Columns

દર્પણની શીખ

કોશલ દેશમાં રામદાસ ગુરુજીનો આશ્રમ દેશભરમાં પ્રખ્યાત હતો. પુરા દેશમાંથી શિષ્યો તેમની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા આવતા.આશ્રમમાં સૌમ્ય નામનો એક ખૂબ જ ગુણી શિષ્ય હતો.ગુરુજીનો પણ તે પ્રિય શિષ્ય હતો.વિદ્યા પ્રાપ્ત કરીને સૌમ્ય જયારે ગુરુજી પાસે વિદાય લેવા આવ્યો ત્યારે ગુરુજીએ કહ્યું, ‘શિષ્ય, આજે તને હું એક ભેટ આપવા માંગું છું.’ આટલું કહીને ગુરુજીએ એક દર્પણ સૌમ્યના હાથમાં આપ્યું અને કહ્યું, ‘શિષ્ય આ એક સિદ્ધ અરીસો છે. તેમાં દરેક વ્યક્તિના અવગુણો જોઈ શકાય છે.આ અરીસો હું તને આપું છું.પણ તેનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરજે.’

સૌમ્યે અરીસો લીધો અને તે મનની જિજ્ઞાસા રોકી શક્યો નહિ; તેણે અરીસો તરત ગુરુજી સમક્ષ ફેરવ્યો અને તેને દેખાયું કે આટલા જ્ઞાની ગુરુજીમાં પણ આળસ, ક્રોધ, મોહ જેવા અવગુણ છે.’ સૌમ્યને આ જાણીને થયું પણ તે ચુપચાપ દર્પણ લઈને ઘરે ચાલ્યો ગયો.ઘરે પહોંચીને તેને પોતાના મિત્રો, સ્વજનો અને પરિવારજનો પર આ દર્પણનો ઉપયોગ કર્યો અને તેને જોયું કે દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ અવગુણ છે જ. હવે સૌમ્યના મનમાં એક અજબ ધૂન સવાર થઈ ગઈ. તે બસ આ દર્પણની મદદથી એવો માણસ ગોતવા નીકળ્યો જેમાં પોતાની જેમ કોઈ અવગુણ ન હોય.તે એમ જ માનતો હતો કે તેનામાં કોઈ અવગુણ નથી.તે ગામ ગામ ફરવા લાગ્યો અને જે મળે તેની દર્પણમાં ચકાસણી કરવા લાગ્યો. તેને દરેક જણના દર્પણમાં પડતા પ્રતિબિંબમાં કોઈ ને કોઈ અવગુણ જ દેખાયા.તેને કોઈ એવું ન મળ્યું કે જેમાં કોઈ અવગુણ ન હોય.તેનું મન ખિન્ન થઇ ગયું અને પછી એક છાનું અભિમાન પણ જાગ્યું કે બધામાં અવગુણ છે. મારામાં કોઈ અવગુણ નથી.

એક દિવસ તે દર્પણ લઈને ગુરુજીને મળવા ગયો અને કહ્યું, ‘ગુરુજી, આ દર્પણ દ્વારા હું જેને મળ્યો છું બધાની ચકાસણી કરી મને બધામાં અવગુણ દેખાયા જ છે.’ ગુરુજી ઊભા થયા અને સૌમ્યના હાથમાંથી દર્પણ લઈને તેની સામે જ ધરી દીધો.સૌમ્યે પોતાનું પ્રતિબિંબ જોયું અને દેખાયું કે પોતાની અંદર અભિમાન, અજ્ઞાન , ઈર્ષ્યા જેવા અનેક અવગુણ ભરેલા છે.તે તો પોતાની અંદર કોઈ અવગુણ નથી તેમજ માનતો હતો.

ગુરુજી બોલ્યા, ‘સૌમ્ય, આ સચ્ચાઈ છે જો.દરેક માણસમાં એક નહિ તો બીજો અવગુણ હોય જ છે.અવગુણ હોવો ખરાબ વાત નથી પણ તેના વિષે જાણીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં જીવનની સફળતા છે.મેં તને આ દર્પણ બીજા લોકોના અવગુણો જોવા નહિ, પણ પોતાના અવગુણો જોઈને તેને દૂર કરી તું તારું જીવન સફળ બનાવે તે માટે આપ્યો હતો.’ સૌમ્યને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેણે પોતાના અવગુણો દૂર કરવાનું નક્કી કરી લીધું.    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top