મલેકપુર : મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં અધતન સુવિધાથી સજ્જ સ્પોર્ટ સંકૂલ આજે પણ ધૂળ ખાઇ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા રમશે ગુજરાત, જીતશે ગુજરાત અંતર્ગત રમત ગમતને પ્રોત્સાહન આપવા બનાવવામાં આવેલા સ્પોર્ટસ સંકુલ અધિકારીઓની અણઆવડતના કારણે ધૂળ ખાઇ રહ્યાં છે.
લુણાવાડાના ઈંદિરા મેદાનમાં છેલ્લા કેટલાય વર્ષથી બનાવેલા અધતન સુવિધાથી સજ્જ સ્પોર્ટ્સ સંકૂલ ધૂળ ખાય છે. લાખો રૂપિયા ખર્ચીને બનાવેલા સ્પોર્ટ્સ સંકૂલ છેલ્લા કેટલાય સમયથી બનીને તૈયાર થયેલા છે. પરંતુ હજુ સુધી તેને સ્પોર્ટ્સમાં રસ ધરાવતા બાળકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું નથી. બિલ્ડીંગ બન્યાને લગભગ ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ આ સ્પોર્ટ્સ સંકૂલને લુણાવાડા નગર પાલિકા દ્વારા ખોલવામાં ન આવતા સ્પોર્ટ્સમાં રસ ધરાવતા તમામ વ્યક્તિઓ રોષે ભરાયા છે.
છેલ્લા કેટલાય વર્ષોથી ઈંદિરા મેદાનમાં બનેલા સ્પોર્ટ સંકુલને પાલિકા ખુલ્લુ ન મુક્તા ક્યાંકને ક્યાંક નગરમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. નગરના ઈંદિરા મેદાનમાં પણ ઠેર ઠેર કચરો તેમજ મેદાનનો મુખ્ય દ્વારા પણ કેટલાય સમયથી તૂટેલી હાલતમાં છે. અહીં સ્ટ્રીટ લાઇટ પણ બંધ છે, જેને લઈ કોઈ અનિચ્છનીય બનાવ પણ બની શકે છે. મેદાનમાં ઠેર-ઠેર લોકો ગંદકી કરતાં હોય છે, જેને લઈ રમતવીરો પાલિકા પ્રત્યે રોષે ભરાયા છે. આ બાબતનો યોગ્ય નિકાલ થાય તેવું લુણાવાડાના રમતવીરો ઈચ્છે છે.