સુરતમાં રૂપિયા 200 કરોડના ખર્ચે બનેલી રાજ્યની પહેલી એલિવેટેડ એપીએમસી માર્કેટ એટલે કે શાકભાજી માર્કેટને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી મુકી છે. આ ઉપરાંત સુરત મનપાના 350 કરોડના વિકાસ કાર્યો સહિત કુલ 600 કરોડના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યા છે.
ખેડૂતો અને વેપારીઓ બંને માટે આશીર્વાદરૂપ સાબિત થનારી એપીએમસી માર્કેટના લીધે પુણા રોડ પરના ટ્રાફિકનું ભારણ પણ હળવું બનશે. કારણ કે શાકભાજીના ટ્રક માર્કેટના પહેલા માળે માલ ઠાલવીને માર્કેટના વેપારને ડિસ્ટર્બ કર્યા વિના પસાર થઈ શકશે. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી રાંદેર ખાતે ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સિલની બેઠકમાં હાજર રહ્યાં હતાં. તે ઉપરાંત વીર નર્મદ યુનિવર્સિટીમાં વિકાસ કામોના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
મુખ્યમંત્રીએ શું કહ્યું?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એપીએમસીના ઉદ્દઘાટન પ્રસંગે ટેક્નોલોજીના મહત્ત્વ પર ભાર મુકતા કહ્યું હતું કે આધુનિક સુવિધાઓને લીધે હવે લોકાર્પણ અને ખાતમુહૂર્ત શક્ય બન્યા છે. સુરત એપીએમસી ખાતે રાજ્યના પહેલાં એલિવિટેડ માર્કેટ યાર્ડને ખુલ્લુ મુકતા તેને ખેડૂત હિત માટેનું સુંદર સોપાન ગણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોને પડખે ઉભી છે. કમોસમી માવઠાને લીધે પાકને થયેલા નુકસાની સામે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતના રતાળુ જેવા પાકોને વૈશ્વિક બજાર અપાવવા સરકાર કટીબદ્ધ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
સુરત એપીએમસીની પ્રગતિ વિશે જાણો..
વર્ષ 1951માં માત્ર 15 હજારની આવકથી સુરતમાં એપીએમસી માર્કેટ શરૂ થયું હતું. આ યાર્ડ આજે રાજ્યમાં આવકની દ્રષ્ટિએ પ્રથમ છે. અહીં દૈનિક 15 હજારથી વધુ લોકોની અવરજવર રહે છે. ખેડૂતો RTGS મારફતે ઓનલાઈન પેમેન્ટ ચૂકવતા થયા છે.
જીતુ વાઘાણીએ કહ્યું, ખેડૂતોના આરોગ્યનું પણ ધ્યાન રખાયું
સુરત APMCની રાજ્યમાં સૌથી વધુ આવક ધરાવતી સંસ્થા તરીકે પ્રશંસા કરી અને નોંધ્યું કે અહીં ખેડૂતોને માત્ર બજાર જ નહીં, પરંતુ આરોગ્ય માટે દવાખાના જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની આવક બમણી કરવાનો છે. ભારતના ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે જેમાં ફોર્મ ભર્યાના ખૂબ જ ટૂંકા ગાળામાં રાહત પેકેજના નાણાં સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યા છે.
CMના હસ્તે 600 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (URDCL)ના 241.85 કરોડના પ્રકલ્પો તથા સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા)ના કુલ 358.81 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા.