વડોદરા: શહેરના શાળા સંચાલકો દ્વારા ફી મામલે મનમાની કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અકોટા વિસ્તારમાં આવેલી કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયમાં સંચાલકો દ્વારા ધો.12ના પરિણામ આપ્યા બાદ શનિવારે પરિણામ લેવા ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓને પૂરેપૂરી બાકી ફી ભરવા જણાવ્યું હતું નહીં તો પરિણામ નહીં મળે તેમ જણાવી મનમાની કરીને વાલીઓને પરત મોકલ્યા હતા. આજે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પરિણામ લેવા ગયા ત્યારે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યુ હતું. ત્યારે વડોદરા યુથ કોંગ્રેસના પ્રમુખ અશફાક મલિકને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતા આ મામલે હસ્તક્ષેપ કરી ધોરણ -12 ના વિદ્યાર્થીઓને રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે 25 ટકા ફી માફી મળે તે માટે જણાવ્યું હતું.
શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ અશફાક મલેક દ્વારા શાળા સંચાલકો સાથે વાતચીત કરી વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. ત્યારબાદ શાળા સંચાલકોએ મચક ના આપતા ડીઈઓ કચેરી દ્વારા કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય ના સંચાલકોને પરિપત્રનો અમલ કરીને વિદ્યાર્થીઓને 25 ટકા ફી માફી આપવાનું જણાવતા શાળા સંચાલકોએ ટ્રસ્ટ સાથે વાટાઘાટો કરીને વિદ્યાર્થીઓને 25 ટકા ફી માફી આપવાનું નક્કી કરીને તેમની 25 ટકા ફી માફી બાદ કરતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને રાહત થઈ ગઈ હતી. આ અંગે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ ડીઈઓ કચેરીના અિધકારી તેમજ યુથ કોંગ્રેસના પ્રમુખ અશફાક મલેકનો આભાર વ્યકત કર્યો હતો.