Sports

ભારત માટે બેંગ્લુરુ ટેસ્ટનો બીજો દિવસ રહ્યો ખરાબઃ ટીમ 46 રન પર ઓલઆઉટ, ઋષભ પંત ઈન્જર્ડ

બેંગ્લુરુઃ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરિઝની પહેલી મેચ આજે તા. 17 ઓક્ટોબરે બેંગ્લુરુમાં શરૂ થઈ હતી. પહેલો દિવસ વરસાદે ધોઈ નાંખ્યા બાદ આજે સવારે ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ નિર્ણય ખોટો સાબિત થયો હતો.

ભારતીય ટીમ માત્ર દોઢ સેશનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. પહેલી ઈનિંગમાં ભારતીય ટીમ માત્ર 46 રન જ બનાવી શકી હતી. ભારતના 5 બેટ્સમેન 0ના સ્કોર પર આઉટ થયા હતા. સૌથી વધુ ઋષભ પંતે 20 રન બનાવ્યા હતા. ટી બ્રેક પહેલાં ભારતની આખી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

ત્યાર બાદ બેટિંગમાં ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમના ઓપનિંગ બેટ્સમેનોએ ધુંઆધાર બેટિંગ કરી હતી. વિકેટ ગુમાવ્યા વિના ન્યુઝીલેન્ડે ભારતે બનાવેલા 46 રનનો સ્કોર વટાવી લીધો હતો. ન્યુઝીલેન્ડની પહેલી વિકેટ 67ના સ્કોર પર પડી હતી. દિવસના અંતે ન્યુઝીલેન્ડે 3 વિકેટ ગુમાવી 180 રન બનાવી લીધા હતા.

ન્યુઝીલેન્ડે 134 રનની લીડ મેળવી લીધી છે. કુલદીપ યાદવ, આર. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને 1-1-1 વિકેટ મળી છે. ન્યુઝીલેન્ડનો ઓપનર ડેવિડ કોનવે 91 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. રચિન રવિન્દ્ર (22) અને મિચેલ (14) રમતમાં છે.

ઋષભ પંત ઈન્જર્ડ થતાં ભારતની મુશ્કેલી વધી
બેંગ્લુરુ ટેસ્ટના બીજા દિવસે પહેલી ઈનિંગમાં ભારતીય બેટ્સનોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ભારતના 5 બેટ્સમેન 0 પર આઉટ થયા હતા, જ્યારે ઋષભ પંત અને યશસ્વી જ્યસ્વાલ જ બે આંકડાનો સ્કોર બનાવી શક્યા હતા. ટીમના કુલ સ્કોર 46માં પંતનું સૌથી વધુ 20 રનનું યોગદાન રહ્યું હતું.

જોકે, ભારત માટે ખરાબ સમાચાર એ છે કે પંત ઈન્જર્ડ થયો છે. રવિન્દ્ર જાડેજાની એક નીચી રહી ગયેલી બોલ પંતના ઘૂંટણમાં વાગી હતી. પહેલી નજરે જોતા ઈજા ગંભીર હોવાનું લાગી રહ્યું છે. પંત રિટાયર્ડ હર્ટ થયો હતો. તેના સ્થાને ધ્રુવ જુરેલ ફિલ્ડિંગ માટે મેદાનમાં આવ્યો હતો. જો, પંતની ઈજા ગંભીર હશે તો બેંગ્લુરુ ટેસ્ટમાં ભારતની મુશ્કેલી વધી શકે છે.

કીવી બેટ્સમેનોએ શાનદાર બેટિંગ પ્રદર્શન દર્શાવ્યું
ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં શાનદાર શરૂઆત કરી હતી. કેપ્ટન ટોમ લાથમ અને ડેવોન કોનવેએ પ્રથમ વિકેટ માટે 67 રન જોડ્યા હતા. કુલદીપ યાદવે લાથમને LBW આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. લાથમે 13 રનનું યોગદાન આપ્યું હતું. આ પછી કોનવે અને વિલ યંગ (33 રન)એ મળીને બીજી વિકેટ માટે 75 રન જોડ્યા હતા. આ ભાગીદારીનો અંત રવિન્દ્ર જાડેજાએ કર્યો હતો, જેણે યંગને કુલદીપ યાદવના હાથે આઉટ કર્યો હતો. ડેવિડ કોનવે 91 રન બનાવી આઉટ થયો હતો. અશ્વિને તેને બોલ્ડ કર્યો હતો.

કીવી ફાસ્ટ બોલર સામે ભારતીય બેટ્સમેનો લાચાર
આ અગાઉ સવારે ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના બેટ્સમેનો કિવી ફાસ્ટ બોલરો સામે લાચાર દેખાયા હતા. કિવી ફાસ્ટ બોલરોએ વાદળછાયા વાતાવરણનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને ભારતનો પ્રથમ દાવ માત્ર 46 રનમાં સમેટાયો હતો.

ભારત તરફથી માત્ર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલ બે આંકડા સુધી પહોંચી શક્યા હતા. પાંચ બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. રિષભે 20 રન અને યશસ્વીએ 13 રનનું યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડ માટે ફાસ્ટ બોલર મેટ હેનરીએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. જ્યારે વિલિયમ ઓ’રોર્કે ચાર અને ટિમ સાઉથીએ એક વિકેટ ઝડપી હતી.

ટેસ્ટ ઈતિહાસમાં ભારતનો ત્રીજો સૌથી ઓછો સ્કોર
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમનો આ ત્રીજો સૌથી ઓછો સ્કોર હતો. ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં આ ભારતનો સૌથી ઓછો સ્કોર હતો. આ પહેલા વર્ષ 1976માં વેલિંગ્ટન ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ તેની બીજી ઇનિંગમાં 81 રનમાં આઉટ થઈ ગઈ હતી. એટલે કે ભારતીય ટીમે તેનો 48 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો ન્યૂનતમ ઈનિંગ સ્કોર 36 રન છે, જે તેણે ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડ ટેસ્ટમાં બનાવ્યો હતો. આ પછી તેનો બીજો સૌથી ઓછો સ્કોર 42 રન છે. જૂન 1974માં ઇંગ્લેન્ડ સામેની લોર્ડ્સ ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમ 42 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઘરઆંગણે ભારતીય ટીમનો આ સૌથી ઓછો સ્કોર હતો. આ પહેલા ભારતે 1987માં વેસ્ટ ઈન્ડિઝ સામે દિલ્હી ટેસ્ટ મેચમાં તેની પ્રથમ ઈનિંગમાં 75 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, ભારતમાં કોઈપણ ટેસ્ટ મેચમાં ટીમનો આ સૌથી ઓછો સ્કોર હતો. આ પહેલા ન્યુઝીલેન્ડે વર્ષ 2021માં ભારત સામે મુંબઈ ટેસ્ટ મેચ દરમિયાન 62 રન બનાવ્યા હતા.

એટલું જ નહીં 46 રન એશિયાની કોઈપણ ટીમનો ન્યૂનતમ સ્કોર છે. આ પહેલા વર્ષ 1986માં ફૈસલાબાદમાં વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાન સામે 53 રન બનાવ્યા હતા. વર્ષ 2002માં શારજાહમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે 53 રન બનાવ્યા હતા.

Most Popular

To Top