ભારતમાં રોજના ૮૭ બળાત્કાર થાય છે, પણ રાષ્ટ્રીય દૈનિક અખબારોની હેડલાઈનમાં તેને ભાગ્યે જ સ્થાન મળે છે, પણ દિલ્હીમાં નવ વર્ષની દલિત કન્યા પર તથાકથિત રેપ કરીને તેની તથાકથિત હત્યા કરી નાખવામાં આવી તેનો વિવાદ ચગાવવા પાછળ કેવળ રાજકીય ગણતરીઓ છે. હજુ તો કન્યા પર રેપ થયો હતો કે કેમ? તેની હત્યા થઈ હતી કે કેમ? તેનો નિર્ણય જ કરવામાં આવ્યો નથી.
ત્યાં રાજકીય પક્ષના નેતાઓ તેમાંથી પોતાનો ફાયદો શોધતા મેદાનમાં આવી ગયા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તથાકથિત પીડિત પરિવારને સાંત્વના આપવા તેમના ઘરે પહોંચી ગયા છે. સરકાર પર હુમલો કરવાની તક મળી હોવાના ઉત્સાહમાં તેમણે તથાકથિત રેપપીડિત દલિત કન્યાના પરિવારની ઓળખ છતી કરતાં રાષ્ટ્રીય મહિલા આયોગે તેમને નોટિસ ફટકારી દીધી છે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ વર્ષોથી માગણી કરી રહ્યા છે કે દિલ્હીનું પોલીસ તંત્ર તેમના હેઠળ હોવું જોઈએ. કેન્દ્ર સરકાર તેમને કોઠું આપતી નથી. તાજેતરમાં દિલ્હીના પોલીસ કમિશનર તરીકે રાકેશ આસ્થાનાની નિમણૂક કરવામાં આવી તેની સામે પણ કેજરીવાલને વાંધો છે. તેમણે તેમની સામે વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો છે. તેમને તો આ તથાકથિત રેપમાં કેન્દ્ર સરકારને અને ખાસ કરીને દિલ્હી પોલીસને બદનામ કરવાની તક મળી ગઈ હોવાથી તેમણે તરત દિલ્હી શહેરમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની ટીકા કરીને પીડિત કન્યાના પરિવાર માટે દસ લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે.
તથાકથિત રેપનો ભોગ બનેલી કન્યા દલિત હોવાથી માયાવતીએ પણ તેની નિંદા કરતું નિવેદન બહાર પાડ્યું છે અને માયાવતીના હરીફ ભીમ આર્મીએ તો દિલ્હીમાં કેન્ડલ માર્ચનું પણ આયોજન કર્યું છે. ભારતમાં રેપની ઘટનાઓ વધવાનું મુખ્ય કારણ પોર્નોગ્રાફીનો વધતો પ્રચાર છે, પણ તાજેતરમાં પકડાયેલા પોર્ન રેકેટના વિરોધમાં કેન્ડલ માર્ચ કાઢવાનો વિચાર કોઈ રાજકીય નેતાને આવતો નથી.
આ લેખના હેડિંગમાં અને મેટરમાં વારંવાર ‘તથાકથિત’ રેપ અને ‘તથાકથિત’ મર્ડર શબ્દોનો ઉપયોગ કરવાનું કારણ એ છે કે સમગ્ર ઘટનાક્રમ જોતાં પ્રાથમિક દૃષ્ટિએ રેપ કે મર્ડર થયું હોવાના કોઈ પુરાવા મળતા નથી. જો ઘટનાક્રમની વાત કરીએ તો દલિત કન્યા તેના માતાપિતા સાથે દક્ષિણ-પશ્ચિમ દિલ્હીનાં નાનાં ગામડાંમાં સ્મશાન નજીક રહેતી હતી. રવિવારે તેના માતાપિતા કોઈ મંદિરે દર્શન કરવા ગયા હતા. મંદિરેથી આવીને કન્યાના પિતાએ તેને સ્મશાનના કુલરમાંથી ઠંડું પાણી લાવવાનું કહ્યું. સ્મશાનમાં શું બન્યું તે કોઈને ખબર નથી. લગભગ સાંજે ૬ વાગ્યે કેટલાક લોકો કન્યાના ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે રાધેશ્યામ નામનો મંદિરનો પૂજારી તેને સ્મશાનમાં બોલાવે છે. માતા સ્મશાને પહોંચી ત્યારે તેણે કન્યાનો મૃતદેહ જોયો. માતાના કહેવા મુજબ તેના શરીરે ઇજાના નિશાન હતા, તેના હોઠ કાળા પડી ગયા હતા અને જીભ નીલા રંગની થઈ ગઈ હતી.
કન્યાની માતાને કહેવામાં આવ્યું કે તેની દીકરીને ઇલેક્ટ્રિક શોટ લાગતાં તેનું મરણ થયું છે. પૂજારી સાથે બીજા ત્રણ પુરુષો પણ હતા. માતાએ કહ્યું કે તે ૧૦૦ નંબર ડાયલ કરીને પોલીસને બોલાવવા માગે છે. તેમણે કન્યાને કહ્યું કે જો પોલીસને જાણ કરવામાં આવશે તો પોસ્ટ મોર્ટમ કરવું પડશે. તે માટે મૃતદેહને હોસ્પિટલમાં લઈ જવામાં આવશે અને ત્યાં તેના શરીરનાં અંગો કાઢી લેવામાં આવશે. આટલું કહી તેમણે કન્યાના અગ્નિસંસ્કાર કરવાનો પ્રારંભ કર્યો. તેમણે કન્યાની માતાને એક રૂમમાં પૂરી દીધી. તે ચીસો પાડતી રહી અને તેમણે મૃતદેહને લગભગ બાળી નાખ્યો. ત્યાર બાદ તેમણે માતાને તેના ઘરે જવાની છૂટ આપી અને કહ્યું કે, હવે બૂમો પાડવાની જરૂર નથી.
કન્યાની માતા પોતાના ઘરે પહોંચી અને રાતે ૮ વાગ્યે પોતાના પરિવારના સભ્યોને લઈને પાછી ફરી. પરિવારના સભ્યોએ ચિતા પર પાણીની બાલદીઓ રેડીને આગને બૂઝાવવાની કોશિષ કરી, પણ ત્યારે મોડું થઈ ગયું હતું. કન્યાનો મૃતદેહ લગભગ બળી ચૂક્યો હતો. માત્ર તેના પગ બળવાના બાકી હતા.
કન્યાના માતાપિતાને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. માતાના આક્ષેપ મુજબ ત્યાં તેમની મારપીટ કરવામાં આવી હતી. ત્યાં તેમને અલગ અલગ રૂમોમાં રાખવામાં આવ્યા હતા. દક્ષિણ મુંબઈના ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રતાપ સિંહ કહે છે કે તેમણે કન્યાના માતાપિતાને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યાં હતાં, કારણ કે તેમણે મેજિસ્ટ્રેટની હાજરીમાં તેમનું નિવેદન લેવાનું હતું અને સોશ્યલ વર્કરની પણ રાહ જોવાની હતી, માટે સમય લાગ્યો હતો. પોલીસે સ્મશાનના વોટર કુલરની તપાસ કરી તો તેમાં ખરેખર વીજળીનો કરન્ટ લાગતો હતો.
આ ઘટનાક્રમ પરથી ખ્યાલ આવે છે કે કન્યા પર રેપ થયો હોવાના કે તેનું મર્ડર થયું હોવાના કોઈ પ્રથમદર્શી પુરાવા જ નથી. પોલીસના કહેવા મુજબ કન્યાના માતાપિતા જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યા ત્યારે તેમણે પણ કન્યાનું મરણ વીજળીનો કરન્ટ લાગીને થવાની જ વાત કરી હતી. પાછળથી કોઈની ચડામણીને કારણે તેમણે રેપ અને મર્ડરની વાત કરી હતી. કદાચ કોઈ રાજકીય નેતા દ્વારા વિવાદ ચગાવવા માટે રેપ અને મર્ડરની વાત વહેતી મૂકવામાં આવી હતી.
હવે પરિસ્થિતિ એવી છે કે કન્યાનો મૃતદેહ લગભગ બળી ગયો છે. તેનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવે તો પણ તેના પર રેપ થવાના પુરાવા મળી શકે તેમ નથી. પોલીસ દ્વારા ચાર આરોપીઓનાં વસ્ત્રો કબજે કરવામાં આવ્યાં છે. જો તેના પર વીર્યના ડાઘા મળી આવે તો રેપની પુષ્ટિ થઈ શકે. વળી કન્યા પર રેપ થયો હોય તેમ સાબિત થાય તો પણ તેનું મર્ડર થયાનું સાબિત કરવું કઠિન પુરવાર થશે.
દલિત કન્યાના તથાકથિત રેપ અને તથાકથિત મર્ડરને ચગાવવાનું મુખ્ય કારણ એ છે કે તેમાં ડાબેરી પક્ષોને તેમ જ વિપક્ષોને સરકાર સામે ફેંકવાનો ચિક્કાર દારૂગોળો મળી રહે તેમ છે. કન્યા દલિત હોવાથી તેમના પ્રચારને વેગ મળશે કે ભારતમાં દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે. રેપ અને મર્ડર બદલ જે ચાર ઇસમોની ધરપકડ કરવામાં આવી છે તેમાંનો એક બ્રાહ્મણ પૂજારી પણ છે. તેને કારણે ભારતમાં ઉચ્ચ વર્ણના બ્રાહ્મણો સદીઓથી દલિત પ્રજાનું શોષણ કરતા હતા, એવા ડાબેરી પક્ષોના આક્ષેપને પણ પુષ્ટિ મળે છે, પણ ત્યાં એક તકલીફ છે. કન્યા પર તથાકથિત રેપ કરવા બદલ સ્મશાનના જે ત્રણ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમાં બે હિન્દુ છે, પણ એક મોહમ્મદ સલિમ નામનો મુસ્લિમ પણ છે. રાજકીય નેતાઓ તેના નામનો ઉલ્લેખ જ કરતા નથી.
આ ઘટનાક્રમ પરથી ખ્યાલ આવશે કે હજુ તો દલિત કન્યા પર રેપ કે મર્ડરના કોઈ પ્રથમદર્શી પુરાવાઓ પણ મળ્યા નથી ત્યાં વિપક્ષો દ્વારા બૂમરાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેના પરથી ખ્યાલ આવે છે કે તેમને દલિત કન્યાની કે તેના પરિવારની ફિકર નથી પણ પોતાનો રાજકીય રોટલો શેકવામાં જ રસ છે. જો કોઈ દલિત કે મુસ્લિમ પુરુષ દ્વારા કોઈ સવર્ણ કન્યા પર બળાત્કાર થયો હોત (થાય પણ છે) તો તેમણે તે ઘટનાની નોંધ પણ ન લીધી હોત.
જો રાજકીય નેતાઓ ભારતમાં ખરેખર બળાત્કારની ઘટના રોકવા માગતા હોય તો તેમણે પોર્ન ફિલ્મો બનાવનારા અને તેનો પ્રચાર કરનારા લોકો સામે કેન્ડલ માર્ચ કાઢવી જોઈએ અને તેમને ફાંસીની સજા આપવાની માગણી કરવી જોઈએ. તેઓ તેમ કરવા તૈયાર નથી થતા, કારણ કે તેમાંથી તેમને કોઈ રાજકીય લાભ મળતો નથી. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.