SURAT

સુરતી ખમણના માલિકનો દીકરો દારૂની હેરાફેરી કરતા પકડાયો

સુરત: સુરતીઓની સવાર જેના ખમણ ખાવાથી પડે છે તે સુરતી ખમણ નાસ્તા સેન્ટરના માલિકનો દીકરો દારૂની ખેપ મારવાના કેસમાં ઝડપાતા મૂળ સુરતીઓમાં સોંપો પડી ગયો છે. સુરતી ખમણવાળાના દીકરાને દારૂનો ધંધો કેમ કરવો પડ્યો તે સવાલ ચર્ચાઈ રહ્યો છે.

  • મહિન્દ્રા પીક અપ ગાડીમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો હતો
  • પીસીબીએ છાપો મારી ત્રણને 5.74ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા, પાંચ વોન્ટેડ

પોલીસ નજરથી બચવા પ્લાસ્ટિકના કેનોની અંદર તથા મહિન્દ્રા પીક અપ ગાડીમાં ચોર ખાના બનાવી તેમાં દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરતા સુરતી ખમણના માલિકના પુત્ર સહિત ત્રણની પીસીબીએ ધરપકડ કરી હતી. સેલવાસથી માલ મંગાવનાર અને માલ મોકલનાર 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કુલ 5.74 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

પીસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પો.કો મિતેષભાઇ મનસુખભાઇ તથા પો.કો શૈલેષભાઇ અશ્વીનભાઇને એક સફેદ કલરના મહિન્દ્રા પીક અપ (જીજે-06-એવી-5583) માં ત્રણ જણા દારૂનો જથ્થો ભરી લાવ્યા છે. અને હાલ આ ગાડી અડાજણ, આનંદ મહલ રોડ, શ્રીજી આર્કેડની સામે સુરતી ખમણ નામની દુકાનની સામે રોડ ઉપર ઉભી હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે પીસીબી પોલીસની ટીમે રેઈડ કરી આરોપી હર્ષ ભરતભાઇ ઠક્કર (ઉ.વ.૨૮, રહે. ફ્લેટ નં.ઇ/૮, SMC ટેનામેન્ટ, શ્રીજી આર્કેડ સામે, આનંદ મહલ રોડ, અડાજણ) તથા (ઘર નં.૯/૮૮૭, અંબાજી રોડ, ચોર્યાસી ડેરીની બાજુમાં, ભાગળ), સરોજ ઉર્ફે છોટુ લલ્લન યાદવ (ઉ.વ.૨૫, રહે. ઘર નં.૧૦૨, ક્રિષ્ણકુંજ સોસાયટી, નેત્રંગ ગામ, કામરેજ તથા મુળ જી.છપરા બિહાર), ઝાલારામ બાબુલાલ બિસ્નોઇ (ઉ.વ.૨૧, રહે. યોગી હિલ્સ બીલ્ડીંગ, ઓલ્ટન ફાલીયા ગામ, કરમવેલી, સેલવાસા તથા મુળ જી.બાડમેર, રાજસ્થાન) ને સ્થળ પરથી બાતમી મુજબની બોલેરો પીકઅપ સાથે ઝડપી પાડ્યો હતો.

પોલીસ નજરથી બચવા પ્લાસ્ટીકના કેનોની અંદર તથા મહિન્દ્રા પીક અપ ગાડીમાં ચોર ખાના બનાવી તેમા દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરતા હતા. પોલીસને ગાડીમાંથી 1.97 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ સિવાય મોબાઈલ ફોન મળીને કુલ 5.74 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

સેલવાસ ખાતેથી દારૂનો જથ્થો મોકલનાર તથા અત્રે દારૂનો જથ્થો લેનાર આરોપી સુરેશ બિસ્નોઇ (રહે. ઓલ્ટન ફાલીયા ગામ, કરમવેલી, સેલવાસા મુળ. ચેતલવાના ગામ, તા.ચેતલવાના જી.ઝાલોર, રાજસ્થાન) તથા મુકેશ મોહનલાલ સુથાર (રહે. ઓલ્ટન ફાલીયા ગામ, કરમવેલી, સેલવાસા મુળ રાજસ્થાન), રામજીભાઇ ઘનશ્યામભાઇ રંગાણી (રહે. સુરત), યશ મહેશભાઇ પરમાર (રહે. બિલ્ડિંગ નં.સી, SMC ટેનામેન્ટ, શ્રીજી આર્કેટ સામે, આનંદ મહલ રોડ, અડાજણ) તથા હેમંત આહીર (રહે.ડામકા, ઓલપાડ) ને વોન્ટેડ જાહેર કરાયા હતા.

Most Popular

To Top