વાપી : વાપી (Vapi) રેલવે સ્ટેશન પર ગુદામાર્ગમાં સંતાડી સોનાના (Gold) બે બિસ્કીટ (Biscuits) લઈ જતા શખ્સને ડીઆરઆઈની (DRI) ટીમે ઝડપી પાડ્યો હતો. રૂ.૨૫ લાખની કિંમતના ૫૦૦ ગ્રામના સોનાના બે બિસ્કીટ કબજે લઈ મૂળ મધ્યપ્રદેશના મયંક જૈનની ધરપકડ કરી ડીઆરઆઈની ટીમે તપાસ હાથ ધરી છે. દુબઈથી અમદાવાદ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉતરીને ગુજરાત એક્સપ્રેસમાં મયંક જૈન મુંબઈ જતો હતો. ત્યારે ટ્રેનમાં વાપી તેમજ સુરતની ડીઆરઆઈની ટીમે તેને ઝડપી પાડી વાપી રેલવે સ્ટેશન પર ઉતારી તેની તપાસ હાથ ધરી છે.
- દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઈ જતો હતો
- ડીઆરઆઈ વાપી અને સુરતની ટીમે ૨૫ લાખના સોનાની દાણચોરી પકડી પાડી
દુબઈથી ઇન્ડિયામાં ગોલ્ડ લાવી તેની કસ્ટમ ડ્યુટી નહીં ભરી દાણચોરી કરવાનો સિલસિલો શરૂ થયો છે. મૂળ મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લાના રહેવાસી હાલ મુંબઈમાં રહીને સોનાની દાણચોરી કરતી ગેંગ માટે દુબઈમાં ખેપ મારતો હતો. સોનાની દાણચોરી કરતી ગેંગના કેરિયર તરીકે મયંક જૈનને કહે છે કે દરેક ટ્રીપના ૨૦,૦૦૦ રૂપિયા મળતા હતા. દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને મયંક જૈન ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઈ જવા નીકળ્યો હતો. ડીઆરઆઈની વાપી તેમજ સુરતની ટીમને બાતમી મળી હતી કે દુબઈથી સોનાની દાણચોરી કરીને એક શખ્સ મુંબઈ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે ડીઆરઆઈની ટીમે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં વાપી પહેલા જ મયંક જૈનને ઝડપી પાડી વાપી રેલવે સ્ટેશન પર ઉતારી તેની તપાસ હાથ ધરી હતી. મયંક પાસે ગોલ્ડ નહીં મળતા ડીઆરઆઈની ટીમે તેના એક્સ-રે કઢાવતા ગુદામાર્ગમાં બે ગોલ્ડના કેપ્સુલ મળી આવ્યા હતા. રૂ.૨૫ લાખની કિંમતના ૫૦૦ ગ્રામના બે સોનાના બિસ્કીટ કબજે લઈ મયંક જૈનની ધરપકડ કરીને ડીઆરઆઈની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.