Comments

જાતિગત સમાનતાની ભાવના ફક્ત ત્વચા જેટલી જ ઊંડી છે

કેટલાક ભ્રમ એટલા સોહામણા હોય છે કે એને પાળવાની અને પંપાળવાની મઝા આવે. આપણી આંખ મીંચી દેવાથી સૂરજના અસ્તિત્વને નકારવાનો આનંદ જુદો છે. બિલકુલ આવી જ સ્થિતિ જાતિગત ભેદભાવની સમસ્યા બાબતે છે. શહેરમાં રહેતાં ઘણાં લોકો માને છે કે હવે જાતિગત ભેદભાવ બાબતે ‘પહેલાં જેવું’ રૂઢિચુસ્ત વાતાવરણ રહ્યું નથી અને કદાચ થોડું ઘણું એવું હશે તોય ગામડાંમાં હશે. વિશ્વની બીજી જાતિઓના જાતિગત ભેદભાવના વલણ વિશે ખાસ ખ્યાલ નથી, પણ સરેરાશ ભારતીયની આ મોટી નબળાઈ છે. ઉચ્ચ મનાતી અને માત્ર એ જ કારણથી અમુક વિશેષાધિકારને પાત્ર બની જતી જાતિનાં ઘણાં બધાં લોકોના મનમાં જાતિગત ભેદભાવનાં મૂળિયાં અત્યંત ઊંડાં ઊતરેલાં છે.

દલિત મનાતાં લોકો સાથે તેઓ સમાનતાનો વ્યવહાર કરીને જાણે કે તેમની પર ઉપકાર કરતા હોય એવું તેમનું વલણ જોવા મળે છે. એકવીસમી સદીના આ ત્રીજા દાયકામાં પણ જાતિગત ભેદભાવના કિસ્સા અવારનવાર પ્રસારમાધ્યમોમાં ચમકતા રહે એ સૂચવે છે કે એકવીસમી સદી કેલેન્ડરમાં ભલે બેસી ગઈ હોય, ઘણાં બધાં લોકોની માનસિકતામાં હજી એ પ્રવેશી નથી.  ગયા મહિને આવો જ એક બનાવ ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાની દઉદાપુર પ્રાથમિક શાળામાં બન્યો. આ શાળાની મધ્યાહ્ન ભોજન યોજના બાબતે ભેદભાવ આચરવામાં આવતો હોવાની ફરિયાદ મળી હતી. એ મુજબ શાળામાં અભ્યાસ કરતાં દલિત અને બિનદલિત સમુદાયનાં બાળકો દ્વારા ઉપયોગમાં લેવાતાં વાસણોને અલગ મૂકવામાં આવતાં હતાં. જાણવા મળ્યું કે દલિત સમુદાયનાં બાળકોનાં વાસણોને રસોઈ બનાવનાર બહેનો હાથ સુદ્ધાં લગાવતી નહોતી. આ શાળાનાં આચાર્યાને બરતરફ તેમ જ બન્ને રસોઈ બનાવનારને તગેડી મૂકવામાં આવ્યાં છે.

ફરિયાદને પગલે શાળામાં તપાસ માટે આવેલી ટીમે નજરે આ જોયું અને તેમણે પૂછપરછ કરતાં કોઈએ આ વાત છુપાવી નહીં. રસોઈ બનાવનાર બહેનોએ કહેલું કે તેમને એમ કરવા માટે ફરજ પાડવામાં આવશે તો પોતે કામ છોડી દેવું પસંદ કરશે. આનો મતલબ એ થયો કે પોતે જે કરી રહ્યાં હતાં એ સૌ એકદમ સભાનતાપૂર્વક, કશાય અપરાધબોધ વિના અને એમ જ હોય એવું સ્વીકારીને કરી રહ્યાં હતાં. આચાર્યાને બરતરફ કરવાના પગલાંના વિરોધમાં આ શાળામાં ભણતાં બાળકોનાં માવતરોએ પોતાનાં સંતાનોને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું હતું.

આ બરતરફીના પગલે શાળાનાં તમામ બાળકો કોઈ પણ જાતના ભેદભાવ વિના ભેગાં બેસીને જમતાં હોવાનું અને આ સમસ્યાનો ઉકેલ આણી દેવાનું જણાવાયું હતું. આટલી સરળતાથી જાતિગત માનસિકતાનો ઉકેલ મળી જતો હોત તો જોઈએ શું? બીજો બનાવ ઉત્તર પ્રદેશના અમેઠીનો છે.  કુસુમ સોની નામનાં આ શિક્ષિકા બાળકો સાથે જાતિગત ભેદભાવ આચરતાં હતાં. એક વિદ્યાર્થીના પિતાએ આ શિક્ષિકા દલિત બાળકોને મારતાં હોવાનો તેમજ ભોજન દરમિયાન તેમને ઉચ્ચ મનાતી જાતિનાં બાળકોથી અલગ બેસાડતાં હોવાનો આક્ષેપ કર્યો હતો. અલબત્ત, આ શિક્ષિકાએ આક્ષેપને નકારી કાઢ્યો હતો અને પોતે મહામારીને કારણે તેની માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યાં હોવાનો દાવો કર્યો હતો.

બેએક વર્ષ અગાઉ ઉત્તર પ્રદેશના બલિયાની એક શાળામાં મધ્યાહ્ન ભોજન દરમિયાન આવો જ કિસ્સો અખબારોમાં ચમક્યો હતો. આ શાળામાં કહેવાતી ઉચ્ચ જાતિનાં બાળકો ભોજન માટેનાં વાસણો પોતાને ઘેરથી લઈને આવતાં હતાં. તેઓ અન્ય બાળકોથી અલગ બેસીને ભોજન લેતાં હતાં. આ મામલે શાળાના આચાર્યે પણ હાથ ઊંચા કરી દીધા હતા અને જણાવેલું કે ગમે એટલી સમજાવટ છતાં વિદ્યાર્થીઓ માનતા નથી. એ યોગાનુયોગ છે કે આ તમામ કિસ્સા ઉત્તર પ્રદેશના છે, પણ એ ગમે એ રાજ્યનાં હોઈ શકે છે. ગુજરાત આ મામલે જરાય પાછળ નથી.

બાળકોનું સંસ્કારઘડતર કરીને તેમને નાગરિક બનાવવાનું મહત્ત્વનું કાર્ય શાળાનું હોય છે, પણ તેમનું ઘડતર કરનાર પોતે જ અસમાનતાની ગ્રંથીથી પીડાતાં હોય તો તેઓ શી રીતે બાળકોને ઘડી શકે? એ જ રીતે શાળાએ જતાં બાળકોનાં માવતર પણ પોતાનાં બાળકોમાં જાતિભેદના સંસ્કાર જ આગળ વધારવા ઈચ્છતાં હોય તો એ બાળકો પોતાની માનસિકતાની જ પ્રતિકૃતિ બની રહે એ નક્કી છે. એકવીસમી સદીને વિજ્ઞાનની અને ટેક્નોલોજીની સદી ગણવામાં આવી છે. એ હકીકત પુરવાર થતી રહે છે કે વિજ્ઞાન અને ટેક્નોલોજી માનસિકતાને બદલી શકતાં નથી કે વૈજ્ઞાનિક અભિગમને પ્રેરી શકતાં નથી. કેમ કે, તેનો ઉપયોગ પણ આખરે તો સૌ પોતપોતાની માનસિકતાના પ્રસાર માટે જ કરે છે. 

સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર વિવિધ લોકો દ્વારા જોવા મળતી મોટા ભાગની પ્રતિક્રિયાઓ થકી જણાયા વિના રહે નહીં કે આપણા સમાજમાં દેખાતી સમાનતા અને સમરસતાની વિભાવના કેવળ ત્વચા જેટલી જ ઊંડી છે. એટલે કે જે કંઈ સારું દેખાય છે એ માત્ર સપાટી પરનો દેખાવ છે. સહેજ જ ખોતરતાં જાતિગત માનસિકતા પ્રગટ થયા વિના રહેતી નથી. આનો ઉપાય શો? એક સજાગ નાગરિક તરીકે આપણે જાતિગત સમાનતાના ભ્રમને ન પોષીએ અને વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ તો એ પહેલું કદમ ગણાશે. પહેલું કદમ યોગ્ય દિશામાં હશે તો એ દિશામાં કશુંક નક્કર વિચારી શકાશે. વ્યક્તિગત સ્તરે પણ આપણે માન્યતા બદલી શકીએ તોય ઘણું.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top