પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીને પાસ કરવામાં આવ્યો હોવાનું કૌભાંડ બહાર આવવા પામ્યું છે. જે નાપાસ વિદ્યાર્થીને પાસ કરવામાં આવ્યો છે, તે ભાજપના અગ્રણીનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018માં પ્રથમ વર્ષ એમબીબીએસ ( MBBS) ની પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરીક્ષાના પરિણામ બાદ 10 વિદ્યાર્થીઓએ રી- એસેસમેન્ટ માટે અરજીઓ કરી હતી. જેમાં તપાસ કરતાં ગેરરીતિ બહાર આવી હતી. આ સમગ્ર તપાસ માટે યુનિવર્સિટીએ ખાસ સમિતિની રચના કરી હતી.
તપાસ સમિતિના રિપોર્ટ મુજબ દસ વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં ફેરફાર થયા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓના નામ બહાર આવ્યા હતા. આ ત્રણેય વિદ્યાર્થીઓની જવાબવહીમાં મૂલ્યાંકન કરનાર નિરીક્ષકની સહિ તેમાં ન હતી. બ્લોક સુપરવાઇઝરના રિપોર્ટમાં જે બેઠક નંબર દર્શાવવામાં આવ્યો છે. તે નંબર ઉપર ઉત્તરવહી કરતા જુદા પડે છે. જેમાં ૩૯૨ નંબરના વિદ્યાર્થીનું નામ પાર્થ અશોક મહેશ્વરી હોવાનું સામે આવ્યું છે. આ વિદ્યાર્થી પાર્થના પિતા અશોક મહેશ્વરી પાલનપુર ભાજપના અગ્રણી છે તેમજ વિદ્યાર્થીની માતા હર્ષાબહેન મહેશ્વરી પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા. હાલમાં પાલનપુર નગરપાલિકા ભાજપ શાસક પક્ષના નેતા છે.
કથિત ગેરરીતિઓની તપાસ માટે ઉચ્ચ શિક્ષણ નિયામકની તપાસ અધિકારી તરીકે નિમણૂંક
પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિના કેસની તપાસ માટે રાજ્યના ઉચ્ચશિક્ષણ નિયામક એમ. નાગરાજનની તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે વર્ષ ૨૦૧૮માં ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં રિ-એસેસમેન્ટમાં થયેલ કથિત ગેરરીતિ માટે બે સભ્યોની કમિટીની નિમણૂંક કરવામાં આવી હતી. તેના દ્વારા રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિ કેસની યોગ્ય તપાસ કરી તેમાં કોણ દોષી છે, અને તેમાં શું થયું છે. તે અંગેના યોગ્ય રીપોર્ટ યુનિવર્સિટીમાં સબમીટ કર્યા છે. આ કેસમાં કોણ કોણ દોષિત છે, તેમની સામે યોગ્ય પગલાં ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ નિયામક આઇ.એ.એસ અધિકારી નાગરાજનની આ કેસની વિગતો સુધી પહોંચવા માટે તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તપાસ અધિકારી નાગરાજન યુનિવર્સિટીમાં સબમીટ થયેલા રિપોર્ટમાં યોગ્ય ચકાસણી અને અભ્યાસ કરી જે કોઇ દોષી હશે તેનો રિપોર્ટ સરકારને આપશે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રિ-એસએસમેન્ટની ગેરરીતિ અંગે રાજ્ય સરકાર દ્વારા આઈએએસ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. તેની સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે, અને આ તપાસ આઈએએસ અધિકારીને નહીં, પરંતુ ન્યાયિક તપાસ સોંપવાની માંગ કરી છે.
કોરી ઉત્તરવહી અને સપ્લીમેન્ટરી કોના ઇશારે અપાઈ: કોંગ્રેસ
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસના નાપાસ વિદ્યાર્થીને પાસ કરાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડમાં ઉત્તરવહી અને સપ્લીમેન્ટરી કોરી કોના ઇશારે યુનિવર્સિટીમાં ઉપલબ્ધ કરવામાં આવી છે ? તેવો સણસણતો સવાલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યની દરેક યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓ માટેની જોગવાઈ સ્પષ્ટ છે. તો પછી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગુણ સુધારણા કૌભાંડમાં નિયમો નેવે કોને મૂક્યા ? ગુણસુધારા કરેલી સપ્લીમેન્ટરી ઉપર સુપરવાઈઝરની સહી કેમ નથી ? ગુણસુધારણા કૌભાંડમાં જે તે વિદ્યાર્થીની મૂળ ઉત્તરવહી સાથે જવાબ લખેલી સહી વગરની સપ્લીમેન્ટરી કોરી કઈ રીતે દાખલ થઈ, કોણે લાવી આપી, કયા અધિકારી યુનિવર્સિટીના વગ ધરાવતા સત્તાધીશોએ સમગ્ર કૌભાંડમાં ભાગ ભજવ્યો છે ? તેમજ પરીક્ષાની કોરી ઉત્તરવહી સપ્લીમેન્ટરી સરળતાથી બજારમાં ઉપલબ્ધ થાય છે કે, પછી પરીક્ષા વિભાગમાં જ કૌભાંડ માટે મદદગારી કરવામાં આવે છે. તેવા વેધક સવાલો કર્યા હતા.