નડિયાદ: નડિયાદમાં તંત્રની અણઆવડત દરેક કામોમાં ઉજાગર થઈ રહી છે. તાજેતરમાં ચૂંટણી સમયે વર્ષોથી બિસ્માર ચકલાસી ભાગોળથી કબ્રસ્તાન ચોકડી સુધીનો રોડ બનાવવામાં આવ્યો હતો. જો કે, રોડ બનાવતા સમયે તંત્રના સમન્વયના અભાવે રોડ પર વચ્ચોવચ આવેલી ગટરોના ઢાંકણ ઉંચા લેવાયા ન હતા. પરીણામે ત્યાં રોડ ઉંચો થઈ જતા ઢાંકણની જગ્યાએ અકસ્માત સર્જે તેવા ખાડા દેખાઈ રહ્યા છે.
ચકલાસી ભાગોળથી મરીડા ભાગોળ થઈ કબ્રસ્તાન ચોકડી તરફ જતા રોડ પર તંત્ર દ્વારા નવો ડામર રોડ બનાવાયો છે. જો કે, આખા રસ્તા પર ગટરલાઈન વચ્ચે જ છે અને રોડના કામકાજ દરમિયાન અહીંયા ગટરોના ઢાંકણા ઉંચા કરવાનું કોઈ આયોજન ન કરાતા ઢાંકણા રોડ કરતા ઉંડા રહી ગયા છે અને ત્યાં ખાડા પડી ગયા છે. અહીંયા રાત્રિના સમયે લાઈટોનો અભાવ હોવાના કારણે વાહનચાલકો રોડ પર પછડાતા હતા. જેના કારણે સ્થાનિકો દ્વારા ત્યાં લાકડા રોડી અને પથ્થરોથી પુરાણ કરી પ્રાથમિક ધોરણે બચાવ માટે ઉપાય કર્યો છે. આખા રસ્તા પર આ હાલત થતાં જ્યાં રહેણાંક વિસ્તાર નથી, ત્યાં આ પ્રકારના ખાડા પુરવાની તસ્દી તંત્રએ લીધી નથી. જેના કારણે અકસ્માત સર્જાય તેવી ભીંતિ છે. આ સંદર્ભે તંત્ર દ્વારા વહેલીતકે યોગ્ય નિકાલ લવાય તે જરૂરી બન્યુ છે.