ગુજરાતના રાજકારણમાં જો કોઈ સમાજ દ્વારા વમળો સર્જવાની તાકાત હોય તો તે પાટીદાર સમાજ છે. ભૂતકાળમાં પણ પાટીદાર સમાજ દ્વારા ગુજરાતના રાજકારણમાં ધમાસાણ મચાવવામાં આવ્યું હતું. પાટીદાર સમાજના સથવારે જ ભાજપે ગુજરાતની ગાદી કબજે કરી હતી અને તે સમયે ભાજપના પ્રથમ કહી શકાય તેવા મુખ્યમંત્રી પણ કેશુભાઈ પટેલ પાટીદાર હતા. પાટીદાર સમાજ દ્વારા ગુજરાતના રાજકારણમાં પોતાનું પ્રભુત્વ બતાવવામાં જ આવ્યું છે.

અગાઉ હાર્દિક પટેલ દ્વારા અનામત આંદોલન છેડીને ભાજપને મુશ્કેલીમાં મુકી દેવામાં આવ્યો હતો. જોકે, જ્યાં સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યાં સુધી નરેન્દ્ર મોદીએ પાટીદાર સમાજને એટલો ભાજપ પર હાવી થવા દીધો નહોતો. હાલમાં પાટીદાર સમાજ વેરવિખેર છે અને સર્વમાન્ય નેતા કોઈ જ નથી. જોકે, તાજેતરમાં જ રાજ્યના માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલની વરણી ખોડલધામના સર્વેસર્વા તરીકે કરવામાં આવતાં હવે તેની સીધી અસર આગામી દિવસોમાં રાજકારણમાં જોવા મળે તો નવાઈ નહીં હોય!
અનાર પટેલની ખોડલધામના અધ્યક્ષ તરીકે વરણી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા કરવામાં આવી છે. નરેશ પટેલે અનાર પટેલ માટે નવી પોસ્ટ ઉભી કરીને તેને આખું સંગઠન સોંપીને નવી રાજકીય સોગઠી મારી છે. હવે અનાર પટેલને ગામડે ગામડે જઈને ખોડલધામને મજબૂત કરવાના નામે પોતાને મજબૂત કરવાનો મોકો મળી ગયો છે. આગામી વિધાનસભાની ચૂંટણી 2027માં ડિસેમ્બર માસમાં યોજાય તેવી સંભાવના છે ત્યારે અનાર પટેલ પાસે બે વર્ષ જેટલો સમય છે અને આ સમયનો તે કેવો ઉપયોગ કરે છે તેની પર બધો આધાર છે. અનાર પટેલ જોકે, પોતે એવું કહી રહ્યા છે કે, મેં કોઈ રાજકીય પ્રોફાઈલ બનાવી નથી.
મારા હોદ્દાને રાજકારણ સાથે જોડવો નહીં, હું સેવા કરવા માટે ખોડલધામમાં આવી છું પરંતુ જે રીતે ખોડલધામના સંગઠનની રાજકીય ગતિવિધી રહી છે તેને કારણે અનાર પટેલનું નામ આગામી દિવસોમાં પાટીદાર આગેવાન તરીકે, બની શકે કે મુખ્યમંત્રીપદના દાવેદાર તરીકે આગળ કરવામાં આવે તેવી પુરી સંભાવના છે. અનાર પટેલ અગાઉ ખોડલધામમાં ટ્રસ્ટી હતા પરંતુ અચાનક તેમને અધ્યક્ષ બનાવી દેવામાં આવશે તેવું કોઈએ વિચાર્યું નહોતું. ખોડલધામ સંગઠન કન્વીનર મીટના કાર્યક્રમમાં ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રોટોકોલ તોડીને આ નિર્ણય કરવો પડી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આ નામ ગુજરાતમાં ગૌરવ જરૂર અપાવશે.
નરેશ પટેલે અનાર પટેલના નામની જાહેરાત કરતાં કહ્યું હતું કે, સંગઠનને વધુ મજબૂત કરવા અને યુવા તેમજ મહિલા શક્તિને જોડવા માટે આ નિર્ણય લેવાયો છે. જોકે, જે રીતે અચાનક અન્ય આગેવાનોને પડતા મૂકીને અનાર પટેલને અધ્યક્ષ બનાવવામાં આવ્યાં તેમાં રાજકારણનો મોટો દાવ હોવાનું મનાઈ રહ્યું છે. આનંદીબેન પટેલ અત્યારથી જ પોતાની પુત્રી અનાર પટેલને મુખ્યમંત્રી તરીકે આગળ વધારવાના પ્રયાસો કરી રહ્યા છે.
અનાર પટેલને અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરતી વખતે નરેશ પટેલે કહ્યું હતું કે, આપણો સમાજ કાનના પોચો છે ગમે તેનું માની લે છે. સરકારના કામમાં મારે આ ખૂબ થાય છે. ખરાઈ કર્યા વગર સરકાર સુધી આવી વાતો મારી પહોંચાડે છે. આપણો સમાજ ભોળો છે પણ હવે આપણે ભોળપણ નથી રાખવાનું આમાંથી બહાર નીકળવાનું છે. લેઉવા પટેલ સમાજ પાસે શું નથી એ સવાલ છે. જે રીતે નરેશ પટેલ દ્વારા અનાર પટેલને અધ્યક્ષ બનાવતી વખતે વાતો કરવામાં આવી અને જેવી રીતે ગતિવિધી ચાલી રહી છે તે જોતાં આગામી દિવસોમાં અનાર પટેલનું નામ ભાજપમાં ભારે ઘમાસાણ મચાવશે તે નક્કી છે.