્યુલન્સ આવી પણ પુત્રીએ માતાની ચિંતા કરતા કહ્યું હતું કે તમે પહેલા મારી મમ્મીને હોસ્પિટલ લઇ જાવ પછી મને લઇ જજો. જયારે ઈજાગ્રસ્ત જગ્યા પર જયારે એમ્બ્યુલન્સ આવી ત્યારે પણ રખડતી ગયો અને ભેસના ટોળે ટોળા જોવા મળ્યા હતા. ઢોર આડી આવી જતાં માતા-પુત્રી ઇજાગ્રસ્ત હાલતમાં હતા અને લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન એમ્બ્યુલન્સ આવી પહોંચી છતાં અહીંથી ગાયો અને ભેંસોના ટોળા રોડ પરથી પસાર થતાં કેમેરામાં કેદ થયા છે. એટલે કે આટલી મોટી ગંભીર ઘટના પછી પણ તંત્રના પેટનું પાણી પણ ન્હોતું હલ્યું કે બીજા કોઇ સાથે આવી ઘટના ન બને.
બે દિવસ પહેલા ગૌપાલકો તેમના ઢોર કોર્પોરેશનની ટીમ પાસેથી છોડાવી ગયાં
આ સમગ્ર ઘટનામાં પોલીસ મુક પ્રેક્ષક બનીને ખાલી તમાસો જ જોવે છે ગઈકાલની વાત છે કે ઢોર પાર્ટી જયારે ઢોર પકડે છે, ત્યારે પોલીસની નજર સમક્ષ જ પશુપાલકો ઢોર છોડાયને જતા રહે છે. આ સમગ્ર ઘટનામાં પોલીસની કામગીરીમાં પણ એક સવાલ ઉભો થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે બબ્બે વખત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વડોદરાના મેયર કેયુર રોકડિયાને રખડતા ઢોરને કાબૂમાં લેવા માટે કામગીરી કરે. છતાં આવી ઘટનાઓ બની રહી છે. ત્યાં સુધી કે બે દિવસ પહેલા તો રખડતા ઢોર પકડતી કોર્પોરેશનની ટીમ પાસેથી ગૌપાલકો પકડેલા ઢોર પર છોડાવી ગયા હતા અને પોલીસ આ બધુ મૂક પ્રેક્ષક બનીને જોઇ રહી હતી.