Comments

શહેરીકરણની સ્થિતિએ બાળઉછેરનાં પરિમાણો બદલ્યાં છે

શાળા વેકેશનમાં ભૂલકાંભવનમાં વાલી મેળાવડાનો એક કાર્યક્રમ હતો. વાલીઓ પોતાનાં સંતાનોને લઈ આવેલા. કાર્યક્રમના પ્રારંભે બાળમંદિરના સંચાલક શ્રી વીરેન્દ્રભાઈએ જણાવ્યું કે બાળકનાં પ્રથમ ૫ વર્ષના ઉછેર દરમ્યાન શરીર અને બુદ્ધિના પરસ્પર સંબંધો વિકસે છે. આથી જો મા-બાપ પોતાના બાળકને મારે છે તો બાળક તિરસ્કાર કરતું થઈ જાય છે અને જો બાળકને આવકાર મળે તો બાળક પ્રેમાળ બને છે. કાર્યક્રમનો બીજો ભાગ બાળકો માટે હતો. ઉપસ્થિત વાલી પૈકીના શ્રી દૂધવાળા પોતાને ઘેર પાળેલા પોપટને લાવેલા. પોપટ બોલીનું પ્રદર્શન કરનાર હતો. પ્રથમ તેઓએ પોતાનો પોપટ શું શું બોલે છે તે શ્રોતાઓને કહ્યું અને પછી તો શી કમાલ! પોપટ બોલે અને સાંભળનાર તરત કહી દે, પોપટ માસી બોલે છે. બીટુ બોલે છે, કોણ છે? એવું બોલે છે.

કાર્યક્રમના અંતે એક બાળકે પોતાની આગવી શૈલીમાં વાર્તા કહી. વાર્તા એક સિંહની હતી કે જે સિંહ પણ પેઢીથી ઝૂનો નિવાસી હતો. સિંહની દિનચર્ચા વર્ણવતાં સહદેવે પાંજરામાં અપાતા ખોરાક ઉપર સિંહ કેવી રીતે કૂદે છે તે કરી બતાવ્યું ત્યારે વાલીઓ પણ જકડાઈ રહ્યાં. વાર્તાનો સિંહ એક વખત બગીચાનાં મૅનેજરની રજા લઈ જંગલમાં નીકળી પડે છે. પણ અરે!  સિંહભાઈને તો જંગલમાં બહુ મુશ્કેલી થઈ. ન છલાંગ મારતાં આવડે ને ઝાડીમાં લપાતાં આવડે, ન હવાનો રૂખ પારખતાં આવડે અને એક દિવસ વીલા મોઢે સિંહભાઈ પોતાના પાંજરામાં ભૂખ્યા પેટે પાછા ફર્યા ને વાર્તા પૂરી કરતાં સહદેવે કહ્યું, “જેનો જેવો ઉછેર તેની તેવી દુનિયા.”ભૂલકાંભવનની એક સાંજ પૂરી થઈ, પણ બાળઉછેર અંગે એક બાળકનું વિધાન નવો વિચાર રોપી ગયું.

દુનિયાનાં પૃષ્ઠો ઉપર પ્રેમ અંગે ઘણું છપાયું છે. પરંતુ તાજેતરમાં એક જૈવિક રાસાયણિક પ્રક્રિયા તરીકે પ્રેમ અંગે જે સંશોધનો ઉપલબ્ધ બન્યાં છે તે જોતાં તો સ્પષ્ટ થાય છે કે પ્રેમ એ માનવીય અધિકારની ચેષ્ટાથી પર તેવી સાર્વત્રિક રાસાયણિક ઘટના બની રહે છે. જૈવિક રસાયણશાસ્ત્રના હવે પછીનાં સંશોધનમાંથી કદાચ ફલિત થશે કે બાળકના ઉછેરમાં જેટલો ખોરાક તરીકે રાસાયણિક પ્રક્રિયાનો ફાળો છે, તેથી ઘણો ઓછો ફાળો મા-બાપના ઉછેરની તરાહનો હશે. જ્યારે બીજી તરફ મૅડમ મૉન્ટેસોરીથી શરૂ કરી આપણા બાળશિક્ષણકારોએ બાળકની અભિવ્યકિત તથા વર્તનને મોટેરાંઓના વ્યવહારની આડઅસર તરીકે ગણ્યું છે અને યુવકના અસંગત સામાજિક વર્તન માટે વાલીને જવાબદાર ગણવામાં આવ્યા છે. પરંતુ અહીં બાળકના સામાજિકીકરણ સાથે મા-બાપ કે કુટુંબનાં વાતાવરણ ઉપરાંત, જે જે ઘટનાઓ ભળે છે, તેને બાજુ પર રાખી દેવામાં આવે છે. આથી બાળકોના ઉછેર સંબંધે વાલીઓનાં વર્તન સાથેનો કાર્યકારણનો સંબંધ અર્ધસત્ય બની જાય છે તેમ કહી શકાય.

બાળક વિશાળ સામાજિક વ્યવસ્થાનું અંગ બની રહે તે માટે તેની દરકાર રાખનાર વ્યકિત પાસે કેટલીક સહજ અપેક્ષા હોય છે. પરંતુ આ અપેક્ષાઓને ઘસી- માંજી, કેટલાક બાળશિક્ષણકારોએ બાળકમાં ઈશ્વરનું દર્શન આપ્યું અને સામા પક્ષે, તેના ઉછેર કરનાર વાલીઓમાં પાર વિનાની અણઆવડત રહી છે તેવું કહેવામાં આવ્યું. બાળશિક્ષણકારો તો ત્યાં સુધી કહે છે કે બાળક એક માટીના  પિંડ જેવો છે અને મા-બાપ એક કુશળ કારીગર માફક તેના જીવનને ઘાટ આપી શકે છે. આ વિચાર માટી અને કુંભારીકામનો સહસંબંધ રજૂ કરે છે. પણ માણસ જેવી જૈવિક રાસાયણિક પ્રક્રિયા પર આધાર રાખતા તેમ જ અનેક અનુભવોનો સંચય કરીને કાર્યાન્વિત થતા દેહ માટે વાપરી શકાય નહીં. જેના પ્રમાણરૂપે આજે આપણા દેશના ઈતિહાસમાં અનેક તેજસ્વી વ્યકિતઓનું જીવનકાર્ય મોજૂદ છે, જેમનો ઉછેર અત્યંત પ્રતિકૂળ સ્થિતિમાં થયેલો. બાળક અને વાલીઓનાં વર્તનનો સહસંબંધ હોત તો આજે યુરોપ, અમેરિકાની સામાજિક વ્યવસ્થા તૂટી પડી હોત.

શરીરવિજ્ઞાન સંબંધે તાજેતરનાં સંશોધનથી ફલિત થઈ રહ્યું છે કે શરીરનો પોતાનો રસાયણધર્મ હોય છે, તે તેનો આણ્વિક ધર્મ પણ હોય છે. જે બાબતો માણસના વર્તનને નકકી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સામે આપણે માતા- પિતા કે બાળકની સંભાળ રાખનાર વ્યકિત પાસે જે વર્તન, ગુણવત્તાની અપેક્ષા રાખીએ છીએ, તેનું બાળકના જીવન માટે તો અનુકરણથી વધુ કંઈ મહત્ત્વનું નથી.આ વાત જૈવિક વર્તન સ્વરૂપે દૂધવાલાના પ્રદર્શનમાં પોપટે પણ રજૂ કરી. આપણે સૌ આપણા બાળપણને મળેલા વાર્તાઓના વારસાથી જ બોધતત્ત્વની વંચના કરતાં હોઈએ છીએ. વાર્તાઓના અંત ભાગે પ્રસ્તુત થતું બોધતત્ત્વ અંતે સામાજિક અનુકૂલનનો ભાગ હોય છે અને કંઈક અંશે સુખદ પરિણામલક્ષી યે હોય છે પરંતુ સમગ્ર સૃષ્ટિ ઉપર નિવાસ કરતા જીવનસમૂહના પરિપ્રેક્ષ્યમાં બોધતત્ત્વમાં કંઈ સાર હોતો નથી અને આથી પાંજરામાં પણ સિંહ સુખી હોઈ શકે છે તે વાતનો સ્વીકાર કરવામાં કશું ખોટું નથી.

બાળશિક્ષણ સંબંધે ચિંતન કરનાર લોકોએ બાળકના ઉછેરને મા-બાપના પરિપ્રેક્ષ્યમાં વિચારનો એકાંગી પ્રયત્ન બદલવો જોઈએ અને આજે તો શહેરી સમાજવ્યવસ્થાની દોડધામમાં વાલીઓ બાળઉછેરના કાર્યમાં વધુ સમય વિતાવી શકે તેવી સામાજિક અનુકૂળતા પણ નથી. શહેરીકરણની આડઅસર સાથે આજે અનેક લોકો વહેલી સવારે ટ્રેન કે બસ માર્ગે મુસાફરી કરી પોતાના નિવાસથી ૫૦-7૫ માઈલ દૂરના સ્થળે વ્યવસાય કરવા જાય છે. વીજળી, આવાસ અને પાણી તથા આરોગ્ય પ્રશ્નોના કારણે કુટુંબના અસ્તિત્વને ટકાવી રાખવાનું કામ પણ મા-બાપ માટે પ્રથમ કક્ષાનું બની રહે છે. સાથોસાથ દિનપ્રતિદિન વધતી મોંઘવારીના કારણે ઘરની એક કરતાં વધુ વ્યકિતઓએ અર્થ ઉપાર્જનમાં રહેવું પડે છે.

આ સ્થિતિમાં મા- બાપ ઉપર દોષનો ટોપલો ઓઢાડી દેવા કરતાં બાળકોના ઉછેરની વાત સમગ્ર રીતે વિચારવી પડશે અને સ્વસ્થ વ્યકિતઘડતર માટે સ્વયંભૂ વાતાવરણ તૈયાર કરવાનો વિચાર મૂકવો પડશે. સાથોસાથ શહેરીકરણ આસપાસ ઊભી થયેલ સ્થિતિ જોતાં જણાય છે કે શહેરોની ઝૂંપડપટ્ટીમાં વસતાં બાળકો તેમ જ શહેરોમાં સ્થળાંતર કરી કામચલાઉ નિવાસ કરતાં શ્રમિકોનાં બાળકો કે જેઓને શિક્ષણ સાથે આર્થિક પ્રવૃત્તિઓ આપવી અનિવાર્ય બને છે. તેમના ઉછેર માટે પણ વિચારાશે નહીં, તો મોન્ટેસોરી પદ્ધતિની હિમાયત સૈદ્ધાંતિક રહી જશે અને બાળકોના ઉછેરમાં જોવાતું રાષ્ટ્રનું ભવિષ્ય ધૂંધળું બની જશે.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top