
ચાંદી હાલમાં ઇતિહાસમાં સૌથી ઝડપી તેજીનો અનુભવ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તે ૬૦ ડૉલર પ્રતિ ઔંસના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરની આસપાસ ફરે છે અને ૨૦૨૫ માં અત્યાર સુધીમાં તેના ભાવ બમણાથી વધુ થઈ ગયા છે. MCX પર પણ ચાંદીની કિંમતો ૧.૯૯ લાખ પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ છે. માત્ર એક વર્ષમાં ૧૦૦ ટકાથી વધુ વળતર આપનારી કોઈ મિલકત હોય તો તે ચાંદી છે. નફાની બાબતમાં ચાંદી સોના કરતાં પણ આગળ નીકળી ગઈ છે. એક બાજુ શેરોના અને ક્રિપ્ટોના ભાવો ઘટી રહ્યા છે, પણ ચાંદીમાં સતત વધારો ચાલી રહ્યો છે.
ચાંદીના ભાવો સતત વધવા પાછળ એક કરતાં વધુ પરિબળો કામ કરી રહ્યા છે. પહેલું પરિબળ એ છે કે દુનિયામાં ચાંદીનું જેટલું ઉત્પાદન થાય છે, તેના કરતાં તેનો વપરાશ વધી ગયો છે. ચાંદીનું બજાર છેલ્લાં પાંચ વર્ષથી ખાધમાં છે. આનાથી ભૌતિક બજાર કડક બન્યું છે અને કિંમતો વધી રહી છે. ઔદ્યોગિક વપરાશ એટલો મજબૂત છે કે ચાંદીની માંગ હવે કુલ વપરાશના અડધાથી વધુ હિસ્સો ધરાવે છે. ચાંદીના શિપિંગ દરોમાં રેકોર્ડ ૪૦૦ ટકાનો વધારો થયો છે, જેની સીધી અસર ભારતમાં સ્ટીલ, ઓટો અને ઊર્જા કંપનીઓ પર પડે છે. ચાંદીની તેજીનું સૌથી મોટું કારણ તેની ઔદ્યોગિક માંગમાં આવેલો ઉછાળો છે. EV કારમાં ચાંદીનો ઉપયોગ બમણાથી વધુ થાય છે, સૌર ઊર્જા માટેની પેનલમાં ચાંદીનો ઉપયોગ વધ્યો છે અને 5G અને ઉચ્ચ-સ્તરીય ઇલેક્ટ્રોનિક્સમાં ચાંદીનો નોંધપાત્ર વપરાશ થાય છે. આ માંગ ચાંદી માટે મજબૂત ટેકો બનાવી રહી છે.
વળી તાજેતરમાં જે તેજી જોવા મળી રહી છે તે અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં ઘટાડાની અપેક્ષાએ જોવા મળી રહી છે, જેણે બુલિયન બજારમાં નવો પ્રાણ ફૂંક્યો છે. હાલમાં ચાંદીની વાસ્તવિક પેદાશ ઘટી રહી છે, ડૉલર નબળો પડ્યો છે અને ફેડ દ્વારા વ્યાજ દર ઘટાડાની અપેક્ષાઓ સતત મજબૂત થઈ રહી છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં કાપ મૂકવામાં આવે ત્યારે ડૉલર નબળો પડે છે અને રોકાણકારો સેફ હેવન ગણાતા સોના અને ચાંદી તરફ વળે છે. ચાંદીને હંમેશા ઉચ્ચ-બીટા માનવામાં આવે છે, જેનો અર્થ એ થાય છે કે તે સોના કરતાં વધુ ઉછાળો દર્શાવે છે. છેલ્લાં એક વર્ષમાં સોનાની સરખામણીમાં ચાંદીમાં વધુ વળતર મળ્યું છે. ભારત પરંપરાગત રીતે સોનાનો અને ચાંદીનો મોટો ખરીદદાર રહ્યો છે, પણ તાજેતરમાં ભારતમાં ચાંદીની માંગમાં જે પ્રચંડ વધારો જોવા મળ્યો છે, તેણે આંતરરાષ્ટ્રીય બજારમાં ધરતીકંપ લાવી દીધો છે. ગઈ ધનતેરસ પહેલાં દુનિયાભરમાં ચાંદીના ભાવોમાં જે ભડકો થયો તેની પાછળ ભારતમાં ચાંદીની ધૂમ ખરીદી જવાબદાર હતી. લંડનમાં અને ન્યુ યોર્કમાં ચાંદીની જે ખરીદી જોવા મળે છે તે ૯૯ ટકા પેપરના કોન્ટ્રેક્ટના સ્વરૂપમાં જ હોય છે, જેની ડિલિવરી આપવાની હોતી નથી, પણ ભારતમાં દિવાળી પહેલાં જે ઘરાકી જોવા મળી તે નક્કર ચાંદીની માંગણી હતી. ભારતના લોકો કાગળની ચિઠ્ઠીમાં નહીં પણ નક્કર ધાતુમાં વિશ્વાસ ધરાવે છે. ૨૦૨૪ના ઓક્ટોબરમાં ભારતમાં ૧.૫ કરોડ ઔંસ ચાંદીનું વેચાણ થયું હતું. તેની સરખામણીમાં ૨૦૨૫ના ઓક્ટોબરમાં ભારતમાં ૬ કરોડ ઔંસ ચાંદીનું વેચાણ થયું હતું, જે આગલાં વર્ષની સરખામણીમાં ૪૦૦ ટકા હતું. ભારતની આ સખત માગને કારણે પહેલી વખત લંડનના બિલિયન વોલ્ટમાં ચાંદી ખૂટી ગઈ હતી અને તેમને તાબડતોબ ચીનથી ૧૫૦ ટન ચાંદીની આયાત કરવાની ફરજ પડી હતી.
કોઈ પણ વસ્તુની માંગ વધે છે અને તેનો પુરવઠો સ્થિર રહે છે, ત્યારે તેના ભાવો વધ્યા વિના રહેતા નથી. ચાંદીનું ઉત્પાદન વધી નથી શકતું, કારણ કે ખાણમાંથી ચાંદી સ્વતંત્ર રીતે નીકળતી નથી. ચાંદી તાંબુ, જસત, શીશું કે સોનાની બાય પ્રોડક્ટ તરીકે નીકળે છે. આ ધાતુઓનું ઉત્પાદન વધારવામાં આવે તો જ ચાંદીનું ઉત્પાદન વધે છે. વળી નવી ખાણ શરૂ કરવી હોય તો તેમાં દસ વર્ષનો સમય લાગે છે, માટે ચાંદીનું ઉત્પાદન રાતોરાત વધારી શકાતું નથી. ચાંદી-સમર્થિત ETF એ ૨૦૨૫ માં ચાંદીની ચોખ્ખી ખરીદીમાં સેંકડો ટનનો વધારો કર્યો છે. આની બે અસરો થઈ છે. ભૌતિક બજારમાં કડકતાના કારણે ફ્યુચર્સ માર્કેટમાં ચાંદીના ઊંચા ભાવ રહ્યા છે અને લાંબી પોઝિશનમાંથી સુપર તેજીનો સેન્ટિમેન્ટ રહ્યા છે. ETF ઇનફ્લો ચાંદીમાં તેજી માટે સૌથી મોટું કારણ રહ્યું છે. શોર્ટ-કવર્સ + ઓછી લિક્વિડિટી = ઊંચા સ્તરે પણ તીવ્ર રેલીની જેમ ભાવ વધ્યા છે. શોર્ટ-કવર્સ ધરાવતા લોકો મંદીનો ધંધો કરવામાં ફસાઈ ગયા છે. જ્યારે શોર્ટ-કવર્સ એકસાથે થયા ત્યારે બજારમાં અચાનક ઉછાળો આવ્યો અને કલાકોમાં જ એક મોટી રેલી જોવા મળી. ઓછી લિક્વિડિટીને કારણે આ રેલી વધુ ઝડપી બની. શું ચાંદીમાં હજુ પણ વધારો થઈ શકે છે?
બજારના નિષ્ણાતો માને છે કે ઔદ્યોગિક માંગ મજબૂત છે. ETF પ્રવાહ ચાલુ છે. ડૉલર ખૂબ મજબૂત દેખાતો નથી. ફેડ દ્વારા દર ઘટાડાની અપેક્ષાઓ વધી રહી છે. આ બધાં પરિબળો હજુ પણ ચાંદી માટે સકારાત્મક છે. જો કે, તીવ્ર તેજી પછી અસ્થિરતા વધી શકે છે અને અચાનક કરેક્શન આવી શકે છે. સોનાને રક્ષણાત્મક માનનારાઓ માટે ચાંદી ૨૦૨૫ માં સુપર-હાઈ રિટર્ન સાથે ઉચ્ચ-બીટા વેપાર સાબિત થઈ છે. ચાંદીના પુરવઠા ખાધ, ફેક્ટરીની માંગ, ETF પ્રવાહ અને નબળો ડૉલર, આ બધાં મળીને એક માહોલ બનાવે છે, જ્યાં તેજી સમાપ્ત થવાથી ઘણી દૂર છે.
છેલ્લાં આશરે ૫૦ વર્ષથી કેટલીક બુલિયન બેન્કો નફો કમાવવા ખાતર ચાંદીના વેપાર પર મોનોપોલી જમાવીને બેઠી છે અને તેઓ ચાંદીના ભાવોને કૃત્રિમ રીતે નીચા રાખી રહી છે. આ બેન્કો ખાણમાંથી જેટલી પણ ચાંદી બહાર પડે તેને ખરીદી લે છે અને પોતાના વોલ્ટમાં તેનો સંગ્રહ કરે છે. વિશ્વમાં કોઈ પણ કંપનીને કે સરકારને પણ ચાંદી ખરીદવી હોય તો તેમણે આ બુલિયન બેન્કો દ્વારા ચલાવવામાં આવતાં એક્સચેન્જમાં જ આવવું પડે છે. બુલિયન બેન્કો ચાંદીની ખરીદી સામે રસીદ આપે છે, જેમાં ૯૦ દિવસ પછી ચાંદીની ડિલિવરી આપવાનો વાયદો આપવામાં આવે છે. બુલિયન બેન્કોના વોલ્ટમાં જેટલી ચાંદી છે તેના કરતાં ૧૦૦ ગણા વાયદાઓ તેમના દ્વારા જારી કરવામાં આવ્યા છે. જો વાયદામાં ચાંદી ખરીદનારા ૧૦ ટકા લોકો પણ ૯૦ દિવસ પછી ચાંદીની ડિલિવરી લેવા આવે તો બુલિયન બેન્કો ઉઠી જાય, પણ તેવું બનતું નથી. ચાંદી ખરીદનારા માંડ ૧ ટકા લોકો ડિલિવરી લેતા હોય છે અને બાકીના ૯૯ ટકા લોકો સોદો આગળ ચલાવતા હોય છે. આ કારણે બુલિયન બેન્કો ૧ ટકા ચાંદીના પુરવઠા છતાં ૧૦૦ ટકા ચાંદીના સોદા કરી શકે છે. છેલ્લા ત્રણ મહિનામાં ચાંદીની બજારમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે, જેના માટે ભારત અને ચીન જેવા દેશો જવાબદાર છે. ભારતમાં સોલાર રૂફ ટોપ, ઇલેક્ટ્રિક વેહિકલ, ૫-જી સંદેશવ્યવહાર અને એઆઈના ડેટા સેન્ટરોને કારણે ચાંદીના વપરાશમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. વળી રૂપિયો સતત ઘસાઈ રહ્યો હોવાથી ભારતના લોકો રોકાણના નફાકારક માધ્યમ તરીકે સોના અને ચાંદી તરફ વળ્યા છે. તેમાં પણ ચાંદીમાં છેલ્લાં એક વર્ષમાં રોકાણ બમણું થયું હોવાથી ચાંદીની માંગમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો છે. ભારતના વપરાશકારો અને રોકાણકારો ચાંદીના કાગળ પરના કોન્ટ્રેક્ટો ખરીદવામાં રસ નથી ધરાવતા, પણ ફિઝિકલ ધાતુ માગે છે, જેને કારણે કાગળના આધારે ચાંદીનો વેપાર કરતી બુલિયન બેન્કોની પોલ ખુલ્લી થઈ ગઈ છે. આધારભૂત હેવાલો મુજબ જેપી મોર્ગન નામની બુલિયન બેન્ક પાસે જેટલો ચાંદીનો જથ્થો છે તેના કરતાં અનેક ગણી ચાંદી તેણે કાગળ ઉપરના કોન્ટ્રેક્ટના માધ્યમથી વેચી છે. હવે તેમની પાસે કુલ જેટલી ચાંદી છે, તેના કરતાં વધારે ચાંદીની ડિલિવરી માગવામાં આવી રહી છે. જેપી મોર્ગને હમણા તો મહિનાની મુદ્દત આપીને કટોકટી ટાળી છે, પણ મહિના પછી જ્યારે ખરેખર ડિલિવરી આપવાની આવશે ત્યારે તેની અગ્નિપરીક્ષા થવાની છે. આ બુલિયન બેન્ક જો ચાંદીની ડિલિવરી નહીં આપી શકે તો તેની શાખ ખતમ થઈ જશે અને તેણે દેવાળું કાઢવું પડશે. જો તે ચાંદીની ડિલિવરી નહીં આપી શકે તો તેણે દંડના રૂપમાં ચાંદી ખરીદનારને વળતર ચૂકવવું પડશે, પણ તે પછી તેની કાગળ ઉપર ચાંદી વેચવાની રમત બંધ થઈ જશે. તે સમયે ફિઝિકલ ચાંદીની બજારમાં જોરદાર ઉછાળો આવશે. બુલિયન બેન્કો દ્વારા છેલ્લા પાંચ દાયકાથી ચાંદીના ભાવો જે કૃત્રિમ રીતે દબાવી રાખવામાં આવ્યા છે તે સ્પ્રિંગની જેમ ઉછળશે ત્યારે બજારમાં સુનામી આવશે.
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.