Business

શેરબજાર પહેલીવાર 70,000ને પાર, બધા રેકોર્ડ તોડ્યા

મુંબઈ: શેરબજારમાં (Sensex) ગયા સપ્તાહે શરૂ થયેલો તેજીનો તબક્કો જળવાઈ રહ્યો છે. બીએસઈ અને એનએસઈ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આજે સોમવારે અઠવાડિયાના પહેલાં ટ્રેડિંગ દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના 30-શેર ઇન્ડેક્સ સેન્સેક્સે ઇતિહાસ રચ્યો અને એક નવી સીમાચિહ્ન પર પહોંચ્યો છે.

સેન્સેક્સ 70 હજાર સુધી પહોંચી ગયો છે. બજારમાં ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ મિનિટોમાં તે 70,048.90ના સર્વકાલીન ઉચ્ચ સ્તરને સ્પર્શી ગયો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના નિફ્ટી-50 વિશે વાત કરીએ તો, તે શરૂઆતના ટ્રેડિંગમાં જ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.

સૌથી પહેલા વાત કરીએ BSE સેન્સેક્સની, સોમવારે તેણે લીલા નિશાન પર ટ્રેડિંગ શરૂ કર્યું અને 85.93 પોઈન્ટ અથવા 0.12 ટકાના વધારા સાથે 69,911.53 ના સ્તર પર ખુલ્યું. માર્કેટમાં કારોબારની થોડી જ મિનિટોમાં સેન્સેક્સ 70000ની સપાટી વટાવીને 70,048.90ના સર્વકાલીન ઉચ્ચ સ્તરને સ્પર્શી ગયો હતો. અગાઉના ટ્રેડિંગ દિવસે શુક્રવારે સેન્સેક્સ ઇન્ડેક્સ 69,825.60 ના સ્તર પર બંધ થયો હતો.

BSEની જેમ NSEનો નિફ્ટી પણ સતત નવા ઊંચા સ્તરે પહોંચી રહ્યો છે. સોમવારે નિફ્ટી-50 પણ ગ્રીન ઝોનમાં ખુલ્યો હતો. નિફ્ટીએ 10.70 પોઈન્ટના ઉછાળા સાથે 20,980.10 ના સ્તરે ટ્રેડિંગની શરૂઆત કરી હતી અને પછી વધુ ઉછાળો શરૂ કર્યો હતો. સવારે 10 વાગ્યા સુધીમાં તે લગભગ 40 પોઈન્ટ્સ વધ્યો અને 21,019.80 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે તેનું અત્યાર સુધીનું સર્વકાલીન ઉચ્ચ સ્તર છે.

આ શેર્સમાં વધારો
શેરબજાર ખુલતાની સાથે જ જ્યારે 1901 શેર્સમાં વધારો થયો હતો, ત્યારે 606 કંપનીઓના શેર્સ હતા જેમણે ઘટાડા સાથે બિઝનેસ શરૂ કર્યો હતો. દરમિયાન 157 શેરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો ન હતો. સોમવારે આજે નિફ્ટીના શરૂઆતી વેપારમાં ONGC, કોલ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના શેરમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો. તેનાથી વિપરિત ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એશિયન પેઈન્ટ્સ, મારુતિ સુઝુકી, સિપ્લા અને સન ફાર્માના શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

Most Popular

To Top