લુણાવાડા : મહીસાગર જિલ્લામાં શુક્રવારે ૭માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ લુણાવાડાના વીરણીયા પ્રાથમિક શાળા ખાતેથી કલેક્ટર મનીષકુમારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો. બાલાસિનોર તાલુકામાં ગજા પગીના મુવાડા ખાતે, વીરપુર તાલુકાના કોયડમ ખાતે, ખાનપુર તાલુકામાં ચારણના દેગમડા ખાતે, સંતરામપુર તાલુકામાં બટકવાડા ખાતે અને કડાણા તાલુકામાં દીવડા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમો યોજાયા હતો. જેમાં ગામોના અને નગર વિસ્તારના નાગરીકો દ્વારા મળેલા પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કલેક્ટર મનીષકુમારે જણાવ્યું હતું કે, પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષા પુર્ણ કરવા સાથે એકપણ સાચો લાભાર્થી સરકારી લાભોથી બાકાત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ અમલમાં આવ્યો છે. પહેલા વિવિધ સરકારી સેવા યોજનાઓનાના લાભ, કામ માટે પોતાના કામ ધંધા, ખેતી કામ છોડીને તાલુકા-જિલ્લામાં જવુ પડતુ હતું. પરંતુ સરકારે તે ઉદેશ્ય બદલીને સરકારના તમામ અધિકારી કર્મચારીઓને તમારા દ્વારે મોકલ્યા છે. સાથે દરેક યોજનાની માહિતી પણ આ કાર્યક્રમમાં મળવાની છે.
આ સેવાસેતુમાં જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણીએ જણાવ્યું કે, સરકાર તમારા દ્વારે આ થીમના હેતુથી સેવાસેતુનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યક્તિલક્ષી રજુઆતોના નિકાલ માટે આવક, જાતિ, ક્રિમિલિયર, ડોમિસાઇલ, પ્રમાણપત્રને લગતા દાખલાઓ તેમજ રેશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડમાં નામ નોધાવવાની અરજીઓ, મા અમૃતમ યોજના તથા વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ કરવા, રાજ્ય સરકારની કૃષિ, પશુપાલન, સહકાર, વાહન વ્યવહાર, ઇ સ્ટેમ્પીંગ સેવા, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણની યોજનાઓ હેઠળ વ્યક્તિલક્ષી લાભો માટે અરજીઓ વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજના લાભો, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના માટેની વિગતો આપી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ જયંતીકાબેન પટેલ, પ્રાંત અધિકારી બ્રિજેશ મોડીયા, હેલ્થ ઓફીસર, સરપંચ ઉદેસિંહ ચૌહાણ વિગેરે હાજર રહ્યાં હતાં.