મુંબઈ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી (International Cricket) નિવૃત્તિ (Retierment) લીધા બાદ પણ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું (MahendraSinh Dhoni) ભારતીય ક્રિકેટ (Indian Cricket) ટીમમાં મહત્ત્વ ઘટ્યું નથી. અવારનવાર હજુ પણ છાશવારે ભારતીય ક્રિકેટરો અને પસંદગીકારો પણ મહેન્દ્ર સિંહ ધોનીનો વિવિધ બાબતોમાં સલાહ લેતા રહે છે. વર્ષ 2021ના ટી-20 વર્લ્ડકપમાં (T20 World Cup) ધોનીને ભારતીય ટીમનો મેન્ટર (Mentor) બનાવાયો હતો, તે એ જ દર્શાવે છે કે મોટી ટુર્નામેન્ટ માટે બીસીસીઆઈ (BCCI) હજુ પણ ધોની પર નિર્ભર છે. હવે એક નવો અહેવાલ સામે આવ્યો છે. જેમાં પણ ધોનીનું નામ ચર્ચાઈ રહ્યું છે.
તાજેતરમાં 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ (WTC Final) માટેની ભારતની ટીમ જાહેર કરવામાં આવી હતી, જેમાં એક ખેલાડીના નામે આશ્ચર્ય સર્જયું હતું. પસંદગીકારોએ અજિંક્ય રહાણેને (Ajinkya Rahane) ટીમમાં સ્થાન આપ્યું હતું. છેલ્લાં એકાદ વર્ષ કરતા વધુ સમયથી ટીમની બહાર રહેલાં રહાણેને એકાએક ટીમમાં સ્થાન કેવી રીતે મળ્યું? તે સવાલ ચારેતરફ ચર્ચાવા લાગ્યો હતો. હવે આ બાબતે એક ઘટસ્ફોટ થયો છે.
હવે એક રિપોર્ટ અનુસાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચની ટીમમાં અજિંક્ય રહાણેનો સમાવેશ કરતા પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સના (CSK) કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે પસંદગીકારોએ ચર્ચા કરી હતી. બીસીસીઆઈએ મહેન્દ્રસિંહ ધોનીએ ગ્રીન સિગ્નલ આપ્યું ત્યાર બાદ જ અજિંક્ય રહાણેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થાન અપાયું હોવાની ચર્ચા છે.
તમને જણાવી દઈએ કે ખરાબ પ્રદર્શનના લીધે રહાણેને ટેસ્ટ ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો હતો. થોડા મહિના પહેલાં બીસીસીઆઈ દ્વારા ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની (BCCI Annual Contract) યાદી જાહેર કરી હતી તેમાં પણ રહાણેનો સમાવેશ કરાયો નહોતો. ત્યારે એકાએક રહાણેનું ટેસ્ટની ફાઈનલમાં સ્થાન મેળવવું એ ખૂબ જ મોટું આશ્ચર્ય રહ્યું હતું.
ધોનીનો ટચ મળતા જ રહાણે આઈપીએલમાં ઝળકી ઉઠ્યો
ખરાબ પ્રદર્શનના લીધે ભારતીય ટેસ્ટ ટીમમાંથી પડતા મુકાયેલા અજિંક્ય રહાણે આઈપીએલમાં અલગ જ રંગમાં જોવા મળ્યો છે. આ વખતે રહાણે પર ધોનીની સીએસકેએ દાવ રમ્યો છે, જે સફળ સાબિત થયો છે. 34 વર્ષીય રહાણેએ પાંચ ઈનિંગ્સમાં 209 રન બનાવ્યા છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે રહાણેએ ઝડપી અને અણનમ 71 રન બનાવ્યા હતા. ધોનીના સ્પર્શ સાથે જ રહાણે ઝળકી ઉઠ્યો છે. રહાણે એક મેચને બાદ કરતા તમામ મેચમાં બે આંકડામાં રન બનાવ્યા છે, જે દર્શાવે છે કે રહાણે સારા ફોર્મમાં છે.